ગુજરાત(GUJARAT): એ ત્રણ સેકન્ડ અને મચ્છુનો પટ મરણચીસોથી ગુંજી ઊઠ્યો. રવિવારની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોને ભરખી ગઈ. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો અને ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ નદીમાં પડવા લાગ્યા.
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. એવામાં મોરબીની દુર્ઘટનાના CCTV સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, રવિવારે સાંજે 6.32 વાગે પૂલ ટૂટ્યો અને 500થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યારે હાલ 25 થી વધુ બાળકો સહિત મૃત્યુઆંક 190એ પહોંચ્યો છે, જ્યારે ઘણાં લોકો ગુમ છે. હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
દિવાળીના તહેવાર પર મોરબી ઉપરાંત અન્ય ગામના લોકો પણ ઝૂલતા પુલ પર આવ્યા હતા. તેમજ મુસ્લિમ લોકોનો ઉર્ષ તહેવાર પણ હતો. સાંજે 4 વાગ્યા બાદ પુલ પર લોકોની અવરજવર વધતી જતી હતી. 6:30 વાગ્યાની આસપાસ અચાનક જ લોકોની ખુશી પુલ તૂટતા મરણ ચીચીયારીઓમાં પરિવર્તિત થઈ હતી. અનેક લોકો એક સાથે એક ધડાકે નીચે પડ્યા હતા. જોકે, કેટલાક લોકોએ પુલના તૂટેલા ભાગ પર લટકીને અને કેટલાકે દોરડાથી લટકીને કોઈ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે કેટલાક લોકો તરીને નદી પાર કરવામાં સફળ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બ્રિજ પર 400થી 500 લોકો હાજર હતા.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પુલ તૂટતો નજરે પડી રહ્યો છે. પુલ તૂટ્યા પહેલા ઝૂલી રહ્યો હતો. પુલ તૂટતાં જ તમામ લોકો નદીમાં ખાબક્યા હતા. CCTVમાં દેખાઈ રહ્યું છે કે, માત્ર 3 સેકન્ડની અંદર પુલ તૂટે છે. આ પુલ તૂટવાની ઘટના સાથે જ 500થી વધુ લોકોએ મોતને નજર સામે જોઈને કિલકારીઓ બોલાવી હતી. જે બાદ અચાનક તમામ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા અને ચારેબાજુ ચિચિયારીઓ સંભળાઈ.
6 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો હતો ઝૂલતો પુલ
અગાઉ પુલ સાગના લાકડાનો હતો ત્યારે કોઈ દુર્ઘટના થઈ નહતી. પુલને 6 મહિના અગાઉ રીપેરીંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.પુલનો તમામ કોન્ટ્રાકટ ઓરેવા કંપનીને આપવામાં આવ્યો હતો. 2 કરોડના ખર્ચ સાથે ઝાળી અને એલ્યુમિનિયમ દ્વારા ઝૂલતો પુલ 6 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો હતો. દિવાળી હોવાથી લોકો વધુ મુલાકાત લેશે તેથી તંત્રની પરવાનગી અને ફિટનેસ સર્ટિફિકેટ વિના જ ઉતાવળે જ પુલ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. 4 દિવસમાં પુલની 12000 લોકોએ મુલાકાત પણ કરી હતી.
દિવાળીનો તહેવાર અને રવિવારની રજા હોવાથી પુલની કેપેસિટી કરતા પણ વધુ લોકોએ અવરજવર કરી હતી. જેના કારણે પુલ નબળો થયો હતો અને રવિવારે પણ વધુ સંખ્યામાં લોકોએ મુલાકાત લેતા નબળો બનેલો પુલ એક ઝટકે તૂટી પડ્યો હતો. પુલ તૂટતા અનેક લોકો 50 ફૂટની ઊંચાઈથી નીચે પાણીમાં પટકાયા હતા. શરૂઆતમાં 70 જેટલા મૃતદેહ મળ્યા હતા. જે બાદ પાણીની અંદરથી NDRF અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા હતા. 190 મૃતદેહનો આંકડો પહોંચ્યો હતો. હજુ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.
આ બ્રિજ એક સમયે આખા સૌરાષ્ટ્રની શાન ગણાતો. આ પુલનું બાંધકામ યુરોપિયન શૈલીનું હતું. મહારાજા વાઘજી ઠાકોરે તેનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પૂલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે. 20મી ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.