BAPS Hindu Mandir in AbuDhabi: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. BAPS દ્વારા બનાવવામાં આવેલ આ હિન્દુ મંદિર(BAPS Hindu Mandir in AbuDhabi) ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. જેનું ઉદઘાટન ગઈ કાલે પીએમ મોદીએ કર્યું હતું. તમને જણાવી દઈએ કે અબુ ધામીમાં બનેલું આ પહેલું હિન્દુ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. સ્વામિનારાયણ મંદિરો દેશ અને વિશ્વના ઘણા ભાગોમાં બનેલા છે. પરંતુ અબુધાબીમાં પણ ભગવાન સ્વામિનારાયણને સ્થાન મળ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. આવી સ્થિતિમાં દરેક દેશવાસીઓ માટે આ ગર્વની ક્ષણ છે. ઉદ્ઘાટન બાદ લોકો ત્યાં દર્શન માટે આવવા લાગ્યા છે. દરમિયાન હાલમાં જ બુધવારે અક્ષય કુમાર પણ અબુધાબી પહોંચ્યા હતા અને ત્યાંના પહેલા હિન્દુ મંદિરમાં આશીર્વાદ લીધા હતા.આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વડાપ્રધાનનું મહંત સ્વામી મહારાજે પુષ્પહાર દ્વારા સ્વાગત કર્યું હતું, ત્યાર બાદ ડોમ ઓફ હાર્મની માં થઈને વડાપ્રધાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – ગુણાતીતાનંદ સ્વામી એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજના ખંડમાં પધાર્યા હતા અને મંદિર ના લોકાર્પણ ના સંકલ્પ અને સર્વે ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત અવતારોના વૈદિક પૂજન વિધિમાં જોડાયા હતા.તેમજ ભવ્ય અને દિવ્ય વૈશ્વિક આરતી માં બી એ પી એસ ના વિશ્વના તમામ મંદિરોમાં એક સાથે મહા આરતી કરવામાં આવી હતી. વડાપ્રધાને વૈશ્વિક મહાઆરતી બાદ સર્વે અવતારોના ગર્ભગૃહમાં – ભગવાન રાધા કૃષ્ણ, ભગવાન જગન્નાથ, ભગવાન તિરુપતિ બાલાજી, ભગવાન અયપ્પા સ્વામી, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી શિવ વગેરેને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.વિવિધ શિખરોના મંડોવરમાં અદભુત રીતે કોતરેલાં શિવ પુરાણ, ભાગવત પુરાણ, મહાભારત, રામાયણ વગેરેના કથાનકોને વડાપ્રધાને નિહાળ્યા હતા. ત્યાર બાદ અભિષેક મંડપમાં પધારીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પર તેમણે જલાભિષેક કર્યો હતો.
BAPSના સંતોએ બંને દેશોના વડાઓનું સ્વાગત કર્યું
યુ એ ઈ ના ટોલરન્સ મિનિસ્ટર શેખ નાહ્યાં બિન મુબારક અલ નાહ્યાં દ્વારા અભિવાદન સ્વીકારીને વડા પ્રધાન કાર્યક્રમના મુખ્ય સભાગૃહ માં પધાર્યા હતા. મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત આમંત્રિત બંને દેશોના રાષ્ટ્રગાનમાં જોડાયા હતા.ત્યારે BAPSના સંતોએ બંને દેશોના વડાઓનું સ્વાગત કર્યું હતું.
અક્ષય કુમાર અબુ ધાબીમાં
સામે આવેલા વીડિયોમાં અક્ષય કુમાર ઓફ-વ્હાઈટ પ્રિન્ટેડ કુર્તો પહેરેલો જોવા મળે છે. આ દરમિયાન, અભિનેતા કડક સુરક્ષા વચ્ચે મંદિરમાં પ્રવેશતા જોવા મળે છે. આ દરમિયાન તેમના ચહેરા પર સ્મિત પણ સ્પષ્ટપણે જોવા મળે છે. અક્ષય ઉપરાંત અભિનેતા વિવેક ઓબેરોય પણ આ મંદિરની મુલાકાતે આવ્યા હતા. આ સિવાય ગાયક શંકર મહાદેવન પણ હિન્દુ મંદિરના દર્શન કરવા UAE પહોંચ્યા હતા.
મંદિર એકદમ ભવ્ય છે
તમને જણાવી દઈએ કે અબુ મુરીખા વિસ્તારમાં સ્થિત આ મંદિર અંદાજિત 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ગુલાબી રાજસ્થાની સેંડસ્ટોન અને સફેદ ઇટાલિયન માર્બલ ભારતમાં કોતરવામાં આવ્યા હતા અને બાદમાં મંદિર બનાવવા માટે UAE મોકલવામાં આવ્યા હતા.અબુ ધાબી BAPS હિંદુ મંદિર UAE માં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર છે. આ મંદિર અને તેનું સંકુલ 27 એકર જમીનમાં ફેલાયેલું છે. BAPS હિન્દુ મંદિર અબુ ધાબીના અબુ મુરીખાહ જિલ્લામાં આવેલું છે. મંદિરનો શિલાન્યાસ એપ્રિલ 2019 માં કરવામાં આવ્યો હતો અને તે જ વર્ષે ડિસેમ્બરમાં નિર્માણ કાર્ય શરૂ થયું હતું. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 2015માં મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. તે પછી, UAE સરકારે જાન્યુઆરી 2019 માં આ મંદિર માટે વધારાની 13.5 એકર જમીન ભેટમાં આપી.
મહામહિમ ટોલરન્સ મિનિસ્ટર શેખ મુબારક અલ નહયાનું સંબોધન
“વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહાન મિત્ર તરીકે આમંત્રિત કરતાં હું આનંદ અનુભવું છું. ભારત અને યુ એ ઈ ના દેશો વચ્ચે મજબૂત મૈત્રીનો મને આનંદ છે.આ મંદિર માટે જયારે તમે અમને મળ્યા ત્યારે એમને તમારા પર વિશ્વાસ આવ્યો કે તમે ભવિષ્યમાં સદભાવના, શાંતિની દિશામાં યુ એ ઈ ને સમૃદ્ધ કરશો.મહંત સ્વામી મહારાજ વૈશ્વિક આધ્યાત્મિક નેતા છે. આપ સૌનો ખૂબ આભાર છે કે આપે મને આ કાર્યક્રમમાં નિમંત્રિત કર્યો.
વડાપ્રધાનનું સંબોધન
” આજે યુ એ ઇ ની ધરતીએ માનવીય ઇતિહાસનો એક નવો સ્વર્ણિમ અધ્યાય લખ્યો છે. આજે અબુ ધબી માં ભવ્ય અને દિવ્ય મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. આમાં વર્ષોની મહેનત લાગી છે, વર્ષો જૂના સપના જોડાયા છે, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે.પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં હશે ત્યાં પ્રસન્નતા અનુભવી રહ્યા હશે. તેમની સાથે મારો એમનો નાતો પિતા પુત્ર નો રહ્યો.જીવનના લાંબા સમય કાલ દરમિયાન એમના આશીર્વાદ મળતા રહ્યા. આજે હું શિષ્ય ભાવથી અહીં આવ્યો છું.”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube