કોરોના મહામારીના કારણે લાગુ થયેલા લોકડાઉનમાં અનેક પરપ્રાંતીઓએ પોતાનો રોજગાર ગુમાવ્યો. જેથી તેમની પાસે પોતાના વતને પરત ફરવા સિવાય કોઈ ઉપાય બચ્યો નહીં. સરકારે શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેનો મુકવામાં આવી. આ ટ્રેનોનું ભાડુ પણ સરકારે ગરીબ શ્રમિકો પાસેથી જ વસુલ કરવાનું નક્કી કર્યું. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શ્રમિકોનું રેલવે ભાડુ કોંગ્રેસ ચુકવશે તેવું એલાન કર્યું હતું. જે પ્રમાણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પરપ્રાંતીઓને વતને મોકલવામાં સહાય કરી રહ્યા છે.
ગઈકાલે બપોરે લગભગ 11 કલાકે શિવાંજલી કોમ્પ્લેક્ષ, એ.કે. રોડ ખાતે એક દંપતી અને તેમનું આશરે 1 વર્ષનું બાળક લઈને જઈ રહ્યા હતા. ત્યારે તે સ્થળ પર ઉપસ્થિત કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસેરિયાની નજર તેમના પર પડી. ધોમધખતા તડકામાં આ દંપતી ઘરનો સામાન અને નાના બાળક સાથે રઝળતું હોવાથી વિજયભાઈએ તેમને આનું કારણ પૂછ્યું. ત્યાર બાદ તેમણે પોતાની આપવીતી જણાવી.
જવાબ આપતા પેહલા જ બહેન (શર્મિલાબેન)રડવા લાગ્યા અને પોતાની આપવીતી કહી… આંખમાં આંસુ, દિલમાં દર્દ સાથે કહેતી રહી કે, “તેઓ અમરોલી વિસ્તારમાં રહે છે અને ત્યાંથી ચાલીને અહીં આવ્યા છે. તેમની બાજુમાં રહેતા લોકો તેમની સાથે ઝઘડો કરે છે અને તેમના પતિની સાથે મારઝૂડ કરે છે. મકાન માલિક પણ આવતા નથી એટલે અમે ઘર છોડવા મજબૂર બન્યા છીએ, અને અમે લોકોએ કાલ રાતનું કાંઈપણ ખાધું નથી, અમારે ઉત્તર પ્રદેશ અમારા ઘરે જવું છે…”
ત્યાર બાદ કોર્પોરેટર વિજયભાઈએ તેમને નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરી આપી અને તેમને તેમના ઘરે જવાની વ્યવસ્થા કરી આપવા માટેનું આશ્વાસન આપ્યું. તેમની સાથે અન્ય કોંગ્રેસના કોર્પોરેટર દિનેશભાઇ કાછડીયા, ભાવેશભાઈ ફિનવીયા, સંજયભાઈ માંગુકિયા અને લાલુભાઈની મદદથી તેમની યુપી જવા માટેની ફ્રી ટિકિટ, ઘરે પહોંચે ત્યાં સુધી ચાલી શકે ત્યાં સુધીનું જમવાનું, નાસ્તા, પાણી વગેરેની વ્યવસ્થા કરી આપી. સોમવારે બોપોરે 4 વાગ્યાની ટ્રેનમાં તેમને તેમના વતન જવાની વ્યવસ્થા કરી આપી.
આ દંપતીને વિજયભાઈએ રૂપિયાની જરૂરિયાત અંગે પૂછ્યું તો તેમણે આર્થિક મદદ લેવાની ના પાડી અને ગરીબીમાં પણ પોતાની ખુદારી બતાવી. તે વ્યક્તિએ (સુરજકુમાર) આજે 6 વાગ્યે ફોન કરીને જણાવ્યું કે “સાહેબ અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છીએ અને કોઈ તકલીફ નથી પડી, અને ઘરે પહોંચીને પણ તમને ફોન કરી દઈશું.. તમારો ખૂબ ખૂબ આભાર…”
ખરેખર જયારે સત્તાધારી પાર્ટીના લોકો પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત છે ત્યારે વિપક્ષ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવસેવા કરી રહ્યું છે. શ્રમિકોને ભોજન અને વતને જવા માટે ટ્રેનની સુવિધા કરી આપવી એ સરકારનું કામ છે, પણ સામાજિક સંસ્થા અને વિપક્ષ કરી રહ્યા છે. સત્તાધારી પાર્ટી શ્રમ નેવે મુકીને વિપક્ષ સહાય કરે એવા નિવેદન કરીને પોતાની અણઆવડત જાહેર કરી રહ્યા છે.