ગુજરાત(Gujarat): બનાસકાંઠા(Banaskantha)ના ધાનેરા(Dhanera) ખાતે 54 ગામના આંજણા ચૌધરી(Anjana Chaudhary) સમાજ દ્વારા સમાજ સુધારણા બેઠકમાં અજીબ પ્રકારના ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. આ આંજણા ચૌધરી સમાજ બેઠકમાં કુલ 21 ઠરાવ કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણા સમાજ સુધારણાને લઈને લેવામાં આવ્યું હોવાનું સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે અજીબ ઠરાવ એ પણ કરવામાં આવ્યો હતો કે, સમાજમાં કોઈ યુવાન જો ફેશનેબલ દાઢી રાખશે તો તે યુવાનને 51,000 રૂપિયાનો મસમોટો દંડ ફટકારવામાં આવશે. જોકે ચૌધરી સમાજ દ્વારા કેટલાક મહત્વના ઠરાવ પણ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, મળતી માહિતી અનુસાર ધાનેરા ખાતે આવેલી કોલેજના કેમ્પસમાં ગઈકાલના રોજ યોજાયેલી આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી અને આ બેઠકમાં ગામના આગેવાનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન શિકારપુરા ધામના ગાદિપતિ દયારામ મહારાજે જણાવતા કહ્યું હતું કે, દાઢી રાખવી એ તો હિન્દુ ધર્મમાં સંત-મહાત્માઓનું કામ છે. પણ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને ન શોભે તેથી દાઢી રાખવી ના જોઈએ. આ બેઠકમાં દાઢી રાખનારા આંજણા ચૌધરી સમાજનો કોઈ યુવાન હવેથી દાઢી રાખશે નહીં. અને જો રાખશે તો તેને 51 હજાર રૂપિયાનો મસમોટો દંડ ફટકારવામાં આવશે.
સમાજના પ્રમુખ રાયમલ પટેલે જણાવતા કહ્યું હતું કે, આંજણા ચૌધરી સમાજમાં વ્યસનો બંધ કરવા જોઈએ. આ સાથે પ્રસંગમાં થતા ખોટા ખર્ચા પણ બંધ કરવા જોઈએ. મરણ પ્રસંગમાં અફીણ પ્રથાને પણ નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી અને તેમની આ વાતને સમાજના લોકો દ્વારા પણ વધાવી લેવામાં આવી હતી.
વધુમાં કહ્યું હતું કે, હવેથી સમાજમાં અફીણ પ્રથા ચાલુ રહેશે તો 1 લાખ રૂપિયાના દંડ ફટકારવામાં આવશે. સાથે જ લગ્નમાં દીકરીને પેટી ભરવામાં 51000થી વધારે આપવા નહીં પડે. સાથે જ લગ્ન દરમિયાન ફટાકડા માપમાં ફોડવામાં આવે. લગ્નપત્રિકાઓ સાદી છપાવવામાં આવે, લગ્નમાં વોનોળા પ્રથા બંધ રહેશે.
ભોજન સમારંભમાં પૌષ્ટીક આહાર રાખવામાં આવશે, ડીજે પર પ્રતિબંધ રહેશે, લગ્નમાં પીરસવા ભાડૂતી માણસો નહીં, મરણમાં બહેનોના રૂપિયા ન લેવા કે ન આપવા, મરણના બારમાના દિવસે રાવણું કર્યા બાદ કોઈએ જવું નહીં. મરણમાં દીવો બાળવા પણ સગા-સંબંધીઓને બોલાવવા નહીં સહિતના નિયમો બનાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.