1 નવેમ્બર મંગળવારના રોજ મોરબી પુલ અકસ્માત અંગે સ્થાનિક કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઓરેવા કંપનીના આરોપી મેનેજર દીપક પારેખે કોર્ટને જણાવ્યું કે ભગવાનની ઈચ્છાથી આ અકસ્માત થયો છે. તમને જણાવી દઈએ કે ઓરેવા કંપની બ્રિજની જાળવણીની જવાબદારી સંભાળતી હતી અને આ કેસમાં જે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં દીપક પણ સામેલ છે. આ સિવાય પોલીસે કોર્ટમાં પુલ તૂટી પડવાનું કારણ પણ જણાવ્યું હતું.
અહેવાલો અનુસાર, અકસ્માતની તપાસ કરી રહેલા મોરબીના નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ કોર્ટને જણાવ્યું હતું કે બ્રિજના કેબલમાં કાટ લાગી ગયો છે અને જો આ કેબલનું સમારકામ કરવામાં આવ્યું હોત તો આ ઘટના બની ન હોત. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પુલ 26 ઓક્ટોબરે સરકારની મંજૂરી વગર ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સ્થળ પર કોઈ લાઈફગાર્ડ તૈનાત ન હતો. ફોરેન્સિક ટીમના રિપોર્ટ મુજબ, સમારકામના નામે માત્ર પ્લેટફોર્મ બદલવામાં આવ્યું હતું. બીજું કોઈ કામ નહોતું.”
અકસ્માતનું કારણ જણાવતાં ડીએસપી ઝાલાએ કોર્ટને જણાવ્યું હતું કે, “બ્રિજ એક કેબલ પર હતો અને કેબલને ગ્રીસ કરવામાં આવ્યું ન હતું. જ્યાં કેબલ તૂટી ગયો હતો ત્યાં કાટ લાગ્યો હતો. કયા કયા કામો કયારે કરવામાં આવ્યા તે અંગે કોઇ દસ્તાવેજો રાખવામાં આવ્યા ન હતા.” રિપોર્ટ અનુસાર પોલીસે ધરપકડ કરાયેલા નવમાંથી ચાર આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. જે ચાર આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી તેમાં મેનેજર દીપક પારેખ અને દિનેશભાઈ મહાસુખરાય દવે, કોન્ટ્રાક્ટર પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર અને દેવાંગભાઈ પ્રકાશભાઈ પરમાનો સમાવેશ થાય છે.
આરોપી દીપક પારેખે ખુલાસો કરતાં જજને કહ્યું કે તે ગ્રાફિક ડિઝાઈન સંભાળતો હતો અને કંપનીમાં મીડિયા મેનેજર હતો. પારેખે ઉમેર્યું, “કંપનીના મેનેજિંગ ડિરેક્ટરથી લઈને નીચલા સ્તરના કર્મચારીઓ સુધી બધાએ ખૂબ મહેનત કરી, પરંતુ ભગવાનની ઇચ્છા હતી કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની.” આ સાથે ચારેય આરોપીઓના વકીલે ધરપકડ કરાયેલા ટિકિટ કલેક્ટર અને સુરક્ષા ગાર્ડને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તે ભીડને નિયંત્રિત કરી શક્યા નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.