આવતીકાલે એટલે કે, 26મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 31 માર્ચ સુધી ચાલશે.સત્રના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજુ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને આજે બન્ને પક્ષોની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠકો ચાલી રહી છે. સાંજે 5 વાગે વિધાનસભા સંકુલમાં ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક મળશે. જેમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહેશે. બીજી બાજુ સાંજે 5.30 વાગે કોંગ્રેસના ધારાસભ્યોની સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી છે.
આ બજેટમાં રાજ્ય સરકાર નાણાંકીય સંતુલનની સાથે રાજ્યની મહાનગર પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેરા વધારાની દરખાસ્ત રજૂ ન કરે એવી શક્યતાઓ છે. દરમિયાન બજેટ સત્ર ધમાલિયું રહેવાના અણસાર છે. ખંભાત કસ્ટોડિયલ ડેથ મામલે અને અન્ય મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાની રણનીતિ ઘડી રહી છે. આજે વિરોધપક્ષના નેતા ધાનાણીની અધ્યક્ષતામાં સરકિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ સરકારને ઘેરવાની રણનીતિ ઘડશે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી અમે બજેટ રજૂ કરીએ છીએ. આ સાથે બજેટમાં ખેડૂતથી લઈને શહેરી વિસ્તારના તમામ લોકોને લાભ મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું છે કે, બજેટમાં આરોગ્ય અને શિક્ષણ પર વધુ ભાર આપવામાં આવશે. આ બજેટ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કરશે. કેમ કે ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે 7વાર બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે અને તેઓ આવતીકાલે 8મી વાર બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવશે.
બીજી બાજુ આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ થવાનું છે ત્યારે જામનગર જે બ્રાસ ઉદ્યોગ તરીકે જાણીતો છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ એ એશિયામાં સૌથી મોટો ઉદ્યોગ છે. જેમાં નાનાથી લઇને મોટા ઉદ્યોગકારો છે. આ ઉદ્યોગની ટક્કર સીધી ચાઈના સાથે છે. ત્યારે બ્રાસના કારખાનેદારો અને ફેક્ટરી ઓનર્સ એસો. દ્વારા જુદી-જુદી માંગણીઓ રજુ કરી છે. જેમાં વાત કરીએ તો એક જ ટેક્સ રાખવો જોઈએ, સરકાર ટેક્સ ઓછા કરે, ઈન્ક્મ ટેક્સ લિમિટ વધારે, બજેટમાં ટેક્સ ઘટાડે, એક બારી ટેક્સ હોવું જોઈએ, GST અને ઈન્ક્મટેક્સ બન્ને મર્જ કરીને એક જ ટેક્સ કરવો જોઈએ. જેવી વિવિધ કારખાનેદારોની બાબતોને સંદેશ ન્યૂઝ સાથે ચર્ચા કરી તેમની રજૂઆત કરી હતી.
રાજ્યના નાણામંત્રીએ ગયા વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી ફેબ્રુઆરી 2019માં ચાર મહિના માટે 64000 કરોડ રૂપિયાનું લેખાનુદાન (વોટ ઓનએકાઉન્ટ) લીધું હતું પરંતુ તેમણે જુલાઇ મહિનામાં પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું અને તેનું કદ 2.04 લાખ કરોડ રૂપિયા રાખ્યું હતું. આ વર્ષે બજેટના કદમાં કરકસરને ધ્યાને રાખતાં 15 હજાર થી 18 હજાર કરોડ રૂપિયાનો વધારો થાય તેવી શક્યતા છે.
આ વર્ષે બજેટનું કદ 2.22 લાખ કરોડની આસપાસ હોય તેમ જણાય છે. નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 2020-21ના વર્ષના બજેટમાં રાજ્ય સરકાર નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. ખાસ કરીને બેરોજગારીના મુદ્દે વર્તમાન ભાજપની સરકાર ઘેરાયેલી છે ત્યારે બજેટમાં રોજગારી પર વધારે ભાર મૂકવામાં આવી શકે છે. ગુજરાત સરકારની મુખ્ય આવક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે છતાં કેન્દ્ર પાસેથી વર્તમાન વર્ષમાં ગુજરાતને પાંચ થી છ કરોડ રૂપિયા ઓછા મળ્યા છે તેથી સરકારના નાણાકીય સંતુલનપર ભાર મૂકવામાં આવી શકે છે.
નવી જાહેરાતોમાં શું હોઈ શકે?
સરકાર મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાનગરના નાગરિકોને રાહત મળે તેવી જાહેરાતો કરી શકે છે. આ ઉપરાંત બજેટમાં રોજગારીની સાથે કૃષિ અને નાના ઉદ્યોગો માટેની યોજાનાઓ પણ થી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.