હાલ જીલ્લામાં કપાસ પાકમાં વિવિધ રોગ જીવાતોનો (Cotton pest control) ઉપદ્રવ વત્તા ઓછ પ્રમાણમાં જોવા મળી રહેલ છે તો તેના તાત્કાલિક નિવારણ માટે સંકલિત વ્યવસ્થાપનનાં પગલાં ભરવા જીલ્લા ખેતી વાડી અધિકારીશ્રી તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.
જેમાં મોલોમશી તથા તડતડીયાંનાં જૈવિક નિયંત્રણ (Cotton pest control) માટે પરભક્ષી લીલી પોપટીનાં (ક્રાયસોપા) ઇંડા અથવા ઇયળને હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં બે વખત છોડવી. લીમડાનાં મીંજનું ૫% નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લી, ૨૫ લી કે ૭૫૦ મીલી પ્રતિ હેકટરે ઉપયોગ કરવો.
ચુસીયાં પ્રકારની જીવાતોનાં (Kapas ma Chusiya Jivat) નિયંત્રણ માટે એસીડામીપ્રીડ ૨૦ એસ.પી. ૨ ગ્રામ, ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મીલી., થાયોમીથોકઝામ ૨૫ ડબલ્યુ જી ૩ ગ્રામ, ડાયફેન્થીયુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ પૈકી કોઈપણ એક કીટનાશકનો ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સફેદમાખી માટે પીળા ચીકણાં પિંજરનો મોજણી અને નિયંત્રણમાં ઉપયોગ કરવો.
સફેદમાખીનાં નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા બુપ્રોફેજીન ૨૫ એસ.સી. ૨૦ મીલી કે એસીફેટ ૭૫ એસ.પી. ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મીલીબગના વધુ ઉપદ્રવ હોય તો ૧૫ દિવસનાં અંતરે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૫ મીલી અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૨ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૨૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખૂલેલા જીંડવાને ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી રૂપલાંઓને નીચે પાડી નાશ કરી શકાય છે.
કપાસના રોગોના નિયંત્રણ માટે લેવાનાં પગલાંઓમાં કપાસમાં મૂળખાઇ અથવા મૂળનો સડો રોગના નિયંત્રણ માટે ટુંકા ગાળે પિયત, સપ્રમાણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ, ઝાયનેબ અથવા મેન્કોઝબ દવાનું ૦.૨ ટકાનું દ્રાવણ સુકાતા છોડની ફરતે જમીનમાં આપી ૪ થી ૫ દિવસ પછી યુરીયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું પ્રમાણ ઘટે છે. ખેતરમાં કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું. સુકારો રોગ પાકની દરેક અવસ્થામાં જોવા મળે છે. જેનાં નિયંત્રણ માટે રોગિષ્ટ છોડનો નાશ કરવો.
ખેતરમાં કાર્બન્ડાઝીમ દવાને ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું. નવો સુકારો (પેરાવિલ્ટ) રોગમાં સૂકાયેલા છોડના પાન અને જીંડવા છોડ સાથે જોડાયેલા રહે છે, રસવાહિની રંગહીન કે મૂળમાં કોહવારો દેખાતો નથી. જયારે છોડ પર વધુ પ્રમાણમાં જીંડવાઓ હોય અને વાતાવરણમાં ઉષ્ણતામાન ૩૫° સે. હોય ત્યારે આ પ્રકારના ચિન્હો જોવા મળે છે.
આ રોગના નિયંત્રણ માટે અસગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો. મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણા પાડવા. સુકારાના નિયંત્રણ માટે ખેતરમાં સૂકારાની રારૂઆતના ૧૨ કલાકમાં જ અસર પામેલ છોડની ફરતે ૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરીયાના દ્રાવણ છોડની ફરતે રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ અન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનું ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પ્રમાણે છોડની ફરતે રેડવું.
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કે.વી.કે./ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક/ નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટરનો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતની યાદીમાં જણાવેલ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube