બારડોલી | ધુલિયા હાઈ-વે પર ટમેટાં ભરેલો ટેમ્પો પલટી જતાં 3નાં મોત; 7ને ગંભીર ઈજા

Dhuliya Highway Accident: સુરત-ધૂલિયા નેશનલ હાઇવે નંબર 53 પર મોડી રાત્રે ટામેટા ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ ગોજારા અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 7 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં(Dhuliya Highway Accident) ખસેડવામાં આવ્યા હતાં.

સુરત-ધૂલિયા નેશનલ હાઇવે પર અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્તો તમામ મહારાષ્ટ્રના રહેવાસી હતા. બનાવને પગલે બારડોલી રૂરલ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.

ટામેટા ભરેલા ટ્રકનો અકસ્માત
સુરત ધુલિયા નેશનલ હાઇવે નંબર 53 ફરી એક વખત ગોઝારો સાબિત થયો છે. નાસિકથી ટામેટા ભરીને સુરત સરદાર માર્કેટ ખાતે આવી રહેલો ટ્રક અહીંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બારડોલી તાલુકાના કીકવાડ ગામની સીમમાં ટ્રકચાલક 43 વર્ષીય સુરેશભાઈ દત્તુભાઈ પવારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા તેમની ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી.

સાત મજૂર ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય સાત મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રહેવાસી 35 વર્ષીય તુલસીરામ સોનવણે, 40 વર્ષીય સંતોષ પવાર, 30 વર્ષીય બાબાજી કુકવા પવાર, 30 વર્ષીય આકાશભાઈ ભરવ માળી, 12 વર્ષીય ક્રિષ્ના સુરેશભાઈ પવાર, 35 વર્ષીય રાકેશ મંછારામ બોરસે, 48 વર્ષીય રાજેન્દ્ર દુબળા તાળીસનો સમાવેશ થાય છે.

પોલીસ કાર્યવાહી
બારડોલી ગ્રામ્ય પોલીસ મથકના PSI ડી. આર. વસાવાએ જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્રણ જણાના દબાઈ જવાથી મોત થયા છે. હાલ ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.