જાણો કેવી રીતે આ માસ્ટરમાઈન્ડ યુવતીએ ગુજરાત પોલીસમાં નોકરી અપાવવાના નામે 40 યુવાનો પાસેથી ખંખેરી લીધા કરોડો રૂપિયા

હાલ ગુજરાતમાં ઠેર-ઠેર છેતરપીંડી કરનાર ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત પોલીસમાં નોકરી આપવાની લાલચ આપીને 40 યુવાનોનું 1 કરોડ 4 લાખ પડાવી લેનાર ગેંગ પૈકીના 4 આરોપીઓને બાતમીના આધારે સેક્ટર 19 પુનીતવન પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આઠ મોબાઇલ ફોન, નોકરીના ઓર્ડરો, ડુપ્લીકેટ આઈ કાર્ડ, કાર તેમજ રોકડ રકમ મળી કુલ 5.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. સુરતના પત્રકાર દ્વારા ગઈકાલે નોંધાવેલી ફરિયાદના પગલે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા ગણતરીનાં કલાકોમાં જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરતના કામરેજ ખાતે સુરભી રેસિડેન્સીમાં રહેતા અને સુરતના ગ્રાહક ચેતના સાપ્તાહિકમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા 20 વર્ષીય પ્રતાપ કૈલાશભાઈ જાટ સાથે પોલીસમાં નોકરી આપવાની લાલચ આપીને સિદ્ધાર્થ હિતેષભાઈ પાઠક, તેની પત્ની પૂજા પાઠક (જુનાગઢ), ગાંધીનગરનો કલ્પેશ પટેલ, રાહુલ લલ્લુવાડિયા (મણીનગર), મહેશ્વરી જગદીશભાઈ જાખરીયા (ચાંદખેડા) દ્વારા એકબીજાની મદદ કરીને 3.50 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આ અંગે સેક્ટર 21 પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવવા પામી હતી.

આ ફરિયાદના પગલે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમા તેમજ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જય વાઘેલાને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા સૂચનાઓ આપી દેવામાં આવી હતી. આ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમની સાથે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ ગુનાનો ભેદ ઉકેલવા કામગીરી શરુ કરવામાં આવી છે. આ દરમિયાન પીએસઆઇ વી.કે રાઠોડની ટીમના જમાદાર ઘનશ્યામ તેમજ જીગ્નેશકુમારને ઉપરોક્ત ગુના સંદર્ભનાં આરોપીઓ સેક્ટર 19ના પુનિત વન પાસે સ્વિફ્ટ કારમાં હોવાની ગુપ્ત બાતમી મળી હતી.

બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઉપરોક્ત સ્થળે દોડી ગયો હતો અને ગાડીને કોર્ડન કરી લીધી હતી. તેમજ સિદ્ધાર્થ દેશ પાઠક તેની પત્ની પૂજા તેમજ રાહુલ લલ્લુ વાડીયા અને મહેશ્વરી જાખરીયાની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગાડીની તલાશી લેતા ડેશબોર્ડ તેમજ ડેકીમાંથી અલગ-અલગ રેન્કનાં પોલીસના આઇડેન્ટી કાર્ડ 25 નંગ તેમજ લોકરક્ષક ભરતી બોર્ડના 25 ઓર્ડરો જુદા જુદા યુવાનોના નામના મળી આવ્યા હતા.

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે, સિદ્ધાર્થ પાઠક તેમજ તેની પત્ની પૂજા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું ખોટું કહીને પોલીસની નોકરી મેળવવા માટે માંગતા યુવાનો તેમજ સગા-સંબંધીને પોતાની જાળમાં ફસાવતા હતા. ત્યારબાદ પૂજાના પંજાબ ખાતે નાભાવાડામાં રહેતા મિત્ર અરિજિતસિંગ મારફતે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના સહી સિક્કાવાળા નિમણૂક પત્રો તેમજ અલગ-અલગ રેન્કના આઇડેન્ટી કાર્ડ બનાવી આપતો હતો. અત્યાર સુધીમાં ઉપરોક્ત આરોપીઓએ 40 જેટલા યુવાનોને પોતાની જાળમાં ફસાવી 1 કરોડ 4 લાખ પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પકડાયેલ આરોપીઓ પાસેથી 1 લાખ 85 હજારની કિંમતના આઠ મોબાઇલ, ડુપ્લીકેટ નિમણુક પત્રો તેમજ આઇડેન્ટી કાર્ડ, કાર તેમજ 61 હજાર રોકડ મળીને કુલ રૂપિયા 5.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત આ ગુનામાં નાસતા ફરતા ગાંધીનગરના કલ્પેશ પટેલ તેમજ અરિજિતસિંગને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, આ ગુનાની માસ્ટરમાઈન્ડ પૂજા પાઠક છે. જેના પિતા વિજયભાઈ જાદવ અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. પૂજા સોશિયલ મીડિયાના માધ્યમથી સિદ્ધાર્થ પાઠકના સંપર્કમાં આવી હતી અને બંનેએ લવ મેરેજ કરી લીધા હતા. આ દરમિયાન સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી પૂજા પંજાબના અરિજિત સિંગના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તે ગુજરાત પોલીસમાં નોકરી અપાવવા માટે યુવાનોને પોતાની જાળમાં ફસાવા માંડી હતી. જેથી ગુનાની મુખ્ય સૂત્રધાર પૂજા સિદ્ધાર્થ પાઠક હોવાનું ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *