ભણવા જતાં વિધાર્થીને ભરખી ગયો કાળ- સુરતમાં ટ્રકચાલકે ટ્યૂશને જતા બાળકને કચડાતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

Surat News: સુરતમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં(Surat News) પિતા મુકવા આવી ન શકતા ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઘરેથી મોપેડ લઇને ટ્યુશન જવા નીકળ્યો હતો. જે દરમિયાન ટ્રક સાથે અકસ્માત થતાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. દીકરાના મોતથી પિતા અને પરિવાર આઘાતમાં સરી પડ્યાં છે. પિતાએ યોગ્ય તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે અને દોષીઓને સજા થાય તેવી માગ કરી છે. સાથેજ વાલીઓને અનુરોધ કર્યો છેકે ક્યારેય બાળકોને વાહન ચલાવવા માટે ન આપો. જેથી આવો અકસ્માત ન થાય.

દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ
મળતી માહિતી મુજબ સુરતના લીંબાયત સ્થિત ખાનપુર પાસે શેખ સમસુલ મંજુર આલમ પરિવાર સાથે રહેતો હતો અને ધો.10માં અભ્યાસ કરતો હતો. આજે સવારે તે મોપેડ લઈને ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. આ દરમ્યાન ટ્રકની અડફેટે આવતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.વિદ્યાર્થી ધો.10માં અભ્યાસ કરતો હતો અને બોર્ડની પરીક્ષા પહેલા અકસ્માતમાં તેનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બોર્ડની પરીક્ષા પહેલા અકસ્માત
વિદ્યાર્થી ધો.10માં અભ્યાસ કરતો હતો અને બોર્ડની પરીક્ષા પહેલા અકસ્માતમાં તેનું મોત નીપજ્યું છે. તેના પિતા જરી ડાયમંડનું કામ કરે છે. જ્યારે તેને અન્ય એક ભાઈ અને બે બહેન છે. અકસ્માતની આ ઘટનામાં લોકોએ ટ્રક ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પિતાએ જણાવ્યું કે મારા દીકરાને કાળ ખાઈ ગયો
વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે હું સુતો હતો ત્યારે મારો દીકરો સવારમાં ટ્યુશન જવા માટે સવારે 7.30 વાગ્યે ઘરમાંથી મોપેડની ચાવી લઈને ટ્યુશન જવા નીકળી ગયો હતો હું સુતો હતો એટલે તેને મુકવા જઈ શકયો ન હતો. આજે તે કહ્યા વગર ચાવી લઈને નીકળી ગયો હતો અને તેનું અકસ્માતમાં મોત થયું છે. વધુમાં તેઓએ વાલીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે હું દરેક વાલીઓને અપીલ કરું છું કે તમારા નાના બાળકોને વાહન ચલાવવા ન આપવું જોઈએ અને જાતે જ મુકવા જવું જોઈએ જેથી આવી રીતે અકસ્માત ન થાય.