ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવી સાતમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ખેલાડીઓએ શાનદાર રમત બતાવી અને 8 વિકેટથી મેચ જીતી લીધી. ફાઇનલ મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર ઇનિંગ રમી હતી. તેના કારણે જ ભારતીય ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી.
સ્મૃતિ મંધાનાએ અડધી સદી ફટકારી
સ્મૃતિ મંધાનાએ ફાઇનલમાં તોફાની બેટિંગ કરી હતી. તેણે મેદાનની ચારે બાજુ રન બનાવ્યા. તેની બેટિંગ જોઈને વિરોધી બોલરોએ દાંત નીચે આંગળીઓ દબાવી દીધી હતી. તેણે 25 બોલમાં 51 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 3 લાંબી સિક્સ સામેલ હતી. આ સાથે જ કેપ્ટન હરમનપ્રીત કૌરે 11 રનનું યોગદાન આપ્યું હતું. બંને ખેલાડીઓ અંત સુધી અણનમ રહ્યા અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. જેમિમાહ રોડ્રિગ્ઝે 2 અને શેફાલી વર્માએ 5 રન બનાવ્યા હતા.
શ્રીલંકાએ 66 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ભારતીય મહિલા ટીમે શનિવારે અહીં એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકાની ઇનિંગ્સને 20 ઓવરમાં 9 વિકેટે 65 રન પર પછાડી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ 66 રનનો ટાર્ગેટ ખૂબ જ સરળતાથી મેળવી લીધો હતો.
શ્રીલંકાએ શનિવારે ભારત સામે મહિલા એશિયા કપની ફાઇનલમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ભારતીય બોલરોની સામે એકદમ ખોટો સાબિત થયો હતો. ભારત તરફથી રેણુકા સિંહે ત્રણ જ્યારે રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની તરફથી કોઈપણ મહિલા ખેલાડી શાનદાર પ્રદર્શન કરી શકી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.