ઠેર ઠેર આસારામનાં પોસ્ટર લગાવતા વિવાદ, AMCએ આપ્યાં હટાવવાનાં આદેશ

AMTS બસ સ્ટેન્ડ પર કોર્પોરેશને આસારામનાં પોસ્ટરો લગાવતા વિવાદ થયો હતો. 14મી ફેબ્રુઆરીએ માતૃ પિતૃ દિવસની ઉજવણી માટેનાં આસારામનાં ટ્રસ્ટ દ્વારા પોસ્ટરો લગાવ્યાં હતાં. જે હોર્ડિંગ્સને હવે કોર્પોરેશન દ્વારા જ હટાવવામાં આવશે.

14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતાં વેલેન્ટાઇન ડેની આસારામ આશ્રમની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને આા અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવતાં લોકોમાં રોષની લાગણી છવાઇ હતી. આ પોસ્ટરોને કારણે સોશિયલ મીડિયા પણ ગરમાયું હતું અને તેમના વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

આ અંગે અમદાવાદનાં મેયર બિજલબેન પટેલે આ અંગે જણાવતા કહ્યું કે, ‘કોઇપણ મંજૂરી આપવામાં આવી હોય ત્યારે નામજોગ તે લોકોએ દરખાસ્ત નથી કરી હોતી પરંતુ હવે એએમસીનાં ધ્યાનમાં તે આવ્યું છે એટલે તેને ઉતારી લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે.’

આ પહેલા ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આસારામ આશ્રમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, 14 ફેબ્રુઆરી, 2019ના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આપની સંસ્થા દ્વાર નવીન અભિયાનનો શુભારંભ કરેલ છે, જે સરાહનીય છે. આપનું આ મહાઅભિયાન વધુને વધુ આગળ વધે અને કન્યા-કુમારો, યુવાન-યુવતિઓ આજના આધુનિક યુગમાં માતા-પિતા પ્રત્યેની ફરજો સમજે અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે. આપની સંસ્થા દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્ય માટે મારી શુભકામના પાઠવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *