સુરતના મુસ્લિમ પરિવારે પ્રસરાવી માનવતાની સુવાસ- મૃત્યુ પછી પણ 4 લોકોમાં હંમેશા જીવંત રહેશે બ્રેઈનડેડ યુવક

સુરત(surat): ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર અંગદાન થયું છે. આ અંગદાન(organ donation) એક મુસ્લિમ પરિવાર દ્વારા થતા ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવનાને બળ મળ્યું છે. ઈસ્લામ ધર્મમાં પણ દાનનો અનોખો મહિમા છે. રમઝાનના દિવસોમાં મુસ્મિલ બિરાદરો ભૂખ્યાને ભોજન, પડોશીને મદદ અનેક પ્રકારે દાન સાથે નેક કાર્ય કરતા હોય છે. આજે શબ-એ-બારાત પણ છે, જેને ઈબાદતની રાત્રિ પણ કહેવામાં આવે છે.

એવું કહેવાય છે કે, જે વ્યક્તિ શબ-એ-બારાતમાં ખુદાની ઈબાદત કરે છે, તેના બધા પાપો માફ થઈ જાય છે. આ જ કારણ છે કે આ તહેવાર દરમિયાન લોકો આખી રાત જાગીને ખુદાની ઈબાદત કરે છે અને નેક કાર્ય કરવાની ભાવના સેવે છે, ત્યારે જોગાનુજોગ આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક મુસ્લિમ માતાએ પોતાના વ્હાલસોયા પુત્રના લીવર, બે કિડની અને સ્વાદુપિંડનું અંગદાન કરીને ખુદાની અનોખી ઈબાદત કરી નેકીમાં યોગદાન આપ્યું છે.

મળતી માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા રિક્ષા ચલાવીને પેટીયું રળતા ભરૂચ જિલ્લાના ૨૭ વર્ષીય યુવાન તા.૦૪ ના રોજ વાલિયા ખાતે રાત્રિના સમયે બાઈક સ્લીપ થતા રોડ પર પટકાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થતા સુરત સિવિલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્રણ દિવસની સારવાર બાદ ગત સાંજે તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારજનોને સર્જરીના એસોસિયેટ પ્રો.ડો.પ્રવિણ પરમાર, ડો.નિલેશ કાછડીયા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સોટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોએ અંગદાન અંગેની જાણકારી આપી. આ પરિવારે સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારૂ સ્વજન આ દુનિયામાં નથી રહ્યું, પણ તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેશે એવા આશયથી અમોએ અંગદાન કર્યું છે. અમારા સ્વજનના અંગો કોઈ પણ ધર્મના વ્યકિતને કામ લાગે તો આનંદ થશે તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. આજરોજ વહેલી સવારે અમદાવાદની IKDRC ટીમ દ્વારા સુરત આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવર તથા સ્વાદુપિંડનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલના નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ સુરત સિવિલમાં ૧૯મું સફળ અંગદાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *