દેશની રક્ષા કરતા જવાનો પણ લુખ્ખા તત્વોથી અસુરક્ષિત- ગુજરાતના આ શહેરમાં BSF જવાનને આપ્યું દર્દનાક મોત

લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો હોય તેમ હત્યા (Murder) ની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં નરાધમોએ BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેને પગલે BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા ગયા હતા. આ દરમિયાન ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી યુવાનના કૌટુંબિક 7 વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા BSF જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેને પગલે BSF જવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા:
મળતી માહિતી અનુસાર, મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા નડિયાદ તાલુકાના એક નાનકડા ગામે રહેતા હતા. તેમજ તેઓ BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમની ગામની બાજુમાં આવેલા વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઇ જાદવે થોડા દિવસ અગાઉ આ મેલજીભાઈની દિકરીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જે બાબતે મેલજીભાઈ અને તેમની પત્ની તથા તેમનો દીકરો તેમજ મેલજીભાઈનો ભત્રીજો આ તમામ લોકો ગત શનીવારની રાત્રે ઠપકો આપવા આ શૈલેષ ઉર્ફે સુનિલના ઘરે વનીપુરા ખાતે ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

BSF જવાન અને તેમના દિકરા તથા ભત્રીજા પર હુમલો:
આ દરમિયાન શૈલેષ ઉર્ફે સુનિલ ઘરે હાજર ન હતો. પરંતુ તેમના પરિવારજનો ઘરના આંગણામાં તાપણું કરી રહ્યા હતા. ત્યારે મેલજીભાઈએ ઠપકો આપ્યો હતો. જેને પગલે શૈલેષના માવતર અકળાયા અને જણાવ્યું કે, તમે મારા દિકરાને ખોટો વગોવો છે. ત્યારે જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી શૈલેષના પરિવારજનો લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા તથા ભત્રીજા પર તૂટી પડ્યા હતા.

જેને પગલે મેલજીભાઈને માથાના ભાગે તથા તેમના દિકરા નવદીપને ગંભીર ઈજાઓ પહોચી હતી. તેમજ ઘટના બાદ આ બાદ હુમલાખોરો ખેતરાળુ રસ્તે થઈ ફરાર થઈ ગયા હતા. જોકે, 108 એમ્બ્યુલન્સ વાહન મારફતે ઘાયલ થયેલા BSF જવાન મેલજીભાઈને તથા તેમના દિકરાને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબે જવાન મેલજીભાઈને મૃત જાહેર કર્યા હતા. તેમજ નવદીપને વધારે ઇજા હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી:
તેમજ આ ઘટના અંગે મૃતક મેલજીભાઈ વાઘેલાની પત્ની મંજુલાબેને ચકલાસીએ મોતને ઘાટ ઉતારનાર દિનેશભાઈ છબાભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ છબાભાઈ જાદવ, દાદા છબાભાઈ ચતુરભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ આ દરેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જવાનના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા:
ત્યારે ઘટનાને પગલે BSF જવાનના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમજ તેમનું મિત્ર વર્તુળ પણ ઘેરા શોકમાં ડૂબી ગયા છે. મેલજીભાઈના મૃતદેહને પોલીસની જરૂરી કાર્યવાહી કરાયા બાદ તેમના પરિવારજનોને સોંપ્યો છે. આ ઉપરાંત મેલજીભાઈ વાઘેલાના મૃતદેહને રવિવારે તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા છે. નોંધનીય છે કે, આ બનાવના કારણે એક પત્નીએ પોતાનો સુહાગ તો 3 દિકરા અને એક દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *