ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly elections 2022)માં ભાજપે(BJP) પ્રચંડ જીત હાંસલ કરી છે. ભાજપની નવી રચાયેલી સરકાર દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ ભાજપ દ્વારા હવે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. પક્ષ દ્વારા રચવામાં આવેલ શિસ્ત સમિતીને આ મામલો સોંપી દેવામાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણી સમયે ભાજપના 6 સાંસદોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાને કારણે હાઈકમાન્ડ દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં જ તેમને બરાબરના ખખડાવવામાં આવ્યા છે.
જો સુત્રોનું માનવામાં આવે તો ગુજરાતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સાંસદોમાં સૌરાષ્ટ્રના 2, ઉત્તર ગુજરાતના 2 અને મધ્ય ગુજરાતના પણ 2 સાંસદોનો ઉધડો લેવામાં આવ્યો છે. જેમાં 2 સાંસદો તો કેન્દ્રમાં પણ મોટો હોદ્દો ધરાવી રહ્યા છે. ચૂંટણીમાં જીત મેળવ્યા પછી ભાજપ હવે આકરા પાણીએ દેખાઈ રહ્યું છે. ગુજરાતમાંથી પક્ષ વિરોધી કામગીરી કરવાની ભારતીય જનતા પાર્ટીને 600 ફરિયાદો મળી ચુકી છે. આ માટે બનાવેલી એક કમિટી ફરિયાદો સંદર્ભે તપાસ કરવામાં આવશે અને કાર્યવાહીનો રિપોર્ટ ભાજપ હાઈકમાન્ડને મોકલવામાં આવશે. હવે આગામી દિવસોમાં ભાજપમાં કોઈ મોટી ઉથલ પાથલ થાય તો તેમા શંકાને કોઈ સ્થાન નથી.
સુત્રોનું એવું પણ કહેવું છે કે, સંસદના શિયાળુ સત્ર બાદ પાટણના ભરતસિંહ ડાભી, સુરેન્દ્રનગરના ડો.મહેન્દ્ર મુંજપરા, ખેડાના દેવુસિંહ ચૌહાણ, પંચમહાલના રતનસિંહ રાઠોડ અને રાજ્યસભાના રમીલાબહેન બારા એમ પાંચ સાંસદોને હાઈકમાન્ડ દ્વારા દિલ્હીના ભાજપ કાર્યાલય પર બોલાવવામાં આવ્યા હતાં. પરંતુ તેમને કલાકો સુધી રાહ જોવડાવીને પાછા જવા માટે કહી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી એક વાર તેમને મળવા માટે સમય આપવામાં આવ્યો હતો પણ અંત સમયે તેમને ના પાડી દેવામાં આવી હતી.
ગુજરાતની કેટલીક બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઇ હોવાનો સ્વીકાર કરી જિલ્લાઓના ભાજપના પ્રમુખોએ આ મામલે પ્રદેશને રિપોર્ટ સોંપવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. આંતરિક વિરોધીઓનો મામલો ભાજપે શિસ્ત સમિતિને સોંપી દેવામાં આવ્યો છે. આ મામલે ફરિયાદ અને તથ્યોની તપાસના અહેવાલના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચૂંટણીના મતદાન બાદ પાર્ટી દ્વારા પાર્ટી વિરોધી પ્રવૃતિ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા કેટલાક આગેવાનો-કાર્યકરોને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.