મહાકુંભથી સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બસ ટ્રક સાથે અથડાતાં 2 લોકોના મોત

Auraiya Accident: મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને મોટો અકસ્માત નડ્યો છે. શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન 4 વાહનો વચ્ચે ભીષણ ટક્કરમાં 2 લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યા (Auraiya Accident) છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોનો હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત કોતવાલી ઔરૈયા ધનપત હેઠળ ચિરૌલીમાં કેશવપુર ઢાબા પાસે સર્જાયો હતો જ્યાં બે રોડવેઝ બસો એકબીજા સાથે અથડાઈ હતી અને એક કાર અને ટ્રક પણ તેની ચપેટમાં આવી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

4 વાહનો વચ્ચે ભીષણ ટક્કર
આ મામલે અધિક પોલીસ અધિક્ષક આલોક મિશ્રાએ જણાવ્યું કે, NH2 હાઈવે કોતવાલી ઔરૈયા ધનપત હેઠળ ચિરૌલીમાં કેશવ પુર ઢાબા પાસે બે રોડવેઝ બસો, એક કાર અને એક ટ્રક એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માત 13 ફેબ્રુઆરીના રોજ સવારે થયો હતો જેમાં 4 વાહનો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. બસ અને કારમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

4 મુસાફરોની હાલત ગંભીર
પોલીસ અધિકારીએ આગળ જણાવ્યું કે, આ ભયાનક માર્ગ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર પરવેશ સિંહ અને એક મુસાફર રોહિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. 4 મુસાફરોની હાલત ગંભીર છે અને તેમને સૈફઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની સાથે પોલીસ ટીમ તહેનાત કરવામાં આવી છે અને ડોક્ટરોની ટીમ સાથે વાત કરીને દરેકને સારી સારવાર આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પરિસ્થિતિ હવે નિયંત્રણમાં
આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેમાં ટ્રક અને કાર ચકનાચૂર થઈ ગયા છે. કારની હાલત એટલી ખરાબ છે કે તમે કલ્પના કરી શકો છો કે અકસ્માત કેટલો ગંભીર હશે. રોડવેઝ બસોને પણ નુકસાન થયું છે. જોકે, પોલીસ અધિકારીએ કહ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.