દેશના પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એવોર્ડની જાહેરાત: BBCના ગુજરાતી પત્રકાર સહીત ચારને આ એવોર્ડથી કર્યા સન્માનિત, જાણો કોને-કોને મળ્યાં

Ramnath Goenka Award: પત્રકારત્વ ક્ષેત્રે ‘રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ’ એ ઉત્કૃષ્ટ સન્માન છે. આ સન્માનની ચર્ચા પત્રકાર જગતમાં ખૂબ થાય છે. આ સન્માન આપનારી સંસ્થા ‘રામનાથ ગોએન્કા મેમોરિઅલ ફાઉન્ડેશન’ છે અને તેની શરૂઆત રામનાથ ગોએન્કાના શતાબ્દી વર્ષ દરમિયાન થઈ હતી. જેમના નામે આ સન્માન આપવામાં આવે છે તેઓ ભારતીય પત્રકાર જગતનું પ્રતિષ્ઠિત નામ છે.ત્યારે આ વર્ષે આ એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમના હસ્તે ગુજરાતી પત્રકાર તેજસ વૈદ્યને પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એવોર્ડથી(Ramnath Goenka Award) સન્માનિત કરવામાં આવ્યા છે.

ગુજરાતી પત્રકાર તેજસ વૈદ્યને આ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો
1991માં રામનાથ ગોએન્કાનું અવસાન થયું અને તેમની સ્મૃતિમાં 2005માં આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી અને ત્યારથી દર વર્ષે એવોર્ડમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પત્રકારત્વને સન્માનાય છે.ત્યારે આ વર્ષે બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને આ ઍવૉર્ડ બિલકીસબાનોના ગામ રણધીકપુરમાંથી થઈ રહેલા મુસ્લિમોના પલાયન પર કરેલા અહેવાલ પર મળ્યો છે.જયારે બિલકીસબાનોના 11 દોષિતોને જેલમાથી છોડવામા આવ્યા ત્યાર પછી તેજસ વૈદ્યે બીબીસીના કૅમેરામૅન અને વીડિયો ઍડિટર પવન જયસ્વાલ સાથે બિલકીસબાનોના ગામ રણધીકપુરમાં જઈને ત્યાંના મુસ્લિમો દ્વારા ભયને કારણે થતા પલાયન પર એક વિસ્તૃત અહેવાલ 25 ઓગસ્ટ 2022નાં રોજ કર્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર
પત્રકારત્વ ક્ષેત્રે દેશના પ્રતિષ્ઠિત એવોર્ડ રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા. તેમણે રામનાથ ગોએન્કા એવોર્ડ જીતનારા પત્રકારોને અભિનંદન પાઠવ્યા હતા અને સ્વાતંત્ર્ય સેનાની રામનાથ ગોએન્કાનો ઉલ્લેખ કરતા એક જૂનો પ્રસંગ યાદ કર્યો હતો. જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર પર ઘણા પ્રકારના અડચણો નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

લોકશાહીમાં મહત્વનું પત્રકારત્વ
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આપણી લોકશાહી ચાર સ્તંભ પર ઊભી છે, જેમાં વિધાયિકા, ન્યાયતંત્ર, વહીવટી તંત્ર સિવાય મીડિયાની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. નીતિન ગડકરીએ એ સમયનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે એક્સપ્રેસ ન નીકળે તેના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને હડતાળ પાડવાની યોજના હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રામનાથ ગોએન્કા ક્યારેય ઝુક્યા નહીં કે અટક્યા નહીં.

આ કાર્યક્રમમાં 2021 અને 2022માં રિપોર્ટિંગ કરવામાં આવેલી ન્યૂઝ સ્ટોરી માટે પત્રકારોને આ પુરસ્કારો આપવામાં આવ્યા છે. આ તે સમયગાળો હતો જ્યારે દેશ કોરોના મહામારીમાંથી રિકવર થઇ રહ્યું હતું. રામનાથ ગોએન્કા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા આ એવોર્ડમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ, સ્પોર્ટ્સ, પોલિટિક્સ અને ગવર્નન્સ, પુસ્તક, ફીચર રાઇટિંગ અને પ્રાદેશિક ભાષાઓ સહિત 13 કેટેગરીમાં પ્રિન્ટ, ડિજિટલ અને બ્રોડકાસ્ટ એમ બંને પ્રકારના ઉત્કૃષ્ટ યોગદાન માટે સર્વશ્રેષ્ઠ પત્રકારત્વને આ સમ્માન આપવામાં આવ્યું છે.