સુરતમાં મકાન-માલિકે ભાડા બાબતે યુવતીને બર્બરતાપૂર્વક આડેધડ ઢીકા-મુક્કા માર્યા; જુઓ વિડીયો

Surat Viral Video: સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી યુવતી સાથે મકાન માલિકે તાલિબાની કૃત્ય આચર્યુ હતું. જેનો વિડીયો સામે આવ્યો છે. જેમાં સ્ત્રી સન્માનની જગ્યાએ ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીને માર મારવામાં આવ્યો હતો. સાથે જ મકાન માલિક અને અન્ય બેથી ત્રણ લોકોએ નિર્દયતાથી માર માર્યો હતો.ત્યારે આ વિડીયો વાયરલ(Surat Viral Video) થતા લોકોએ ભારે ફિટકાર વરસાવી છે.

યુવતી સાથે તાલિબાની વર્તન કરવામાં આવ્યું
સુરતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને તેના મકાન માલિક અને અન્ય બે થી ત્રણ લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે મળતી માહિતી મુજબ આ પીડિત યુવતી મુંબઈની રહેવાસી છે

અને ઈવેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામના કામ માટે સુરત રહે છે. ભાડાના તકરારમાં ત્રણથી ચાર વ્યક્તિઓ મળીને યુવતીને ખરાબ રીતે મારતા જોવા મળે છે. હાલ પીડિત યુવતીએ સિવિલમાં સારવાર કરાવી છે અને ઉમરા પોલીસ મથકમાં મકાન માલીક સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

વિડીયો થયો વાયરલ
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, મકાન માલિક સાથેના એક શખસે યુવતીના બન્ને હાથ પકડી રાખ્યા હતા અને મકાન-માલિકે યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું હતું. યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીકા અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ પીડિતાને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ-પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી હતી.

પીડિતાને ઇજા પહોંચતા સારવાર અર્થે મોકલી
જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ યુવતીઓ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેમાં પોલીસે તેઓની પહેલાં લેખિત અરજી લીધી હતી અને બાદમાં ત્રણ શખસો સામે ગુનો દાખલ કર્યો છે.