ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલમાં અંદરખાને સારી જંગ ખેલાય રહી છે. ભાજપે ગઈકાલે જ પોતાના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસમાં હજુ પોતાના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે મંથન ચાલી રહ્યું છે. હવે રાજ્યસભાની ટિકિટને લઈને કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. જેમાં પાટીદાર ઉમેદવાર તરીકે સિદ્ધાર્થ પટેલ કે મનહર પટેલ ને ટિકિટ આપવાની માંગ ઉઠી છે. આ માટે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સમક્ષ કોંગ્રેસના 16 પાટીદાર ધારાસભ્યો રજૂઆત કરી ચૂક્યા છે. આ ધારાસભ્યોએ એક ટિકિટ પરથી સિદ્ધાર્થ પટેલને રાજ્યસભામાં મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, જો સિદ્ધાર્થ પટેલને ટિકિટ નહી મળે તો તેઓ પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. આ સિવાય સિદ્ધાર્થ પટેલના સમર્થક પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસનો ખેલ બગાડે તેવી શક્યતા નકારી ના શકાય.
રાજ્યસભાની ચૂંટણી આંગણે આવીને ઉભી છે અને ગુજરાતની 3 પૈકી 2 બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઇ શકે છે. ગુજરાત કોંગ્રેસમાં પણ ભંગાણના એંધાણ છે. કોંગ્રેસના 4 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. કચ્છ અને સૌરાષ્ટ્રના 2-2 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ ધારાસભ્યો તૂટવાના એંધાણ છે.
સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ૬ થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. પાટીદાર ધારાસભ્યોને ગુજરાતના પ્રભારીએ પરેશ ધાનાણીને રાજ્યસભામાં મોકલવાની ઓફર આપતા પટેલ નેતાઓ ગિન્નાયા હતા અને આક્રોશ ઠાલવ્યો હતો કે, તમે ગુજરાતમાં પટેલ નેતા ને મહત્વ ન આપવા માંગતા હોય તો અમને કોંગ્રેસની કોઈ જરૂર નથી.
ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં 2 નવા ચહેરાને તક આપી
અગામી 26 માર્ચે ગુજરાત રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં 2 નવા ચહેરાને તક આપી છે. ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ સિવાય ત્રીજી બેઠક માટે પણ ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. આ ત્રીજી બેઠક પર ભાજપ અંકે કરવા માટે જોડતોડ કરી શકે છે. આ માટે ભાજપની કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો પર નજર હોવાનું કહેવાઈ રહ્યું છે.
થોડા સમય પહેલા કૉંગ્રેસના એક નેતા ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને કૉંગ્રેસમાં જોડાવાની ઑફર પણ કરી હતી. આ મામલે નીતિન પટેલ બરાબરના ખિજાયા હતા અને તેમની મહેસાણી ભાષામાં તમામ કોંગ્રેસી નેતાઓને બરાબરનું સંભળાવ્યું હતું. ત્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં નિતિન પટેલે પ્રવેશ કરતા જ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરતા ગૃહ ગજવી મૂક્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ નીતિન પટેલને જોઈને સૂત્રોચ્ચાર કર્યો હતો કે, ‘ગબ્બર આવ્યા, ગબ્બર આવ્યા’. આ સૂત્રોચ્ચારથી એકબાજુ હાસ્યનું મોજું ફરી વળ્યું છે. આ સૂત્રોચ્ચારથી લોકોને મનોરંજન થઈ રહ્યું છે. કોંગી ધારાસભ્ય લલિત કગથરાએ નીતિન પટેલને ૧૫ ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં આવી જાવ અને મુખ્યમંત્રી બની જાવ તેવી ઓફર કરી હતી ત્યારે હાલમાં તેનાથી ઉલટા દ્રશ્યો સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
હજારો કરોડ ડૂબાવનાર યસ બેંકના રાણા કપૂર, 128 કરોડના આલીશાન મહેલમાં રહે છે. જુઓ તસ્વીરો