રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરની સવિતા હોસ્પિટલમાં સારવાર કરતી વખતે બ્રેઇનડેડ જાહેર કરવામાં આવેલ હાલોલની કિશોરીનું હાર્ટ, ફેફસા, 2 કિડની, 2 ચક્ષુ તથા લિવરનું દાન કરવામાં આવ્યું હતું.
હાર્ટ દિલ્હી તથા ફેફસા મુંબઇ હવાઇ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું કુલ 6.8 કિ.મી.નું અંતર માત્ર 8 મિનિટમાં કાપીને વિમાની મથકે પહોંચાડવામાં આવ્યા હતા. આની સાથે જ કિડની, ચક્ષુ તથા લિવર પણ ગ્રીન કોરીડોર કરીને અમદાવાદમાં આવેલ IKD હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. એકસાથે કુલ 7 અંગોનું દાન કરવાનો વડોદરાની આ સૌપ્રથમ ઘટના છે.
મારી દીકરીના અંગદાનથી ગૌરવ અનુભવુ છું: માતા
કિશોરીની માતા ક્રિમાબહેન શાહ જણાવતાં કહે છે કે, મારી ઇચ્છા હતી કે મારા મૃત્યુ પછી મારા શરીરના બધાં જ અંગોનું દાન કરીશ પરંતુ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે, મારી પહેલાં મારી દીકરી નંદનીના અંગોનું દાન કરવાનો વારો આવશે.
મારા મૃત્યુ પછી મારા શરીરના અંગોનું દાન કરવાનો વિચાર કર્યો હતો પણ મારા અંગો પહેલાં મારી દીકરીના અંગોનું દાન કરવાનો વારો આવ્યો. એમ છતાં મને ગૌરવની સાથે જ દીકરીની વિદાયનું દુઃખ પણ છે. મારા 2 સંતાનોમાં નંદની મોટી દીકરી હતી. જયારે ધ્યેય મારો નાનો દીકરો છે.
મારી દીકરી મને તથા તેના પિતાને જીવથી પણ વધુ વ્હાલી હતી. એની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરતા હતા. તે જણાવતી હતી કે, હું ધોરણ 12માં પણ સારા ટકાએ પાસ થઇશ પણ હું મેકઅપ આર્ટીસ્ટ બનીશ. તેમ જણાવી પતિના ખભા ઉપર માથું મુકી હૈયાફાટ રૂદન કરતી માતા-પિતાએ દીકરીના અંગોને હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.
કિશોરીના માતા-પિતા દીકરીના અંગોનું દાન કરવા માટે તૈયાર હતા :
સવિતા હોસ્પિટલના વહીવટી વિભાગના ડો. તરંગ શર્માએ કહ્યું હતું કે, નંદનીને બ્રેઇનડેડ હોવાનું જાહેર થયા પછી હોસ્પિટલની કાઉન્સેલિંગ કરતી ટીમ દ્વારા નંદનીના માતા-પિતાને નંદનીના અંગોનું દાન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.
નંદનીના માતા-પિતા પણ દીકરીના અંગોનું દાન કરવા માટે તૈયાર હતા. જેને લીધે હોસ્પિટલની ટીમ દ્વારા અંગો સમયસર યોગ્ય સ્થળે પહોંચી જાય તેની માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આની સાથે જ શોકનો માહોલ ફરી વળ્યો હતો.
હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું કુલ 6.8 કિમી અંતર માત્ર 8 મિનીટમાં કાપીને હાર્ટ-લંગ્સ પહોંચાડ્યા :
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોરીડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું કુલ 6.8 કિમીનું અંતર માત્ર 8 મિનીટમાં કાપીને હાર્ટ તથા લંગ્સ પહોંચાડવામાં આવ્યા હતા. જયારે આ જ રીતે કિડની, ચક્ષુ તથા લિવર હોસ્પિટલથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા.
વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ IKD સુધીનું કુલ 130 કિમીનું અંતર ગણતરીની મિનિટોમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં શહેર પોલીસ તંત્રના ASI રમેશભાઇ,વિજયભાઇ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ, ડ્રાઇવર રફીકભાઇ તેમજ પ્રજ્ઞેશભાઇ જોડાયા હતા.
માતા-પિતાના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલમાં પણ સન્નાટો પથરાઈ ગયો :
નંદનીની એક બાદ એક અંગોને હોસ્પિટલમાંથી લઇ જવામાં આવ્યા ત્યારે માતા-પિતા પોતાના આંસુ રોકી શક્યા ન હતા. માતા-પિતાના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલમાં પણ સન્નાટો પથરાઈ ગયો હતો. સવિતા હોસ્પિટલની નર્સો દીકરીના વિલાપ કરી રહેલ માતા-પિતાને સાંત્વના આપવા માટે દોડી ગયા હતા. માતા-પિતાને હિંમત રાખવા માટે જણાવી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle