ખુશખબર! લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર લેશે મહત્ત્વપૂર્ણ નિર્ણય, કરોડો લોકોને થશે સીધો ફાયદો

Lok Sabha Election 2024: સરકાર કામદારોને દરરોજ આપવામાં આવતા લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. લગભગ 7 વર્ષથી લઘુત્તમ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે વાર્ષિક આધાર પર ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી દર વધીને 5.69 ટકા થયો છે. વધતી મોંઘવારીને જોતા સરકાર લોકસભા ચૂંટણી(Lok Sabha Election 2024) પહેલા લઘુત્તમ વેતન દરમાં વધારો કરીને દેશભરના 50 કરોડથી વધુ કામદારોને મોટી રાહત આપી શકે છે.

એસપી મુખર્જી કમિટીના રિપોર્ટ પર કેન્દ્ર નિર્ણય લેશે
ફ્લોર વેતનની તપાસ કરતી ઉચ્ચ-સ્તરની નિષ્ણાત પેનલની ભલામણોને અનુસરીને, કેન્દ્ર સરકાર સામાન્ય ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં સૌથી વધુ લઘુત્તમ વેતન દર નક્કી કરી શકે છે. વર્ષ 2021માં જૂન 2024 સુધી રચાયેલી એસપી મુખર્જીના નેતૃત્વ હેઠળની નિષ્ણાત સમિતિ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે. આ સાથે એપ્રિલ-મે દરમિયાન યોજાનારી ચૂંટણી પહેલા નવા ફ્લોર વેતનની જાહેરાત થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર છે.

2017 થી ન્યૂનતમ દૈનિક વેતન માત્ર 176 રૂપિયા છે
દેશમાં લગભગ 50 કરોડ કામદારો છે અને તેમાંથી 90 ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે. હાલમાં લઘુત્તમ વેતન એટલે કે ફ્લોર વેજ 176 રૂપિયા પ્રતિ દિવસ છે. તે છેલ્લે 2017 માં સુધારવામાં આવ્યું હતું. છેલ્લા 7 વર્ષમાં લઘુત્તમ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે ફુગાવાના દરમાં સતત વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં જીવનનિર્વાહ અને મોંઘવારીના વધારાને ધ્યાનમાં રાખીને લઘુત્તમ વેતન દરમાં સુધારાની શક્યતા છે.

જો કેન્દ્ર વેતન વધારશે તો રાજ્યોએ તેનો અમલ કરવો પડશે
જો કેન્દ્ર સરકાર લઘુત્તમ વેતન વધારશે તો તમામ રાજ્ય સરકારોએ પણ તેનો અમલ કરવો પડશે. વેતન કોડ 2019 કેન્દ્ર સરકારને લઘુત્તમ વેતન નક્કી કરવાનો અધિકાર આપે છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યોમાં નવું લઘુત્તમ વેતન ફરજિયાત રહેશે. જો કે, કેન્દ્ર રાજ્યોની ભૂગોળના આધારે અલગ-અલગ વેતન દરો પણ નક્કી કરી શકે છે. હાલમાં, કેટલાક રાજ્યોએ તેમના દૈનિક વેતનને કેન્દ્ર સરકારના 176 રૂપિયા પ્રતિ દિવસના ફ્લોર રેટ કરતાં ઓછું નક્કી કર્યું છે, જ્યારે કેટલાક અન્ય રાજ્યોએ આના કરતાં વધુ ફ્લોર રેટ લાદ્યો છે. રાજ્યો વચ્ચે લઘુત્તમ વેતનમાં આ તફાવત કામદારોના સ્થળાંતરનું કારણ બને છે.

ન્યૂનતમ દૈનિક વેતન 300 રૂપિયા થવાની શક્યતા છે
એસપી મુખર્જીના નેતૃત્વમાં નિષ્ણાત સમિતિની રચના પહેલા, 2019 માં, અન્ય સમિતિએ લઘુત્તમ વેતન વધારીને 375 રૂપિયા પ્રતિ દિવસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે કેન્દ્ર સરકારે આ વેતન દર 100 ટકા વધારે હોવાને કારણે સ્વીકાર્યો ન હતો. લઘુત્તમ વેતન નક્કી કરતી વખતે, મુખ્ય મુદ્દો કામદારોની પોષણની જરૂરિયાતો અને ખાવા-પીવા સિવાયના ખર્ચને ધ્યાનમાં રાખવાનો છે. એવી શક્યતા છે કે સરકાર લઘુત્તમ વેતન 300 રૂપિયા પ્રતિ દિવસ નક્કી કરી શકે છે.