આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત માટે આવી પહોંચ્યા છે. આજે પંચમહાલમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એક મોટી જનસભાને સંબોધશે અને ત્યારબાદ તેઓ બનાસકાંઠામાં એક બીજી વિશાળ જનસભામાં હાજરી આપશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પંચમહાલની જાહેર સભામાં ભારત માતા કી જયના નારા સાથે હજારોની સંખ્યામાં આવેલા લોકોને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો કહી રહ્યા છે કે પરિવર્તન જોઇએ છે. હું તમારા માટે ખુશખબર લઈને આવ્યો છું. IBનો રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને સર્વે કરાવ્યો હતો. તે સરકારી એજન્સી છે. અને IBએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. IB રિપોર્ટ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે પણ બે-ત્રણ સીટથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટીની 40-50 સીટો પરથી જીતવી જોઈએ. લોકોએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠકો આપી અને પંજાબમાં 117માંથી 92 બેઠકો આપી, ગુજરાતમાં પણ 182માંથી 150 બેઠકો આવવી જોઈએ.
ગુજરાતને ભ્રષ્ટ્રાચાર મુક્ત શાસન આપીશું :અરવિંદ કેજરીવાલ
જ્યારે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુજરાતનાં એક ધારાસભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી એ વખતે તેમની 4 એકર જમીન હતી. આજે 5 વર્ષ પછી તેમને 1000 એકર જમીન થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે. સવારથી સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. હું તમને પૂછવા માંગુ છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? તેમણે કોઈ કામ કર્યું? તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક-એક પૈસો પાછો લેવામાં આવશે. હમણાં જ પંજાબની અંદર અમારા જ એક મંત્રી કંઈક ખોટું કરી રહ્યા હતા. ભગવંત માન એ પોતે તેમને જેલમાં મોકલી દીધા. ભગવંત માનએ ભ્રષ્ટાચાર માટે તેમના આરોગ્ય મંત્રીને જેલમાં ધકેલી દીધા, આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. જો મારો દીકરો પણ ચોરી કરશે, મારો ભાઈ પણ ચોરી કરશે તો તે પણ જેલમાં જશે. અમે તમારા માટે એવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું કામ કરશે. તમારે 15 ડિસેમ્બર પછી કોઈને પણ કોઈ લાંચ આપવાની જરૂર નહીં પડે.
1 માર્ચથી ગુજરાતના લોકોને 24 કલાક વીજળી સાથે ઝીરો વીજ બિલ મળશે: અરવિંદ કેજરીવાલ
સૌથી પહેલા તો તમને મોંઘવારીથી છુટકારો મળશે. જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યાકે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા તમારી વીજળી મફત કરીશું. મારી પાસે ગુજરાતનાં ઘણા લોકો આવે છે અને કહે છે કે, મોંઘવારી ઘણી વધી ગઈ છે, બાળકો ઉછેરવાના પૈસા નથી અને આવક પણ નથી વધી રહી. દિલ્હી અને પંજાબમાં અમે વીજળી મફત કરી દીધી. અને જેમના જૂના બિલ બાકી હતા તેમના જૂના બિલ માફ કર્યા. હવે દિલ્હી અને પંજાબમાં લોકોને ઝીરો બિલ આવે છે. દિલ્હીમાં 42 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે અને પંજાબમાં 50 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી ગુજરાતની જનતાના વીજળીના બિલ ઝીરો પર આવવા લાગશે. આ બંને પાર્ટીઓ મને ગાળો આપી રહ્યી છે કે, કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપે છે? કેજરીવાલ મફતની રેવડી કેમ વહેંચે છે? તેમના મુખ્યમંત્રીને 5000 યુનિટ અને અન્ય ધારાસભ્યને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને મફતમાં વીજળી મળે તો તેમને કોઈ તકલીફ નથી, પરંતુ ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફતમાં મળે તો તેમની તકલીફ થાય છે.
ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું : અરવિંદ કેજરીવાલ
જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ગંભીર રીતે ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોનાં બાળકો, મોચીનાં બાળકો, ઇસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યાં છે. દિલ્હીમાં ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, તે મહિને ₹8000 કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે, હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સુધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે, તે મહિને ₹10000 કમાય છે, તેને પણ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. એવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓ માંથી ભણીને ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળામાંથી કઢાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે, જેમની મહિનાની આવક ₹10000 હતી, આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિને બે-ત્રણ લાખ રૂપિયા કમાશે, ઘણા બધા પરિવારોની ગરીબી દૂર થશે. ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.
દિલ્હીમાં અમે દરેકની સારવાર મફત કરી દીધી છેઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ. પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.
મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માનની રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ
18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.
દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું: અરવિંદ કેજરીવાલ
ગઈ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુનું બટન દબાવજો. જે પેપર ફૂટે છે તે થોડી એમ જ ફૂટે છે, ચોક્કસ કોઈ મોટા નેતા તેમાં સામેલ છે. 2015 પછી અત્યાર સુધી જે પણ પેપર લીક થયા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું. મફત વીજળી, શિક્ષણ, આરોગ્ય, મહિલાઓને સન્માન રાશિ અને બેરોજગારી ભથ્થું આપીને, અમે દરેક પરિવારને 27,000 નો લાભ કરાવીશું.
દિલ્હીની જેમ ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
ભગવાન શ્રી રામનું મંદિર આવતા વર્ષે તૈયાર થઈ જશે. દરેક વ્યક્તિ મંદિર જોવા જવા માંગે છે. પરંતુ મુસાફરી અને ખાવા-પીવામાં ઘણો ખર્ચ થાય છે. પરંતુ દિલ્હીમાં અમે એક યોજના શરૂ કરી છે, જેમાં અમે દિલ્હીવાસીઓને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરવા લઈ જઈએ છીએ. દિલ્હીથી સ્પેશિયલ ટ્રેન ઉપડે છે. એ ટ્રેનમાં બધા રામ ભક્ત હોય છે. આ બધા રામ ભક્તોનું આવવું, જવું, ખાવું, પીવું, રહેવાનું બધું મફત છે. તમને ઘરેથી લઈ જવાનું અને અંતે ઘર છોડવાનું પણ, દિલ્હી સરકાર આ બધી જવાબદારી ઉઠાવે છે અને તે બધું મફત છે. જ્યારે ટ્રેન દિલ્હીથી નીકળે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને છોડવા જાઉં છું અને જ્યારે ટ્રેન પાછી આવે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને લેવા જાઉં છું. લોકો મને ખૂબ આશીર્વાદ આપે છે. હું ગુજરાતની જનતાને વચન આપું છું કે ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે.
નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હશે તો તેમના આશીર્વાદ મળશે, દેશની પ્રગતિ થશેઃ અરવિંદ કેજરીવાલ
બે દિવસ પહેલા જ મેં કહ્યું હતું કે આપણી નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ. જો નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હશે તો તેમના આશીર્વાદ મળશે, દેશની પ્રગતિ થશે. હું એમ નથી કહેતો કે માત્ર ફોટો છાપવાથી આશીર્વાદ મળશે, આપણે સખત મહેનત કરીશું, સારી નીતિઓ પણ બનાવીશું. પણ જ્યાં સુધી ઉપરના આશીર્વાદ ન મળે ત્યાં સુધી મહેનત સફળ થતી નથી. પરંતુ મારી વાત પર ભાજપ અને કોંગ્રેસના લોકોએ મળીને મને ગાળો આપી અને કહેવા લાગ્યા કે ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર ન હોવી જોઈએ. આજે મેં વડાપ્રધાનને પત્ર લખ્યો છે, દેશના 130 કરોડ લોકો ઈચ્છે છે કે નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ.
કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ બરબાદ કરશો નહીં : અરવિંદ કેજરીવાલ
કોંગ્રેસ અને ભાજપ એક થઇ ગઇ છે. એ લોકોએ નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ. ગુજરાતમાં બહું મોટું વાવાઝોડું આવ્યુ છે પરિવર્તનનું. આખું ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, કોંગ્રેસને વોટ આપીને તમારા વોટના ભાગલા ન પાડતા. કોંગ્રેસને વોટ આપીને ભાજપને ન જીતાડી દેતા. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તેને જે પણ બેઠકો મળશે તે પછી ભાજપમાં ભળી જશે. ભાજપ 27 વર્ષથી એટલો અહંકારી બની ગયો છે કે તેઓ હવે લોકોની વાત પણ સાંભળતા નથી. અમારી સરકાર બનશે ત્યારે જનતા જ સરકાર ચલાવશે, જનતા જે કહેશે તે થશે.
આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકાર જોઈએ છેઃ અરવિંદ કેજરીવાલ
આ લોકો મને કહે છે કે કેજરીવાલ ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે, ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે. કારણ કે તેમને ડર લાગી રહ્યો છે કે જો કેજરીવાલની સરકાર આવી ગઇ અને તે બધું લોકોમાં વહેંચી દેશે તો તેમની લૂંટ બંધ થઈ જશે. કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા છે. આ લોકોએ ગમે તે કરીને નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઈએ. ગુજરાતની અંદર જોરદાર આંધી ચાલી રહી છે પરિવર્તનની. સમગ્ર ગુજરાત પરિવર્તનની માંગ કરી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, કોંગ્રેસને વોટ આપીને તમારા વોટના ભાગલા ન પાડતા. કોંગ્રેસને વોટ આપીને ભાજપને ના જીતાડી દેતા. કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ ના બગાડતા. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તે જેટલી પણ સીટો આવશે તે પછીમાં ભાજપમાં જોડાઇ જાશે. આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકારની જરૂર છે. હું અહીં માત્ર એક મોકો માંગવા આવ્યો છું. કોંગ્રેસને 70 વર્ષ આપ્યા, ભાજપને 27 વર્ષ આપ્યા, બસ એક મોકો આપો. જો હું કામ ના કરું તો એનાં પછી હું વોટ માંગવા નહીં આવું. એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, તમે બધા આ પરિવર્તનનો ભાગ બનો. આપણે સૌ સાથે મળીને નવું ગુજરાત બનાવીશું.
ભાજપવાળા મારાથી કે અરવિંદ કેજરીવાલથી નહીં પરંતુ આટલી મોટી સંખ્યામાં હાજર લોકોથી ડરે છેઃ ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ પંચમહાલમાં હાજર હજારોની સંખ્યાની જનમેદનીને સંબોધિત કરતા કહ્યું કે, સભામાં હાજર લોકો સ્ટેજ પર બેઠેલા લોકોને જોઈલે કારણ કે આ લોકો તમારામાંથી જ આવેલા લોકો છે, તમારા ઘરના જ લોકો છે. આ જ લોકો ધારાસભ્ય બનશે, આ જ લોકો સાંસદ બનશે, આ જ લોકો મંત્રી બનશે. આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓમાં ફરક એટલો જ છે કે અન્ય પાર્ટીઓમાં મોટા નેતાઓના દીકરા-દીકરીઓ સાંસદ, ધારાસભ્ય અને મંત્રી બને છે. જ્યારે આમ આદમી પાર્ટીમાં તમારા જેવા સામાન્ય લોકોના દીકરા-દીકરીઓને મોકો આપવામાં આવે છે અને અમે તેમને સાંસદ, ધારાસભ્ય અને મંત્રી બનાવીએ છીએ. પંચમહાલની આ પવિત્ર ભૂમિ પર લોકો ખૂબ જ ઈમાનદાર છે. અને જ્યારે તમારા જેવા ઈમાનદાર લોકો એક થઇ જાય છે, ત્યારે સત્યનો વિજય થઈને રહે છે. જો તમે બધા આટલી મોટી સંખ્યામાં હાજર રહો છો તો ભાજપનું ડરવું સ્વાભાવિક છે. આ લોકો મારાથી કે અરવિંદ કેજરીવાલથી ડરતા નથી, પરંતુ તેઓ આટલી મોટી સંખ્યામાં અહીં આવેલા લોકોથી આ ડરે છે.
અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છેઃ ભગવંત માન
પંજાબમાં અમારી સરકાર બન્યા પછી પણ અમે તરત જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું. પંજાબમાં અમે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે અને અમે લોકોને કહી દીધું છે કે જો કોઈ સરકારી બાબુ તમારી પાસે પૈસા માંગે તો ના ન પાડતા, પરંતુ તમારા મોબાઈલથી સરકારી બાબુનો વીડિયો બનાવો અને આ હેલ્પલાઈન નંબર પર વોટ્સએપ કરી દો, બાકીનું કામ સરકાર જોઈ લેશે. અત્યાર સુધી અમે 200 થી વધુ ભ્રષ્ટ સરકારી બાબુઓને પકડીને જેલમાં ધકેલી દીધા છે. પંજાબમાં પહેલા ચાર-પાંચ વખત ધારાસભ્ય બનેલા ધારાસભ્યોને 4-5 લાખ જેટલું પેન્શન મળતું હતું, પરંતુ અમારી સરકાર આવતાં જ અમે આ પેન્શન બંધ કરી દીધું. અત્યાર સુધી અમારી સરકારે 20000 થી વધુ યુવાનોને સરકારી નોકરીઓમાં નિમણૂક પત્રો આપ્યા છે, અને અમે આ બધું માત્ર 7 મહિનામાં કરી બતાવ્યું છે. અમે પંજાબમાં જૂની પેન્શન યોજના પણ લાગુ કરી દીધી છે, જેનાંથી સરકારી કર્મચારીઓને ઘણો ફાયદો થવાનો છે.
આજે પંજાબમાં 50 લાખ ઘરોમાં વીજળીનું બિલ ઝીરો આવે છેઃ ભગવંત માન
પંજાબમાં અમે ઘઉં, ચોખા, મગની દાળ, નરમા, કપાસ પર MSP આપવાનું શરૂ કર્યું છે. અમે માનીએ છીએ કે ખેડૂતનો પરસેવો સુકાય તે પહેલા તેને તેના પાકની યોગ્ય કિંમત મળવી જોઈએ અને તેથી જ અમે ખેડૂતોની MSP પર પાક ખરીદી રહ્યા છીએ. અમે પંજાબના લોકો અમારો કોઈ રેકોર્ડ જલ્દી તૂટવા નથી દેતા. પરંતુ આ વખતે અમે પંજાબના લોકો પણ ઇચ્છીએ છીએ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી દે અને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવે. ભાજપવાળા કહે છે કે, અમે કોંગ્રેસની બી ટીમ છીએ અને કોંગ્રેસવાળા કહે છે કે, અમે ભાજપની બી ટીમ છીએ પરંતુ હું કહેવા માંગુ છું કે અમે માત્ર ગુજરાતના 6 કરોડ લોકોની એ ટીમ છીએ. અમે 130 કરોડ ભારતીયોની એ ટીમ છીએ. પંજાબ અને દિલ્હીમાં અમે ખૂબ જ પારદર્શક રીતે સરકાર ચલાવીએ છીએ. દિલ્હીમાં અમે પહેલા મફતમાં વીજળી આપવાનું શરૂ કર્યું, એ બાદ પંજાબમાં સરકાર બન્યા પછી અમે પંજાબમાં પણ મફત વીજળી આપવાનું શરૂ કર્યું. આજે પંજાબમાં 50 લાખ ઘરોનું વીજળી બિલ ઝીરો આવી ગયું છે. આ બધું શક્ય છે, માત્ર સારી નિયતવાળી સરકારની જરૂર છે.
અમે સારી શાળાઓની, હોસ્પિટલોની, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ અને બીજી તરફ અન્ય પાર્ટીવાળા નફરતની વાત કરે છે: ભગવંત માન
દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજ સુધી આ સરકારોએ લોકોના ઘર-ઘરે પાણી પહોંચાડ્યું નથી. અમેરિકાવાળા મંગળ પર પ્લોટ કાપી રહ્યા છે અને અમે હજી પણ અહીંયા સીવરેજમાં અટવાયેલા છીએ. આ લોકો આપણા ઘરના બાળકોને ભણવા નથી દેતા કારણ કે તેઓ જાણે છે કે ગરીબ બાળક ભણશે તો તેના ઘરની ગરીબી દૂર કરી દેશે. પરંતુ અમે બાળકોને સારું શિક્ષણ આપવા માટે શાળાની વાત કરીએ છીએ. અમે સારી હોસ્પિટલોની વાત કરીએ છીએ, અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ અને બીજી તરફ બીજી પાર્ટીવાળાઓ નફરતની વાતો કરે છે. પંજાબમાં 92 ધારાસભ્યોમાંથી 82 ધારાસભ્યો પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. આમાંના મોટાભાગના લોકો 27-28-29 વર્ષની આસપાસના યુવાનો છે.
પંજાબના લોકોએ અમને મોકો આપ્યો અને પંજાબની દિશા અને દશા બંને બદલાઈ ગયા: ભગવંત માન
હું અહીં કંઈ ખરીદવા કે મારા પોતાના ફાયદા માટે નથી આવ્યો. હું અહીં તમને માત્ર એ કહેવા આવ્યો છું કે પહેલા પંજાબમાં પણ પહેલા આવું જ થતું હતું પરંતુ આ વખતે પંજાબના લોકોએ અમને મોકો આપ્યો અને પંજાબની દિશા અને દશા બંને બદલાઈ ગયા. ગુજરાતમાં પણ આ જ રીતે પરિવર્તન આવી શકે છે પરંતુ તેના માટે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને મોકો આપવો પડશે. ભાજપવાળાને એવું લાગે છે કે તેઓ અમારા કાર્યક્રમો માટે બુક કરાયેલા હોલ કેન્સલ કરાવી દેશે, અમારી ગાડીઓ રોકાવી દેશે તો અમે રોકાઇ જાશું પણ હું કહેવા માંગુ છું કે તમે સમુદ્રને રોકી શકતા નથી. અમે તો કોઈપણ નાની જગ્યાએ નાનું સ્ટેજ મૂકીને પણ બોલવાનું શરૂ કરી દઈશું કારણ કે અમારે તો સાચું જ બોલવાનું છે. આ લોકો પોલીસવાળાઓને કહીને અમારા વાહનો રોકે છે, પરંતુ મને પોલીસ વિશે એક વાત જાણવા મળી છે કે અહીં પોલીસ પણ કોન્ટ્રાક્ટ પર પણ કામ કરે છે, પંજાબમાં અમે પોલીસકર્મીઓને ખૂબ સારો પગાર આપીએ છીએ. અમે પંજાબમાં 70-80 હજાર સુધીનો પગાર આપીએ છીએ. જ્યારે ગુજરાતમાં પોલીસનો પગાર સૌથી ઓછો છે. ગુજરાતની જનતાને અમારી અપીલ છે કે તમે એકવાર ઝાડુના બટન પર વોટ આપી દો તો આવનારા સમયમાં તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
પંચમહાલમાં આયોજિત આમ આદમી પાર્ટીની આ વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપરાંત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ઉપસ્થિત રહ્યા હતા.