કોરોના આવ્યો અને લૉકડાઉન થયું એ પછી અનેક લોકોએ પોતાની સૂઝ અને અનુકૂળતા મુજબ અલગઅલગ પ્રકારે લોકસેવા ચાલું કરી દીધી. કોઈએ રસોડું ચાલું કર્યું તો કોઈએ અબોલ જીવોની ભૂખ મટાડવા યજ્ઞ માંડ્યો તો કોઈએ માસ્ક વિતરણ કર્યું. રાજકોટનાં ભામાશા ગણાતા મૌલેશ ઉકાણીએ આવી બધી પ્રવૃત્તિઓમાં યથાશક્તિ યોગદાન આપવા ઉપરાંત અન્ય એક જબરદસ્ત પ્રકારની સેવા કરી ને પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે.
બાન લેબ્ કંપનીના માલિક મૌલેશભાઈએ કોરોનાકાળમાં ઇમ્યુનિટી વધારવા લગભગ 73 લાખ જેટલી આયુર્વેદિક ટિકડીઓનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે. તેમણે કુલ બે પ્રકારની ટેબ્લેટ્સનું વિતરણ કર્યું: ગિલોય (લીમડાની ગળો) ઘનવટી અને મહાસુદર્શન ઘનવટી. આયુર્વેદ તો આ બેઉ ઔષધને ઉત્તમ રોગપ્રતિકારક કહે જ છે, ભારત સરકારના આયુષ મંત્રાલયે પણ આ બેઉ દવાને શ્રેષ્ઠ રોગપ્રતિકારક અને શ્રેષ્ઠ દવા ગણાવ્યા છે.
કોરોનાકાળમાં એક ચર્ચા બહુ ચાલી: “શું સેવાનાં ફોટો ખેંચાવવા જરૂરી છે, શું મૌન રહી ને સેવા ન થઈ શકે? પાવલીની સેવા કરી ને સો રૂપિયાનો પ્રચાર કરતા લોકોની આપણે ત્યાં કમી નથી. આવા સમયે મૌલેશભાઈએ પોતાની આ અનોખી સેવાની એક સાદી પ્રેસનોટ પણ આપી નથી. સવાલ એ છે કે, તો આ વિગત મારી પાસે ક્યાંથી આવી? મેં શા માટે લખ્યું? બન્યું એવું કે, એમને ત્યાંથી કોઈ વ્યક્તિ મને આ ગોળીઓ આપવા આવી હતી. મેં સહજભાવે એમને આભારનો ફોન કર્યો, બધું જાણ્યું, લખવાની એમણે ના કહી હોવા છતાં આ લખ્યું.
મૌલેશ ઉકાણી આમ તો સામાજિક જવાબદારીઓ નિભાવવામાંથી ક્યારેય પીછેહઠ કરતા નથી. પણ, કોરોનાકાળમાં તેમણે સેવા બાબતે અમલમાં મૂકેલા આ નવતર વિચારની નોંધ ખાસ્સી લેવાઈ રહી છે. કોરોના ફેલાયો ત્યારે એમને આ પ્રકારે લોકોની ઇમ્યુનિટી વધારવા માટે કામ કરવાનો વિચાર આવ્યો. બાન લેબ્સ આ દવાઓ બનાવતી નથી, તેમણે અન્ય એક કંપનીને કામગીરી સોંપી, રાજપીપળાના જંગલોમાંથી લીમડાની ગળો મેળવી અને મોટાપાયે ઉત્પાદન ચાલું કરાવ્યું. આ દવાનું તેમણે કોરોના વોરિયર્સને વિતરણ કર્યું. લોકો વચ્ચે જેમને સતત રહેવું પડતું હોય, ચેપ લાગવાનું જોખમ સૌથી વધુ હોય, એવા લોકોને તેમણે બેય પ્રકારની ટેબ્લેટ્સ પહોંચાડી. પોલીસ વિભાગમાં, કલેકટર ઑફિસ, વિવિધ સરકારી વિભાગો, મીડિયા ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં પણ આ દવાઓ એમણે મોકલી અને પોતાની જવાબદારી નિભાવી.
આ દવાઓ સસ્તી નથી. ગિલોય (ગળો)ના ગુણગાન એટલા ગવાય છે કે, તેનાં ભાવ આસમાને છે. વળી આ દવા સાદી ટીકડી નથી, ઘનવટી છે. મતલબ કે, એક્સ્ટ્રેક્ટ સ્વરૂપમાં. તેની અસર તીવ્ર હોય. બેય દવા વિશે આયુર્વેદમાં, અનેક ગ્રંથોમાં ખૂબ વર્ણન છે, તેનો મહિમા અપાર છે. મૌલેશભાઈને વિચાર આવ્યો, અમલ કર્યો અને ઢંઢેરો પણ ન પીટયો, એ વાતનો મહિમા પણ કમ ન ગણાય.