રાજ્યના સુરત શહેરમાંથી અવારનવાર કેટલીક હત્યાની તથા ગુનાખોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. દિન-પ્રતિદિન સતત વધતી જઈ રહેલ આવી ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે કે, સુરત જાણે ગુનાખોરીનું કેન્દ્ર બની ગયું છે ત્યારે આવી જ અન્ય એક ઘટનાને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.
માસુમ બાળકોને એકલતામાં છોડીને ઘરની બહાર જતા માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં આવેલ પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષની બહેને 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું હોવાની ચોંકાવનાર ઘટના સામે આવી છે. માસુમ બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા તાત્કાલિક બાળકોના નિષ્ણાત તબીબોને કેસ રીફર કરી દેવામાં આવ્યો છે.
પાડોશીએ માતાને જાણ કરી:
માતા જણાવે છે કે, હું 4 વર્ષની દીકરીના ભરોસે 2 વર્ષના પ્રિન્સને છોડીને માર્કેટમાં સામાન લેવા માટે ગઈ હતી. પાછા ફરતી વખતે પડોશીએ જણાવ્યું કે, બહેને ભાઈને બોટલમાંથી એસિડ કાઢીને પીવડાવી દીધું છે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયાં હતાં. કઈ સમજ પડતી ન હતી.
પાડોશીઓએ એમ્બ્યુલન્સને કોલ કરતા સિવિલ આવ્યાં હતાં. હાલમાં મોટા નિષ્ણાત તબીબો પાસે લઈ જવાનું કહેવામાં આવ્યું છે. તેઓ બિહારના રહેવાસી છે તેમજ છેલ્લા 3 વર્ષથી સુરતમાં રહે છે. પતિ કાપડ બજારમાં મજૂરી કામ કરે છે. ઘટનાની જાણ થતાંની સાથે જ એમ્બ્યુલન્સ પાંડેસરા-1 લોકેશન ની ગાડી આવી ગઈ હતી.
બાળકને સ્વરપેટી તથા અન્ન નળીમાં નુકસાન થઈ શકે:
ડો. નિશા ચંદ્રા જણાવે છે કે, માતા જ કહે છે કે, ભાઈને બહેને એસિડ પીવડાવી દીધું છે. જો આવું હોય તો ચોક્કસપણે બાળકની સ્વર પેટી તેમજ અન્ન નળીને નુકશાન થઈ શકે છે. જો કે, હાલમાં બાળકને બાળ નિષ્ણાત તબીબ પાસે રીફર કરી દેવામાં આવ્યું છે.
માતા-પિતા માટે આ ચિંતાજનક તેમજ જાગૃતતા સમાન કિસ્સો કહી શકાય છે. બાળકોને એકલા છોડીને બહાર જવાની ભૂલ અથવા તો નાના ભાઈ બહેનને એકબીજા ના ભરોસે મૂકી જવાની ભૂલ ક્યારેય કરવી ન જોઈએ. હાલમાં બાળક ભાનમાં છે એમ છતાં એક્સપર્ટ અભિપ્રાય વિના કશું પણ કહી શકાય નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.