હાલ સુરત (Surat)ના બે યુવાનો દ્વારા ખુબ જ અનોખું કાર્ય કરવામાં આવ્યું છે. સુરતમાં શિક્ષક(Teacher) તરીકે ફરજ બજાવતા બે યુવાનોએ એક હાઇબ્રિડ કિટ(Hybrid Kit) બનાવી છે, જે સ્કૂટરમાં ફિટ કરી દેતા એ ઇલેક્ટ્રીક અને પેટ્રોલ બંને મોડમાં ચાલે છે. જેની કિંમત 3. 18 હજાર છે. આ કિટ બનાવનારા નિર્ભય ખોખર અને પ્રતીક દુધાત અગાઉ ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈકના પણ 2 મોડલ તૈયાર કરી ચુક્યા છે, જેને આઈસીએટી હરિયાણા(Haryana) ખાતે પરમિશન માટે મોકલાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને યુવાનો બંને એક જ સ્કૂલમાં શિક્ષક હતા અને ત્યાંથી નોકરી છોડી આ કામ શરૂ કર્યું હતું. અભ્યાસમાં બંને એમએસસી ફિઝિક્સ છે. ત્રણ વર્ષ પહેલા જ તેઓએ પોતાનો બેટરીનો ધંધો શરૂ કર્યો હતો. ત્યાર બાદ બંનેએ મળીને હાઇબ્રિડ કિટ તૈયાર કરી. આ હાઇબ્રિડ કિટમાં એક મોટર, એક બેટરી અને એક કંટ્રોલરનો ઉપયોગ કરાય છે. હાઈબ્રિડની કિંમત બેટરીની ક્ષમતા પ્રમાણે વધી ઘટી શકે છે.
આફતમાં અવસર:
ત્યારે આ અંગે કિટ બનાવનાર પ્રતિક દુધાતે કહ્યું હતું કે, કોરોના સમયગાળા પહેલાથી જ અમે કંઈક નવું કરવા વિચારી રહ્યા હતા, આ દરમિયાન અચાનક કોરોના લોકડાઉન આવી જતા અમને આફતમાં અવસર મળી ગયો હોય તે રીતે અમે બેટરીવાળી ગાડી બનાવવાનો વિચાર કર્યો હતો. તેને મૂર્તિમંત સ્વરૂપ આપવાનું શરૂ કર્યું, જેથી સ્કૂટરમાં મોટર કંટ્રોલર અને બેટરીની મદદથી હાઇબ્રિડ કીટ તૈયાર કરી અને આ સ્કૂટર બેટરીની મદદથી અને પેટ્રોલની મદદથી ચાલે તે પ્રકારે તૈયાર કર્યું છે.
બેટરી ઉતરી જાય તો પેટ્રોલથી સ્કૂટર ચાલે:
આ સિવાય વધુમાં કિટ બનાવનાર નિર્ભય ખોખરે જણાવ્યું હતું કે, તેઓએ સૌ પ્રથમ બેટરી બનાવવાનું શરૂ કર્યું હતું. આ પછી ઇલેક્ટ્રિક બાઇક સ્કૂટરનો કોન્સેપ્ટ મનમાં આવતા સ્કૂટર-બાઇકનું 1-1 મોડેલ તૈયાર કરી પરમિશન માટે મોકલ્યું. આ દરમિયાન વિચાર આવ્યો કે, રાઇડમાં બેટરી પતી જાય તો? ચાર્જ કરવામાં ઘણો સમય જોઈએ. તેમજ ચાર્જિંગ સ્ટેશન ત્યાં ન હોય તો? આવી અનેક સમસ્યાઓને ધ્યાનમાં રાખી અમે હાઇબ્રિડ કિટ ડેવલપ કરી. મોટી કંપનીઓ બંને મોડ નથી આપતી કેમ કે, કોસ્ટ વધી જાય છે અને ડિઝાઇનમાં પણ ફેરફારની જરૂર પડશે. બેટરી ઘરની જ છે એટલે સસ્તા ભાવે આપું છું.
કિટમાં ત્રણ વસ્તુઓ મહત્વની:
મળતી માહિતી અનુસાર, આ હાઇબ્રિડ કિટમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ કંટ્રોલર, બેટરી અને મોટર હોય છે. પેટ્રોલ મોડમાં જે રીતે સ્કૂટર ચાલે છે તે એવી જ રીતે ચાલશે, એની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરાશે નહીં. સ્કૂટરમાં બે ચાવી હશે, જેમાં એક પેટ્રોલ મોડમાં ચલાવવા માટે અને બીજી ચાવી બેટરીથી સ્કૂટરને ચલાવવા માટે, એક ચાવીથી પણ બંને ઓપરેટ કરી શકાય છે. બેટરીને ડિક્કીમાં મુકવામાં આવે છે અને મોટરને પાછળના વ્હીલ સાથે કનેક્ટ કરીને ફિટ કરવામાં આવે છે. બેટરી અને મોટર વચ્ચે એક કંટ્રોલર ફિટ કરાય છે. જેથી મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકાશે.
ત્રણ કલાક ચાર્જ કરવી પડે:
આ બેટરી સ્કૂટરની ડિક્કીમાં સમાઈ જાય તેવી નાની બનાવવામાં આવી છે. તેમજ પેટ્રોલ અને ઇલેક્ટ્રિકથી ચાલે તે માટે જનરલ લીવર પણ આપવામાં આવ્યું છે. બેટરી પર મેક્સિમમ 50થી 60ની સ્પીડ આવે અને 50થી 60 કિલોમીટર સ્કૂટર ચાલતું હોય છે. બેટરી એકવાર ચાર્જમાંથી ઉતરે ત્યારબાદ તેને ત્રણથી ચાર કલાક ચાર્જ કરીને પૂર્ણ ચાર્જ થયા બાદ 55થી 60 કિલોમીટર ચલાવી શકાય છે. આ અંગે બંને યુવાનોએ જણાવ્યું કે, મહિનાની 1000થી વધુ ગાડી તૈયાર થાય તેવું અમારું લક્ષ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.