મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત: કુંભસ્નાન બાદ રાજકોટના વીજ કોન્ટ્રાક્ટર અચાનક ઢળી પડતા

Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે. તાજેતરમાં જ મૌની અમાવસ્યા પર સંગમ સ્થળે થયેલી ધક્કામુક્કીમાં 30 જેટલા શ્રદ્ધાળુઓ મોતને (Mahakumbh 2025) ભેટ્યા હતા. જેમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના એક શ્રદ્ધાળુનું પણ મોત નીપજ્યું હતુ.

એવામાં ગુજરાતના વધુ એક શ્રદ્ધાળુનું મહાકુંભમાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે રાજકોટના આધેડને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેઓ ઢળી પડ્યા હતા.

શ્વાસ ચડતાં તેઓ ઢળી પડ્યા
આ અગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને PGVCLના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કિરીટસિંહ રાઠોડ (53) ગત 24 જાન્યુઆરીના રોજ પત્ની લત્તા રાઠોડ, મિત્ર લક્ષ્મણગિરી ગોસાઈ અને તેમની પત્ની શોભના સાથે અમદાવાદથી ફ્લાઈટમાં અયોધ્યા ગયા હતા. જ્યાંથી તેઓ પ્રયાગરાજ સ્થિત મહાકુંભ પહોંચ્યા હતા.

ગત 30 જાન્યુઆરીના રોજ પવિત્ર સ્નાન કર્યા બાદ અચાનક કિરીટસિંહને ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ ચડતાં તેઓ ઢળી પડ્યા હતા. જેથી તેમના પત્ની અને મિત્રો તાત્કાલિક કિરીટસિંહને સેક્ટર 20માં ઉભી કરવામાં આવેલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કિરીટસિંહ તબીયત વધારે નાજુક જણાતા તેઓને રાયબરેલીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતુ.

રાઠોડ પરિવાર શોકમાં ગરકાવ
કિરીટસિંહના મોતથી રાઠોડ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આજે તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં PGVCLના કર્મચારીઓ ઉપરાંત સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ કે, અગાઉ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની અને વર્ષોથી સુરત સ્થાયી થયેલા 65 વર્ષીય પટેલનું પણ મહાકુંભના મેળામાં મોત થયું હતુ.