હાલના વિદ્યાર્થીઓ 10 અને 12 ની પરીક્ષામાં ફેલ થવાંથી હાર માની જતા હોય છે તેમજ ઘણીવાર તો આપઘાતનું પગલું ભરી લેતાં હોય છે ત્યારે આવા વિદ્યાર્થીઓની માટે એક પ્રેરણારૂપ જાણકારી સામે આવી છે. રાજ્યમાં આવેલ પાટડીના ડૅપ્યુટી કલેક્ટરના રોજમદાર ડ્રાઇવરની દીકરીએ પોલીસ કોન્સ્ટેબલ તથા CRPFમાં પસંદગી પામીને માલધારી સમાજને ગૌરવ અપાવ્યું છે.
ભાવના ખાંભલા હાલમાં વડોદરામાં હથિયારધારી કોન્સ્ટેબલની તાલીમ લઈ રહી છે. ભાવનાએ જે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, તેની પાછળનો સંઘર્ષ ખુબ પ્રેરણાદાયી છે. સગરામભાઈ ખાંભલાના કુલ 5 સંતાનમાંની ભાવનાએ આર્થિક સહયોગ આપવા માટે આગળનો અભ્યાસ મૂકી દેવો પડ્યો હતો.
સપનું સાકાર કરવા માટે મજૂરીકામ કરીને પણ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. 2 વિષયમાં નાપાસ થવા છતાં હિંમત હાર્યા વગર બીજા પ્રયાસે ધો 12માં ઉત્તીર્ણ થઈ હતી. ભાવનાએ કહ્યું હતું કે, મેં આર્મીમેન અબ્દુલભાઈ કુરેશીના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ તથા CRPFની પરીક્ષા પાસ કરી હતી.
UPSC પાસ કરવા રાત્રે 1 વાગ્યે પણ હું દોડવા જતી હતી: ભાવના
ભાવના ખાંભલા જણાવતાં કહે છે કે, કોઈને સુખ હોય, કોઈને દુ:ખ હોય. મમ્મી-પપ્પા પાસે મેં 1 વસ્તુ માગી છે તો 2 વસ્તુ મળી છે. ધોરણ 1થી 6 સુધી મેં દુ:ખ નહોતું જોયું પણ 8મા ધોરણ બાદ પપ્પાની પરિસ્થિતિ એવી હતી કે મારે 9મા ધોરણથી કડિયાકામ શરૂ કરી દેવું પડ્યું હતું. મેં સતત 3 વર્ષ સુધી કડિયાકામ કર્યું હતું. મને હાલમાં પણ કામ કરવામાં કોઈ જ શરમ આવતી નથી.
જીવનમાં કોઈ લક્ષ્ય હોવું જોઈએ તેમજ મારું લક્ષ્ય UPSCની પરીક્ષા પાસ કરવાનું હતું. આની માટે પૈસાની ખુબ જરૂર હતી. પૈસા કમાવા માટે ઘરની પરિસ્થિતિ નહીં જોવાની તથા મા-બાપને પણ ટોર્ચર નહીં કરવાનાં. મેં મારા અભ્યાસનો ખર્ચ જાતે કાઢવાનું નક્કી કર્યું હતું. મેં રસોઈયાની નોકરી પણ કરી છે તેમજ હાલમાં પણ હું નોકરી કરું છું.
દેવું કરીને ભણીએ તો ભાર વધે, એની કરતાં જાતે કમાઈ લેવું. મને કડિયાકામ કરવામાં કોઈ જ શરમ ન હોતી આવતી. પરીક્ષા પાસ કરવી હતી એટલે હું સવાર, સાંજ તેમજ ક્યારેક તો રાત્રે 1 વાગ્યે પણ દોડવા માટે જતી હતી. હાઈસ્કૂલમાં છોકરીઓ અભ્યાસ કરવાં આવતી ન હતી એમ છતાં મેં સતત 1 વર્ષ મહેનત કરી. લોકો હાલમાં મારા વિષે ગમે તે કહેતા હોય પરંતુ જ્યારે હું મારું લક્ષ્ય પૂરું કરીશ ત્યારે એ જ લોકો મને યોગ્ય ગણાવશે.
ગાંધીજીનું પુસ્તક ‘સત્યના પ્રયોગો’ વાંચીને મેં પણ ડાયરી લખવાની શરૂઆત કરી છે. મને લખતાં આવડતું ન હતું એમ છતાં હું પ્રયાસ કરતી, અંગ્રેજી ન હતું આવડતું પણ મારે એ શીખવું જરૂરી છે એટલે હું શીખું છું. ઘણીવખત રડવાનું, મહેનત કરવાનું છોડી દેવાનું મન થાય પરંતુ હું ક્યારેય હિંમત ન હતી હારી.
સગરામભાઈએ કહ્યું હતું કે, મારી દીકરીએ આકરી મહેનત કરીને કોન્સ્ટેબલ તથા CRPFની પરીક્ષા પાસ કરીને પરિવારનું ગૌરવ વધાર્યું છે. સરકારી કન્યા શાળાના શિક્ષક રોહિત ઝોલાપરા જણાવતાં કહે છે કે, ભાવનાએ ‘સત્યના પ્રયોગો’ વાચ્યા પછી પુસ્તકો સાથે દોસ્તી શરૂ કરીને ઘરમાં જ નાની લાઇબ્રેરીની શરૂઆત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle