ઘરમાં ચારેબાજુ દીકરીના લગ્નનો માહોલ હતો. ઘર નજીકના સંબંધીઓ અને મિત્રોથી ભરેલું હતું. બધે હાસ્ય, મજાક, ખાવું-પીવું ચાલતું હતું. બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌ સંગીતના તાલે નાચી રહ્યા હતા. દીકરીના પિતા પણ જોરદાર નાચતા હતા. પરંતુ અચાનક તે બેહોશ થઈ ગયા, અને થોડા સમય પછી તેમના મૃત્યુના સમાચાર આવ્યા. પળવારમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ.
અહેવાલ મુજબ અલ્મોડાના ધરનૌલા વિસ્તારના રહેવાસી 61 વર્ષીય ચંદ્રશેખર લોહાનીને લગ્નની ઉજવણી દરમિયાન મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. મહેંદી-હલ્દી સેરેમની દરમિયાન દીકરીના પિતા ખુશીથી નાચી રહ્યા હતા. ત્યાર પછી અચાનક તે બેભાન થઈને ઢળી પડ્યા. પિતા બેભાન થતા જ ઘરમાં હોબાળો મચી ગયો હતો. ચંદ્રશેખરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરો તેને બચાવી શક્યા ન હતા. તેમણે જણાવ્યું કે ચંદ્રશેખરનું હાર્ટ એટેકના કારણે રસ્તામાં જ અવસાન થયું. ઘરમાં લગ્નનું વાતાવરણ થોડી જ વારમાં શોકમાં ફેરવાઈ ગયું.
પરિવારજનોએ જણાવ્યું કે, આ ઘટના વરઘોડાના એક દિવસ પહેલા બની હતી. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. છોકરીના પિતા ખૂબ ખુશ હતા. આવી સ્થિતિમાં આવી ઘટના ઘટશે તેવું કોણ વિચારે… પણ કદાચ અમારા નસીબમાં આ લખેલું હતું. પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં દીકરી શોકમાં ગમગીન થઇ ગઈ હતી. આખું ઘર શોકના કાળા વાદળોમાં છવાઈ ગયું હતું. તેવામાં બીજા દિવસે દીકરીએ ભીની આખે લગ્નની વિધિ પૂરી કરી હતી. પિતાનું મોત થતા મામાએ દીકરીનું કન્યાદાન કર્યું હતું.
રિપોર્ટ અનુસાર યુવતીનું ઘર અલ્મોડામાં છે. લગ્ન હલ્દવાનીમાં થવાના હતા. રવિવારે પરિવારને ત્યાં જવા રવાના થયો હતો. પરંતુ મહેંદી, હલ્દી જેવી તમામ વિધિઓ અલ્મોડામાં જ પૂર્ણ કરવાની હતી. આ માટે પરિવારે એક કાર્યક્રમ રાખ્યો હતો. આ જ સેલિબ્રેશન દરમિયાન છોકરીના પિતા ડાન્સ કરતા ડાન્સ ફ્લોર પર ઢળી પડ્યા હતા. બાદમાં હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું. ઘરે પહોંચ્યા બાદ પોલીસે મૃતદેહના પંચનામા કર્યા હતા. જોકે, પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં, પરિવારના સભ્યો લગ્નની બાકીની વિધિઓ પૂર્ણ કરવા માટે હલ્દવાની જવા રવાના થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.