હાલમાં મોરારિબાપુની ચર્ચા ખુબ જ થઈ રહી છે. ત્યારે પૂર્વ IPS અધિકારી રમેશ સવાણીએ પણ કહ્યું છે કે, જેમ રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન આ બધા ફિલ્મ કલાકાર છે પરંતુ સંત નથી અથવા તો પૂજનીય નથી. એવું જ મોરારીદાસ વિશે પણ કહી શકાય કે, તે કથાકાર છે અથવા કલાકાર છે પરંતુ સંત નથી અથવા તો પૂજનીય નથી. ધર્મની વાતો કરનાર જો ભગવા કપડાં પહેરે અને કાળી કામળી ખંભે રાખે તો લોકો એને પૂજ્યભાવથી જોવા લાગે છે અને અવતારી પુરુષ માનવા લાગે છે. પરંતુ એમાંથી આશારામ જેવા લોકોનો જન્મ થાય છે. જો કોઈ પણ સારો વક્તા હાથમાં માળા લઈ લે, કપાળે લાંબા ચાંદલા કરે તો લોકો એને સાંભળવા માટે ઘેલાં થઈ જાય છે.
સમગ્ર દુનિયામાં કોઈ પણ માણસ જ્યારે આર્થિક કે સામાજિક સમસ્યાનો સામનો કરતો હોય ત્યારે ભગવાન કે અલ્લાહ યાદ આવી જાય છે. આ વાતનો જ ગેરલાભ કથાકારો, સ્વામિઓ, બાપૂઓ અને પાદરીઓ ઊઠાવે છે. ધર્મ એક એવું અફીણ છે કે, જેના નશામાં રહેવું લોકોને ગમે છે. ધર્મનો ધંધો કરનારાઓને એક મોટો ફાયદો એ છે કે, તેમને રો-મટિરિયલનો કોઈ ખર્ચ થતો નથી. કથાકારો, સ્વામિઓ, બાપૂઓને માત્ર જે ધાર્મિકગ્રંથો છે એમાંથી જ પ્રસંગો ઉપાડીને સંગીત, શાયરીઓ સાથે રજૂ કરવાના રહે છે. આમ કથાકારો ભક્તોના તન, મન, ધનના માલિક બની જાય છે.
આ ધાર્મિક લૂંટમાં લૂંટાનાર વ્યક્તિ ખુશ થઈને લૂંટાવા માટે ત્યાર થઈ જાય છે. વાસ્તવમાં આવા કોઈ કથાકારો કોઈ પ્રકારે બાપૂ નથી પરંતુ ડાકૂ જ છે. રામ વનવાસમાં ગયા ત્યારે અનેક મુશ્કેલીઓ સહન કરી. કથાકારો એરકન્ડિશન વ્યાસપીઠ ઉપર બેસીને એનું વર્ણન કરતા ખુદ રડે છે અને શ્રોતાઓને રડાવે છે. રામે પોતાનો રથ છોડી દીધો હતો, પગપાળા ગયા હતા; પણ કથાકારો ચાર્ટર્ડ પ્લેનમાં, એરકન્ડિશન કારમાં બેસીને કથા કરવા માટે જાય છે. રામ દુશ્મનો સામે લડ્યા હતા. જયારે કથાકારો દુશ્મનોથી ઘેરાયેલા રહે છે. કથામાં શુદ્ધ પવિત્રતાની વાતો કરે પણ કથા-આયોજનમાં વપરાતું કાળુનાણું એમને દેખાતું નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, મોરારીદાસને સંત માનવા તે મોટો ભ્રમ છે ! સંત તો હંમેશા ન્યાયના પક્ષે હોય અને અન્યાયની સામે હોય. મોરારીદાસ સરકારી કથાકાર છે. એમણે નકલી એન્કાઉન્ટરનો વિરોધ કર્યો નથી. એમને ખેડૂતોની આત્મહત્યા અંગે ચિંતા વ્યક્ત કરી નથી. લાખો શ્રમિકોને રોડ ઉપર રઝળતા મૂકનાર તંત્ર વિશે બે શબ્દો કહ્યા નથી.
કોરોના મહામારીમાં દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ભટકવું પડે છે. અને તેમના ટેસ્ટ પણ કરાતા નથી, ખાનગી હોસ્પિટલો દર્દી પાસેથી 7-8 લાખ પડાવે છે તે અંગે તો મોરારીબાપુ મૌન ધારણ કરેલ છે. મોંધી શિક્ષણ ફી અંગે કોઈ ટીકા કરતા નથી. નોટબંધી અને લોકડાઉનના કારણે કેટલાંય કુટુંબો વીખરાઈ ગયા, તે અંગે અત્યાર સુધી કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. તેવા કથાકારોને કઈ રીતે સંત કહી શકાય?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news