સોખડા સ્વામિનારાયણના હરિભક્તે NRI પટેલ સાથે કરી 1.23 કરોડની ઠગાઇ

Vidhyanagar Fraud to NRI: મહીસાગરના લુણાવાડાના વતની અને કેનેડાના સિટીઝનને ટુંક સમયમાં રૂપિયા બમણા કરવાની લોભામણી લાલચ આપીને સ્વામિનારાયણ (Vidhyanagar Fraud to NRI) સંપ્રદાયના વિદ્યાનગરના હરિભક્તે રૂ.1.23 કરોડની છેતરપિંડી આચરી, એનઆરઆઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

વિદ્યાનગરના ગઠિયા સાથે એનઆરઆઈને વર્ષ 2022માં વડોદરાના હરિધામ સોખડા ખાતે મુલાકાત થઈ હતી. મહીસાગરના લુણાવાડાના દલુખડિયાના વતની અને કેનેડાના સિટીઝન બનેલા કલ્પેશકુમાર કાંતિલાલ પટેલ (ઉં.વ.47) મીસીસાગા શહેરમાં એજ્યુકેશન ઈન્સ્ટીટયુટ ચલાવે છે.વર્ષ 2022માં તેઓ વડોદરાના હરિધામ સોખડા ખાતે ગયા હતા જ્યાં તેમની મુલાકાત મિલનકુમાર ઉર્ફે નિશ્ચિંત મનુભાઈ પટેલ (રહે. તુલસી એલિગન્સ, વિદ્યાનગર) સાથે થઈ હતી. ત્યારે મિલને કલ્પેશને જણાવ્યું હતું કે, તે 18 વર્ષ જેટલો સમય સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રસાદ સ્વામી સાથે સહિષ્ણુ સેવક તરીકે રહેલો છે અને વિદ્યાનગરના રેલવે સ્ટેશન રોડ પર સરદાર પટેલ સ્ટેચ્યૂ પાસે આવેલા નેપ્ચુન સ્ક્વેરમાં પ્રબોધમ ઈન્ટરનેશનલ નામથી રીયલ એસ્ટેટ, કોસ્મેટિક પ્રોડક્ટ અને વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.

તેમજ મારી પાસે ટુંક સમયમાં રૂપિયા બમણા થાય તેવા રોકાણના વિવિધ પ્રકલ્પો છે. જેથી કલ્પેશે વિશ્વાસમાં આવીને રૂ.23 લાખ રોકડ આપ્યા હતા. ત્યારે મિલને રૂ.23 લાખ રોકડના બદલામાં સિક્યુરીટી પેટે કરમસદમાં આદિત્ય હાર્મની એપાર્ટમેન્ટમાં મારી મમ્મી જયાબેન મનુભાઈ પટેલના નામનો તથા અમારા ઓળખીતા અમિતાબેન દિપકભાઈ દેસાઈના ફ્લેટનો દસ્તાવેજ કરી આપું છું તેમ જણાવ્યું હતું. જેના બદલામાં કલ્પેશ પાસેથી ચાર કોરા ચેકના ફોટો મંગાવ્યા હતા. બાદમાં બંને ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા હોવાનું અને રૂપિયા રોકાણ કરીને સારા એવા પ્રોફિટ અપાવું ત્યારે ફ્લેટના દસ્તાવેજ કેન્સલ કરવા જણાવ્યું હતું.

બાદમાં એક કરોડ રૂપિયાનું રોકાણ કરો તો એક વર્ષમાં મૂડી પાછી મળશે અને 12થી 18 મહિનામાં એક કરોડ જેવો વધારાનો પ્રોફિટ થશે તેમ જણાવ્યું હતું. મિલન હરિભક્ત હોવાથી કલ્પેશે વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 1,30,72,500 આપ્યા હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે. સમયમર્યાદા પૂરી થતાં કલ્પેશે નાણાં માંગતા મિલને રૂ.7.50 લાખ રોકડ પરત મોકલી હતી. બાકીના પૈસા સ્કીમમાં રોકણ કર્યા હોવાથી ત્યાંથી પરત આવે એટલે આપવાના બહાના બનાવ્યા હતા. જોકે, કલ્પેશે વિદ્યાનગર ખાતે જઈને મિલન પાસેથી નાણાં પરત માંગતા મિલને જણાવ્યું હતું કે, તમને જે બે ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા છે, તેમાં તમારા ચેકના ઉલ્લેખ કર્યા છે, તેના પૈસા હજૂ સુધી મકાન માલિકોને મળ્યાં નથી.

એનઆરઆઈ વિરૂદ્ધ સિવિલ કોર્ટમાં દાવા દાખલ કર્યા
વિદ્યાનગરના ગઠિયાએ પોતાની માતા જયાબેનના કુ.મુ. તરીકે પોતાના ભાઈ મનીષ પટેલ પાસે તથા અમિતાબેન દેસાઈ પાસેથી એનઆરઆઈ વિરૂદ્ધ આણંદ સિવિલ કોર્ટમાં દાવા દાખલ કર્યા હતા.