સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ; દેશ-વિદેશના 42 પતંગબાજોની કલા-કૌશલ્યથી ભરપુર પતંગબાજીએ જીત્યા સુરતીઓના દિલ

સુરત(surat): ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ભારતમાં યોજાનાર જી-20 સમિટની ‘વસુધૈવ કુટુંબકમ’ની થીમ પર સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર હેમાલીબેન બોઘાવાલાના અધ્યક્ષસ્થાને “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” યોજાયો હતો.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ માં ૧૯ દેશોના ૪૨ અને ભારતના છ રાજ્યોના ૨૦ પતંગબાજો તેમજ ૪૦ સુરતી પતંગબાજો સહિત ૯૦થી વધુ પતંગબાજોએ અવનવા પતંગો ચગાવ્યા હતા. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપુર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા.

આ અવસરે મેયરએ જણાવ્યું હતું કે, રાજયની શાંતિ, ભાઈચારો એ સૌને એકસૂત્રમાં જોડનાર પતંગરૂપી પ્રેમની ફળશ્રુતિ છે. દેશ-વિદેશના બાહોશ પતંગબાજો સુરતના મહેમાન બન્યા છે, જેઓનું સુરતીઓએ આનંદ અને ઉત્સાહ સાથે સ્વાગત કર્યું છે.

સરકારના ઉત્સવો, મેળાઓના આયોજનના કારણે દેશ-વિદેશના ટુરિસ્ટો મોટી સંખ્યામાં ગુજરાતના પ્રવાસન વૈભવને માણવા પધારે છે. ઉત્તરાયણના અવસરે વિદેશમાં વસતા હજારો સુરતીઓ પતંગોત્સવની ઉજવણી માટે સુરત આવે છે, જેના કારણે સુરતમાં મોટાપાયે પતંગના ગૃહઉદ્યોગનો વિકાસ થયો છે.

અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં મહિલા સશક્તિકરણની થીમ આધારિત પતંગને કોલંબિયાની માતા-પુત્રીની જોડીએ આકાશમાં લહેરાવ્યો હતો અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. માતા અદ્રીયાના મારીયા સાથે પુત્રી સોફિયા અલ્વરેઝ સુરતવાસીઓનો પતંગ પ્રત્યેનો ઉત્સાહ જોઈ આનંદિત થયા હતા.

ફુડ સાયન્સનો અભ્યાસ કરતી ૨૩ વર્ષિય પતંગબાજ સોફિયાએ જણાવ્યું હતું કે, અમે સુરતમાં મહિલા સશક્તિકરણને ઉજાગર કરતી અને વિવિધ રંગો તેમજ મહિલાના ચહેરાની ડિઝાઈન સાથેની અવનવી પતંગને સુરતના આકાશમાં લહેરાવી હતી.

વધુમાં સોફિયાએ કહ્યું કે, કોલંબિયામાં તહેવારોમાં કલરફુલ વસ્ત્રો પહેરવાની પરંપરા છે, ત્યારે ભારતમાં ઉત્તરાયણ પર્વમાં આવી સામ્યતા જોવા મળી છે એમ જણાવી સુરતના ખાસ વ્યંજનોનો આસ્વાદ ખૂબ ગમ્યો એમ ઉમેર્યું હતું.

ઓસ્ટ્રેલિયાના ૭૯ વર્ષીય નિષ્ણાત પતંગબાજ સરથ કિંગ્સલે ગુણવર્દેનેએ પ્રતિભાવ આપતા કહ્યું કે, વર્ષ ૧૯૯૫માં કાઈટ્સ ફોર કિડ્સ અભિયાન અંતર્ગત અમે બંન્ને ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં જઈને પતંગ વિશે સમજ આપીએ છીએ, તેમજ પતંગબાજીને લગતું જ્ઞાન આપવા માટેના વર્કશોપ આયોજિત કરીએ છીએ. શાળાઓમાં રજા હોય ત્યારે તેને લગતા કાર્યક્રમો પણ કરીને પતંગ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરીએ છીએ.

તેઓ વધુમાં જણાવે છે કે, આવનારી પેઢીમાં પતંગનો વારસો અને રસ જળવાઈ રહે તેનું શિક્ષણ બાળકોને આપીએ છીએ. આ ઉપરાંત ગ્રાફિક ડિઝાઈનિંગ, પતંગનો ઈતિહાસ, પતંગોના પ્રકારો અને પતંગ ઉડાડવામાં રાખવી પડતી કાળજી અને સેફટી અંગેની સમજ પણ આપીએ છીએ. સરથ કિંગ્સલે કહે છે કે, સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પતંગ મહોત્સવ ગુજરાતમાં યોજાય છે, અમને ગુજરાતીઓ ખૂબ પ્રેમાળ લાગે છે. ગુજરાતમાં હું અને બેકર પાંચમી વખત પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છીએ.

સુરતના પતંગ મહોત્સવમાં ભાગ લેનાર ટ્રેક્સ જેમ્સ બેકર જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષથી ચાઈના, ન્યુઝીલેન્ડ, બેલ્જિયમ, બ્રાઝિલ, થાઈલેન્ડ તથા ઈન્ડિંયાના પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. સુરતનું ભોજન મને પ્રિય છે. સુરતની પ્રજા પ્રેમાળ અને ઉત્સાહી છે.

આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, મકરસંક્રાતિનો તહેવાર પ્રકૃતિમય તહેવાર છે. વડાપ્રધાનએ રાજયમાં આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવની શરૂઆત કરાવી હતી. સમગ્ર રાજયમાં તા.૮ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે સ્થળોએ પ્રવાસન નિગમ દ્વારા પતંગમહોત્સવ યોજાઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અલ્જીરીયા, ચિલી, આર્જેન્ટિના, બલ્ગેરિયા, બેલારૂસ, બેલ્જીયમ, કંબોડીયા, ડેન્માર્ક, ફ્રાન્સ, એસ્ટોનિયા, જયોર્જિયા, જર્મની, ગ્રીસ, જોર્ડન, ઈટાલી જેવા દેશોના ૪૨ પતંગબાજો તથા ભારતના બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, રાજસ્થાનના પતંગબાજો પતંગો ચગાવ્યા હતા.

આ અવસરે દિનેશ જોધાણી, કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, નર્મદ યુનિ.ના કુલપતિ કે.એન.ચાવડા, પ્રાંત અધિકારી જી.વી.મિયાણી, પાલિકાના દંડક વિનોદભાઈ પટેલ, કોર્પોરેટરો, જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન નિગમના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પતંગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *