Saputar News: સાપુતારામાંબે માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરવામાં આવી હતી. ત્યારે નવાગામના લોકોમાં ખુશી હતી. પરંતુ સાપુતારાની(Saputar News) કાયાપલટ કરવાનું સપનું જોનારા નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો બદલી નહીં અટકે તો ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન અને લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે.
ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો
સાપુતારામાં છેલ્લાં 10 વર્ષથી ઇનચાર્જ ચીફ ઓફિસર દ્વારા નોટિફાઈડ કચેરીનું સંચાલન કરવામાં આવતું હતું. જેના પગલે સાપુતારા અને નવાગામના કેટલાક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો. આથી બે માસ પહેલા જ સરકાર દ્વારા સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડો.ચિંતન વૈષ્ણવની વરણી કરવામાં આવી હતી. આ બે માસ દરમિયાન સાંઈ બજારના પ્રશ્નો, નવાગામના પાણી સહિતના પ્રશ્નો બાબતે તેમણે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
સાપુતારા બંધનું એલાન
તેમજ સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું હતું. પરંતુ સરકાર દ્વારા તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતાં નવાગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જો સરકાર દ્વારા બદલી રદ ન કરવામાં આવે તો સાપુતારા અને નવાગામના લોકોએ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સોમવારે સ્વંયભૂ બંધ પાળ્યું હતું.
ગેરકાયદે ધંધા કરનારાઓને નોટિસ આપવાનું ભાડે પડી ગયાની ચર્ચા
ડો. ચિંતનભાઈ વૈષ્ણવે સાપુતારામાં ચીફ ઓફિસર તરીકે ચાર્જ લીધા બાદ ગ્રામજનો સાથે મીટિંગ કરી હતી. એ બાદ સ્ટ્રીટ લાઈટ અને સાફ-સફાઈ જેવા અનેક પ્રશ્નોનો ગ્રામજનો ઉકેલ્યા હતા. સાપુતારામાં હજુ શું નવું કરી શકાય એ માટે સતત ચિંતન કરતા નવા ચીફ ઓફિસર સવાર પડતાની સાથે જ અલગ અલગ પોઇન્ટ ઉપર પગપાળા રાઉન્ડ મારવા નીકળી જતા હતા.
દરમિયાન કેટલીક કામગીરીમાં ક્ષતિઓ જણાય તો સલાહ સૂચના આપતા હતા. સાપુતારામાં ચાલતા કેટલાક ગેરકાયદે ધંધાર્થીઓને પણ તેમણે કદાચ સૂચના આપી દીધી હતી. આ બે માસના સમયગાળા દરમિયાન તેમણે હરણી જેવી દુર્ઘટના ન બને એ માટે સાપુતારા સર્પગંગા તળાવમાં ચાલતી બોટિંગ પ્રવૃત્તિના સંચાલકોને નિયમોનું પાલન કરવા તાકીદ કરવા સાથે નોટિસ પાઠવી હતી.
ઉપરાંત નોટિફાઇડ વિભાગમાં સિક્યુરિટી એજન્સી અને સાફસફાઈનો ઈજારો ધરાવતા ઈજારદારને પણ નોટિસ પાઠવી ખુલાસો કરવા તાકીદ કરી હતી. ત્યારે આવા બેનામી ધંધાર્થીઓને કારણે તેમનો ભોગ લેવાઈ ગયો હોવાની ચર્ચા હાલ સાપુતારામાં ઊઠી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App