ગઈકાલે આઠમું નોરતું એટલે કે આઠમ હતી. ત્યારે જૂનાગઢ (Junagadh)માં આઠમની મોડી રાત્રે ખૂનીખેલ ખેલાયો હતો. જાણવા મળ્યું છે કે, જૂની અદાવતમાં વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર(BJP corporator) જીવા સોલંકી (Jeeva Solanki)ના પુત્ર હરેશ સોલંકી (Haresh Solanki)એ એક યુવાનને રહેસી નાખ્યો છે. મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. જ્યારે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
આરોપી ભાજપના કોર્પોરેટરનો પુત્ર:
મળતી માહિતી અનુસાર, આંબેડકરનગરના ધરાનગરમાં રહેતાં જયેશ પાતર ઉર્ફે ચોલી (29)નું મોડી રાત્રે મર્ડર થયું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મર્ડર કરનાર આરોપી શહેરના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકી છે. મર્ડરની આ ઘટના સામે આવતાં ધરાનગર વિસ્તારના કોલેજ રોડ પર લોકોનાં ટોળેટોળાં એકત્રિત થયાં હતાં. તેમજ આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવાન લોહીલુહાણ હાલતમાં આવતો દેખાય છે.
છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો:
જાણવા મળ્યું છે કે, જયેશ પાતર આંબેડકરનગર કોમર્સ કોલેજની સામે રહેતો હતો તે મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે આજે મોડી રાત્રે 12:00 વાગ્યે પોતાના ઘરે હતો. આ દરમિયાન વોર્ડ નંબર 15ના કોર્પોરેટર જીવા સોલંકી પુત્ર હરેશ સોલંકીએ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જેની મૃતક જયેશ પાતરની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સારવાર મળે એ પહેલાં જ મોત:
મૃતક જયેશ પાતરની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના પુત્ર જયેશને આરોપી હરેશ સાથે અગાઉ બોલાચાલી થઇ હતી. એમાં હરેશે મોડી રાત્રે મારા પુત્રને છરીના ઘા ઝીંકી મારી નાખ્યો છે. હું જ્યારે નવરાત્રિમાં આરતી કરી ઘરે જઇ રહી હતી ત્યારે મારો પુત્ર જયેશ સામેથી પેટ પર હાથ રાખી લોહીલુહાણ હાલતમાં સામે મળ્યો હતો. મને જોઇને જયેશે કહ્યું કે જલદી 108 બોલાવો, મને જીવા સોલંકીના પુત્રએ છરીઓ મારી છે.
વધુમાં તેની માતાએ કહ્યું હતું કે, મારા દીકરાની હાલત જોઈ મેં બૂમાબૂમ કરતાં લોકોનાં ટોળાં એકત્રિત થયા હતા અને જયેશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર મળે એ પહેલાં જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયેશના મોતના સમાચાર આંબેડકરનગર ફેલાતાં લોકોનાં ટોળેટોળાં સિવિલ હોસ્પિટલમાં એકત્રિત થયાં હતાં. તેમજ માતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધારવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.