રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતી કારે સર્જ્યો ગંભીર અકસ્માત, 1નું મોત- સમગ્ર ઘટના CCTVમાં કેદ

Rajkot Accident: રાજકોટમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. શહેરના ત્રિશુળ ચોકમાં બેકાબૂ કાર ચાલકે એક ટુ-વ્હીલર અને રાહદારીઓ અટફેટે લીધો હતો. અકસ્માતમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી હતી.ત્યારે અકસ્માતની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, બેકાબૂ કાર પહેલા ટુ-વ્હીલરને ટક્કર મારે છે અને બાદમાં દુકાનના(Rajkot Accident) ઓટલા પર બેઠેલા લોકો તરફ વળી જાય છે. જેમાં બે યુવતીઓ ભાગવામાં સફળ રહે છે, પરંતુ વચ્ચે બેઠેલી એક મહિલા કારની અડફેટે આવી જાય છે.અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતો. પોલીસે ફરાર કારચાલક યુવકની શોધખોળ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાના ચોકાવનારા સીસીટીવી સામે આવ્યા
આ અંગે મળતી માહિતી અનુસાર,રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઈન રોડ ઉપર ત્રિશૂલ ચોક પાસે કારચાલક (GJ 03 MH 4905) યુવાન પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. જે દરમિયાન કારચાલક યુવાને ડાબી તરફથી અચાનક કારનું સ્ટીયરિંગ જમણી તરફ ફેરવી નાખ્યું હતું. જેને લીધે મોર્નિંગ વોકમાં નીકળેલા 50 વર્ષીય નલીનભાઈ નરોતમભાઈ સિદ્ધપુરાને હડફેટે લઈ લગભગ 15 ફૂટ સુધી ઢસડ્યા હતા. ત્યારબાદ ચોકમાં દુકાન પાસે બેસેલી 18 વર્ષીય વિદ્યાર્થિની કુમકુમ મહેશભાઈ કાનાણીને પણ કારચાલક હડફેટે લીધી હતી. જે બાદ કાર દુકાન સાથે ધડાકા સાથે અથડાય તુરંત રિવર્સ જતી રહી હતી.

કાર દુકાનના પગથિયે બેસેલી યુવતી તરફ ધસી ગઈ
પૂરઝડપે આવતી કાર અચાનક ડાબી તરફ વળે છે અને રોડની સાઈડમાં પાર્ક કરેલા એક્ટિવાને હડફેટે લઈ રોડ પરથી પસાર થતા આધેડને ઉડાવે છે. જે બાદ કાર રોકાવાને બદલે આગળ વધી દુકાનના પગથિયે બેસેલી 3 યુવતી તરફ જાય છે. જેમાં બે યુવતી ઝડપથી ખચી જતા એક યુવતી કારની ઝપેટમાં આવી જાય છે, જે કાર અને દુકાનના શટર વચ્ચે દબાઈ જાય છે. જોકે, કાર યુવતીને હડફેટે લીધા બાદ તુરંત પાછળ ધસી જાય છે. આ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે.

અકસ્માતમાં ઘાયલ નલિનભાઈ સિધ્ધપુરા નામના આધેડનું મૃત્યુ થયું છે. નલીનભાઈ નરોતમભાઈ સિધ્ધપુરા ત્રિશુલ ચોક વિસ્તારમાં રહે છે. સમગ્ર ઘટનાને લઈને ડીસીપી જોન-1 અને ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસે આપ્યું નિવેદન
રાજકોટ DCP ઝોન- 1 સજ્જનકુમાર સિંહે જણાવ્યું હતું કે, શહેરના ભક્તિનગર સર્કલ પાસે સહકાર મેઈન રોડ ઉપર આજે બેકાબૂ કારે અક્સ્માત સર્જાયો હતો. જેમાં મોર્નિંગ વોકમાં નીકળેલા નલીનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાને ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે કોલેજની વિદ્યાર્થિની કુમકુમ મહેશભાઈ કાનાણીને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જનાર કારચાલકને કાર નંબરના આધારે ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.