હાલમાં રાજકોટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 105 વર્ષના કોરોના સંક્રમિત બા કહે છે કે, ‘દિકરા, કોરોના મારૂં કશું બગાડી નહીં શકે.., મને કશું થવાનું નથી, તું જોજે ને હું સાજી નરવી થઈને ઘેર જઈશ..’ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા સચિનના 105 વર્ષના કોરોનાગ્રસ્ત ઉજીબાએ જ્યારે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે તેમની સારવાર કરતાં ડોકટરને તેમનો આત્મવિશ્વાસ જોઈ સુખદ આશ્ચર્ય થયું હતું. તેમની ઉંમર અને ઉપરથી કોરોના જેવો ગંભીર ચેપી રોગ જોતા માજી સ્વસ્થ થશે કે કેમ એ વિષે તેઓ શંકાશીલ હતા.
આખરે ઉજીબાના આ શબ્દો સાચા ઠર્યા જ્યારે માત્ર નવ દિવસની સારવાર મેળવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. એમ પણ કહી શકાય કે, મક્કમ મનોબળના ઉજીબા સામે કોરોનાએ શરણાગતિ સ્વીકારી. માજી સ્વસ્થ થતાં પરિવારમાં ખુબ જ આનંદ છવાયો છે. દાદીમાએ મક્કમ મનોબળથી કોરોનાને મ્હાત આપી છે. 105 વર્ષે આ ઉજીબા યુવાનોને પણ શરમાવે એવી ઉર્જા સાથે અડીખમ છે.
આ વાત મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતાં ઉજીબેન ગોંડલીયાની છે. જાણવા મળ્યું છે કે, તેઓ 19 સભ્યોના સંયુક્ત પરિવાર સાથે રહે છે. ગામડાના મહેનતકશ જીવન, સ્વચ્છ વાતાવરણ, શુદ્ધ અને સાત્વિક આહારના કારણે કોરોના સામે ઝીંક ઝીલી ખુબ ઓછા દિવસોમાં વિજયી થયાં. કોરોનાને મ્હાત આપનાર દાદીમાં બીજું વિશ્વયુદ્ધ, આઝાદીની લડાઈ, અનેક હોનારતો, ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહ્યાં છે.
ઉજીબાના 55 વર્ષીય પુત્ર ગોવિંદભાઈ ગોંડલીયા ‘હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ’ના ડિરેક્ટર અને સચિન પાટીદાર સમાજના પ્રમુખ છે. તેઓ જણાવે છે કે, મારી માતા ઉજીબાએ ખેતીમાં તનતોડ મહેનત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, માતા ગામડે ખેતરમાં જાતે હળ અને સાંતી ચલાવતા, પાણી વાળતા અને બળદગાડું પણ ચલાવતા.
કડકડતી ઠંડી કે ઉનાળાનો બળબળતો તાપ હોય તો પણ મહેનત કરવામાં ક્યારેય પાછી પાની કરે નહીં. આજે પણ કોઈને ચીંધવા કરતાં પોતાનું તમામ કામ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. આ ઉંમરે તેમની શ્રવણશક્તિ અકબંધ છે. ગ્રામ્યજીવનના શુદ્ધ વાતાવરણ તેમજ દેશી ખોરાકના કારણે તેમને ભાગ્યે જ દવાખાને લઈ જવા પડ્યા છે.
ગોવિંદભાઈ કહે છે કે, ઉજીબાના સગા ભાઈઓ એટલે કે મારા બે મામાઓ પૈકી એક 108 વર્ષ અને એક 103 વર્ષ જીવ્યા. જ્યારે એક માસી 101 વર્ષ જીવ્યા. અમારા વડીલો ગામડાની પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાથી દીર્ઘાયુ છે. વૃદ્ધાવસ્થાને કારણે વડીલોની સર્જરી-ઓપરેશન સફળ નથી થતાં, પરંતુ 97 વર્ષની ઉંમરે પડી જવાથી માતાનો થાપાનો ગોળો ફાટી ગયો, જેનું ઓપરેશન કરીને સ્ટીલનો ગોળો નંખાવ્યો હતો. અમારા સંયુક્ત પરિવારમાં માતાની છત્રછાયા જળવાઈ રહી છે એનો સવિશેષ આનંદ છે.
સમર્પણ હોસ્પિટલમાં માજીની સારવાર કરનાર ડો.અનિલ કોટડિયા જણાવે છે કે, તા.11ના રોજ રિપોર્ટ પોઝિટીવ આવતાં ઉજીબાને દાખલ કરવામાં આવ્યા હતાં. તાવ, શરદી, નબળાઈ જેવા લક્ષણો હતાં, જેથી યોગ્ય સારવાર શરૂ કરી અને 14મી એપ્રિલથી જ તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે પણ અમે ચેકઅપ અને દવા આપવા જતાં ત્યારે હંમેશા હસતા મુખે કહેતા કે ‘દિકરા, કોરોના મારૂં કશું બગાડી નહીં શકે.., આ કોરોના-ફોરોનાથી મને કશું થવાનું નથી.’
આ ઉપરાંત દાદીના મોં પર હમેશાં હાસ્ય રહેતુ હતું. અને સ્ટાફ સાથે હસતા મુખે વાતચીત કરતાં. તેમની રિકવરી જોઇને હું ચોક્કસપણે કહું છું કે, કોરોના કરતાં તેનો ડર ગંભીર છે. તણાવમુક્ત રહી સારવાર લેવામાં આવે તો અનેકગણો ફાયદો થાય છે. જો 105 વર્ષના દાદીમાં કોરોનાને હરાવી શકતાં હોય તો આપણે કેમ ન હરાવી શકીએ.? ઉજીબાએ શીખવ્યું છે કે, મક્કમ મનોબળ હોય તો કોરોનાને પણ હાર માનવી પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.