સુરત(Surat): શહેરમાં અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. ગુરુવારે બપોરે ઉધના બસ સ્ટેન્ડ (Udhana Bus Stand) નજીક રસ્તો ક્રોસ કરતી માતા અને બે બાળકોને પુરઝડપે દોડી આવતા આઇસર ટેમ્પોના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પા નીચે કચડાયેલા બંને બાળકો ઘટનાસ્થળે મોતને ભેટ્યા હતા. જ્યારે માતાને ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાતા સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, દેવકીનંદન શર્મા મૂળ ઉત્તર પ્રદેશના અમીરપુરના વતની હતા. તેઓ પત્ની ૨બીતા અને બે બાળક સમર્થ તેમજ હેપ્પી સાથે ઉધના વિસ્તારમાં આવેલી આર્વિભાવ સોસાયટીમાં રહે છે. દેવકીનંદન શર્મા કારના સીટ કવર કટીંગનું કામ કરતા હતા. તેમજ તેના પતિને આર્થિક રીતે મદદરૂપ થવા તેની પત્ની ૨બીતા પણ ઉધના, સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા પેન્ટ અને ટી શર્ટના કારખાનામાં નોકરી કરે છે.
તેમના બંને બાળક સમર્થ અને હેપ્પી ઉધનાની ભાગ્યોદય સ્કૂલમાં અનુક્રમે ધોરણ એક અને ધોરણ બેમાં અભ્યાસ કરતા હતા. આ દરમિયાન ગુરુવારે બપોરે બંને બાળકોને સ્કૂલેથી લઈ રબીતા કારખાને આવવા નીકળી હતી. ત્યારે ઉધના બસ સ્ટેન્ડ નજીક રસ્તો ક્રોસ કરતી વખતે રબીતા અને બાળકોને સચિન તરફથી ઉધના દરવાજાની દિશામાં પૂરપાટ ઝડપે દોડી આવતા આઇસર ટેમ્પોના ચાલકે અડફેટે લીધા હતા. જેમાં બંને બાળકોના કરુણ મોત નીપજ્યા હતા.
ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેમજ બંને બાળકો સહીત રબીતાને 108 – એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, બંને બાળકોના ઘટનાસ્થળે મોત થઈ ચૂક્યા હતા. જ્યારે રબીતાની સારવાર શરૂ કરવામાં આવી છે. બનાવવાની જાણ થતા ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બીજી બાજુ મૃતક બાળકો અને રબીતાના સ્વજનો સિવિલમાં દોડી આવ્યા હતા. બંને બાળકોના મૃત્યુના સમાચાર સાંભળી તેઓએ હૈયાફાટ કલ્પાંત કર્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.