શારીરિક ક્રિયાઓ ઘટી જવાને કારણે આજકાલના લોકોના હાડકાનું બંધારણ નબળું થતું જઈ રહ્યું છે. લાઈફસ્ટાઈલમાં રહેલાં કેટલાક એવા પરિબળો હાડકાંને ભયંકર રીતે નબળા બનાવી રહ્યા છે જેની વ્યક્તિને ભાળ પણ હોતી નથી. જેથી આજે અમે તમને આ વિશે જણાવીશું કે કઈ રીતે તમારી જીવનશૈલી તમારા હાડકાને નબળા કરી રહી છે, તેનાથી બચવા માટે શું કરવું જોઈએ.
લાઇફ-સ્ટાઇલ વ્યવસ્થિત ન હોવાને કારણે હાડકાં પર ખરાબ અસર થાય છે એ નિશ્ચિત છે, પરંતુ એવાં કયાં પરિબળો છે જેને કારણે હાડકાં પર અસર થઈ શકે છે એ આજે જાણીએ. આપણે એક વસ્તુ સમજવી જરૂરી છે કે જે જિનેટિક પ્રોબ્લેમ્સ એ કુદરતી રીતે જે અમુક ઉંમર પછી બોન લોસ થાય છે એને માટે આપણે કશું જ કરી શકવાના નથી. જેમાં આપણે ફેરફાર કરી આપણાં હાડકાંને વ્યવસ્થિત રાખી શકીએ છીએ એ એક માત્ર લાઇફ-સ્ટાઇલ જ છે જેમાં નાના-મોટા બદલાવ લાવી આપણે આપણાં હાડકાંને મજબૂત રાખી શકીએ એમ છીએ.
હાડકાને હમેશા સ્વસ્થ રાખવા આટલું અનુસરો
વહેલી સવારે ૪૫ મિનિટ ચાલવું જોઈએ અથવા ગાર્ડનમાં સૂર્યપ્રકાશ મળે એ રીતે સૂર્યનમસ્કાર, યોગ કે બીજી કોઈ પણ એક્સરસાઇઝ કરો, જેથી શરીરને એક્સરસાઇઝ મળી રહે અને સવારનો કૂણો તડકો વિટામિન Dની કમી પૂરી કરે.
દર ૬ મહિને કે વર્ષે વિટામિન D, વિટામિન B12 અને કેલ્શિયમની ટેસ્ટ કરાવતા રહો. કોઈ ઊણપ આવે તો તરત ડોક્ટરને મળો.
બને એટલું કામ જાતે કરો. શરીરને કસી શકાય એવી જીવનશૈલી અપનાવવાની કોશિશ કરો.
લિફ્ટને બદલે દાદરા વાપરો, અઠવાડિયે એક વાર ઘરની સફાઈ જાતે કરો, બજારમાંથી વસ્તુ જેમ કે શાકભાજી કે ફળો ફોન પર ઓર્ડર કરવાને બદલે ખુદ ખરીદીને ઉપાડીને ઘરે લાવો. આવા નાના ચેન્જ પણ મોટો ફાયદો આપે છે.
તમારું વજન વધે નહીં એની ખાસ કાળજી રાખો. વજન વધારે હોય તો વ્યવસ્થિત ડાયટ અને એક્સરસાઇઝ દ્વારા ઓછું કરો.
લાઇફ-સ્ટાઇલની અસર આપણા શરીર પર પડે છે એ વાત સાથે આજે બધા જ સહમત છે, પરંતુ લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવવો, એને હેલ્ધી બનાવી રાખવી દરેક માટે શક્ય નથી બનતું. કારણ કે સમયની સાથે આપણી રહેણીકરણી ખૂબ બદલાઈ ગઈ છે.
માણસ પોતાને બધા પ્રકારની સગવડો આપવાની દોડમાં છે ત્યારે તે ભૂલી ગયો છે કે શરીર એક એવું મશીન છે જેને કસવું જરૂરી છે. જેટલી સગવડો વધી રહી છે એટલો શારીરિક શ્રમ ઘટી રહ્યો છે અને જેટલો શ્રમ ઘટશે એટલી શારીરિક સમસ્યા વધશે.
ઓબેસિટી
સામાન્ય રીતે આજની આપણી જીવનશૈલી એવી છે કે કોઈની પાસે સમય હોતો જ નથી. આપણે બધા જ વ્યસ્ત છીએ, કંઈક અંશે એક્ટિવ છીએ પરંતુ ફિઝિકલી એક્ટિવ નથી. આપણી પાસે સગવડો એટલી વધી ગઈ છે જેને કારણે આપણને આપણા શરીરનો વધુ ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.
પહેલાં લોકો શ્રમ કરીને જ રોજગાર ચલાવતા અને આજે ઓફિસમાં ખુરશી પર બેસીને કામ થાય છે. પહેલાં ઘરનું બધું કામ જાતે કરવું પડતું, આજે એ કામ કરવા મશીન આવી ગયાં છે. આ બધાની અસર હાડકાં પર થાય છે. ‘બેઠાડુ જીવન સાથે આમ તો ઘણા રોગ સંકળાયેલા છે, પરંતુ ફક્ત હાડકાંની વાત કરીએ તો ઓબેસિટી એક મોટો પ્રોબ્લેમ છે જે બેઠાડુ જીવનને કારણે થાય છે અને હાડકાંને અસરકર્તા છે. વધુ પડતા વજનની મુખ્ય અસર બે હાડકાં પર થાય છે, એક ઘૂંટણનું અને બીજું કરોડરજ્જુનું હાડકું. આ બન્ને હાડકાંઓ પર જે વજનનો વધારાનો લોડ પડે છે એને લીધે હાડકાંના ઘણા પ્રોબ્લેમનો સામનો ખૂબ નાની ઉંમરે કરવો પડે છે.’
વિટામિન D
ભારતમાં વર્ષના બારેમાસ સૂર્યપ્રકાશ રહે છે છતાં આજે ૫૦ ટકાથી વધુ લોકોને વિટામિન Dની ઊણપ જોવા મળે છે. એ ઉપરાંત શાકાહારી લોકોમાં વિટામિન B12ની ઊણપ પણ જોવા મળે છે. આ બન્ને વિટામિન કેલ્શિયમ અને બીજાં ખનીજ તત્વોના પાચન અને એના શોષણ માટે ખૂબ જ અગત્યનાં છે. જેની ઊણપનાં કારણે આજકાલ મોટા ભાગના લોકો એવું જીવન જીવે છે જેમાં સૂર્યપ્રકાશનું એક્સપોઝર તેમને મળતું જ નથી. એમાંય કોસ્મેટિક કારણોસર લોકો સન્સ ક્રીમ લગાડે છે જેને કારણે ત્વચાને સૂર્યપ્રકાશ મળે છે, પરંતુ એ વિટામિન D બનાવી શકતી નથી. દરરોજ ફક્ત ૨૦ મિનિટ સૂર્યપ્રકાશ મળે તો શરીરની વિટામિન Dની પૂર્તિ થઈ શકે છે જે માટે સજાગ થવાની જરૂર છે.
બેઠાડુ જીવન
હાડકાંની હેલ્થ જાળવવી હોય તો ફિઝિકલ એક્ટિવિટી અત્યંત આવશ્યક છે. હાડકાંને મજબૂત રાખવાનો એકમાત્ર ઉપાય એક્ટિવિટી છે. જેટલા આપણે ફિઝિકલી એક્ટિવ રહીએ એટલાં જ હાડકાં વધુ મજબૂત થાય. જેટલો આપણે એનો ઉપયોગ ઓછો કરીએ એટલાં હાડકાં નબળાં રહે. આજના સમયમાં જ્યારે આપણી સગવડો આપણને ફિઝિકલી એક્ટિવ બનાવવામાં આડી આવે છે ત્યાં દિવસનો એક કલાક એક્સરસાઇઝને આપવો જરૂરી બને છે. પછી એ એક્સરસાઇઝ સામાન્ય વોકિંગ હોય કે વજન ઉપાડીને કરવામાં આવતી હેવી એક્સરસાઇઝ હોય. ઓફિસમાં ૯થી ૧૦ કલાક કામ કરવાનું ટાળી ન શકાય તો એની અવેજીમાં ૧ કલાક એક્સરસાઇઝ કરવાનો ઓપ્શન અપનાવવો જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.