સુરત/ હોટલમાં યુવતી સાથે અંગત પળો માણ્યા બાદ યુવકનું હોટલ રૂમમાં જ નીપજ્યું મોત, જાણો સમગ્ર મામલો

Surat News: સુરત શહેરની એક ઓયો હોટલના રૂમમાં વિચિત્ર ઘટના બની છે. યુવતી સાથે અંગત પળો માણ્યા બાદ યુવક હોટલના રૂમમાં જ ઢળી પડ્યો હતો.જેના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે યુવતી ગભરાઈ ગઈ હતી.જે બાદ હોટલમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે હોટલના સંચાલકોએ પોલીસને(Surat News) જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગતપળ માણ્યા બાદ એકાએક યુવક ઢળી પડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી એક ઓયો હોટલમાં બની છે. અહીં બિહારનો વતની તારીક અનવર એક યુવતી સાથે ગયો હતો. યુવક અને યુવતીએ હોટલ રૂમ બુક કરવા માટે ઓળખના પુરાવા તરીકે પોતાના આધારકાર્ડ હોટલ સંચાલકોને આપ્યા હતા.તેમજ યુવતી કોસાડની હોવાની વિગતો સામે આવી છે. ઓયોના બંધ રૂમમાં અંગત પળો માણ્યા બાદ તારીક અનવર હોટલ રૂમના પલંગ પર જ ઢળી પડ્યો હતો. તપાસ કરતા તેનું મોત થયું હતું. યુવતીએ હોટલ સંચાલકોને જાણ કરતા હોટલ સંચાલકોએ પોલીસ બોલાવી હતી.

108ના કર્મચારીએ ઘટના સ્થળે જ તેને મૃત જાહેર કર્યો
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે,ડિંડોલીના પેવેલિયન પ્લાઝામાં આવેલી જેક સ્પેરો નામની ઓયો હોટલમાં આ ઘટના બની છે. યુવતી સાથે અંગત પળો માણવા માટે હોટલમાં તારિક અનવર આવ્યો હતો. યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તારીક પલંગ પર ઢળી પડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.જે બાદ ઓયો હોટલના માલિકે 108 પર ફોન કરતા 108ના કર્મચારીએ ઘટના સ્થળે જ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવક સાથે આવેલી યુવતી અને હોટલ બન્ને શંકાના ઘેરામાં હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખોરાક શ્વાસનળીમાં ફસાતા મોત થયું
પોલીસ સૂત્રો પાસેથી વધુમાં મળતી માહિતી અનુસાર તારીક અનવર સાદિક ભેસ્તાન આવાસની સામે અભિનંદન રો હાઉસના નવા બાંધકામમાં રહેતો હતો. તે મજૂરીકામ કરતો હતો. ગુરુવારે સાંજે તારીક 26 વર્ષની યુવતી સાથે જેક સ્પેરો નામની હોટલમાં ગયો હતો. અહીં 409 નંબરના રૂમમાં તે ગયો હતો. તેણે જમવાનું મંગાવ્યું હતું. જમ્યા બાદ તારીક બેડ પર ઢળી પડ્યો હતો. પોલીસે તેનો મૃતદેહ પીએમ માટે મોકલ્યો હતો. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં એવી વિગતો બહાર આવી છે કે જમ્યા બાદ ખોરાક શ્વાસનળીમાં ફસાઈ જવાના લીધે તારીકનું મોત નિપજ્યું હતું.