રાજકોટ: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આ વર્ષે તળિયે પહોંચી જતા ગરીબ ખેડૂતો કે માટે રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે ડુંગળીનો પાક લેવા માટે જે ખર્ચ થાય છે એટલા ભાવ પણ મળતા નથી. આજે માર્કેટયાર્ડમાં સુકી ડુંગળીની આવક ૧ લાખ કિલો થઈ હતી અને તે માત્ર રૂ।.દોઢથી મહત્તમ રૂ. સાડા ચારના કિલો લેખે ખેડૂતોએ વેચી હતી. તેમાંય મહત્તમ ભાવ તો ઓછા ખેડૂતોને મળ્યો હતો. કિસાન સંઘે અગાઉ કલેક્ટરને ડુંગળી આપીને રોષ વ્યક્ત કરવાનો કાર્યક્રમ ઘડયો હતો પણ આ કાર્યક્રમ પછી યોજાયો ન્હોતો.
એક સમયે ડુંગળીના ભાવ રૂ.૪૦એ પહોંચ્યા હતા તે આ વર્ષે ૧૦માં ભાગથી ઓછા થઈ ગયા છે. સુકી ડુંગળીના પગલે હાલ શિયાળામાં જ આવતી લીલી ડુંગળીના ભાવ પણ ઘટીને કિલોના રૂ.૫થી ૯ રહ્યા હતા.
તો કોબીજના ભાવ આ વખતે પહેલેથી જ ઓછા રહ્યા છે. આજે કોબીઝ રૂ.૬થી ૧૨-૫૦ના ભાવે તો કોથમીર પણ રૂ.૨.૫૦થી રૂ.૪ના ભાવે સોદા થયા છે. જો કે આ શાકભાજી જ્યારે બજારમાં આવે ત્યારે નફાખોર વિક્રેતાઓ તેના પર તોતિંગ નફો ઉમેરી દે છે અને ગૃહિણીઓને સસ્તુ મળતું નથી. સરકાર ખેડૂતો પોતાનો માલ સીધો ગ્રાહકોને વેચી શકે તેવી વ્યવસ્થા હજુ સુધી કરી નથી.
જણસીઓમાં પહેલેથી જ એક મણના કપાસમાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦, આજે તુવેરના ૯૫૦થી ૧૧૬૦, મગના રૂ।.૯૮૫થી ૧૨૦૦ ભાવ મળે છે. પરંતુ, સુકુ લસણ પહેલેથી સસ્તુ છે જે આજે રૂ.૫થી ૧૨ના કિલો લેખે વેચાયું હતું.