મોહાલીમાં ઇમારત પત્તાની જેમ ધરાશાયી; કાટમાળ નીચે દટાઈને અનેકના મોત…

Mohali Building Collapse: પંજાબમાં મોહાલીમાં 21 ડિસેમ્બર શનિવારની સાંજે એક મોટી દુર્ઘટના થઈ હતી. મોહાલીના સુહાના વિસ્તારમાં એક ત્રણ માળની ઇમારત પડી ગઈ હતી. જેના લીધે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ થઈ ગયો હતો. દુર્ઘટનાની (Mohali Building Collapse) જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓની ટીમ સરપંચ પહોંચી હતી અને રાહત કાર્યમાં જોડાઈ ગઈ હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાટમાળ નીચે અત્યાર સુધીમાં બે લોકોની લાશ મળી ગઈ છે જેમાંથી એક મહિલા છે જ્યારે હજુ પણ ઘણા લોકો નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગ ની નજીક જ અન્ય બિલ્ડીંગમાં ભોયરાનું ખોદકામ ચાલી રહ્યું હતું. જેનાથી આ બિલ્ડિંગના પાયાને અસર પડી અને તે તાત્કાલિક પડી ગઈ હતી. પડનાર બિલ્ડીંગમાં જીમ ચાલી રહ્યું હતું અને તે સમયે ઘણા લોકો જીમમાં હાજર હતા. ઘટનાની જાણકારી મળતા જ પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવ અને મોહાલીના ધારાસભ્ય કુલવંતસિંહ ઘટના પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

રાહત અને બચાવ કાર્યમાં jcb મશીનોની મદદ થી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને એનડીઆરએફ ની ટીમ સાથે ભારતીય સેનાના જવાનો પણ જોડાઈ ગયા છે. તેમજ પોલીસ પ્રશાસન તરફથી પણ બચાવ કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રએ આ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ જાહેર કર્યા છે અને અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન સ્થાનિકોને આપ્યું છે. આ મામલામાં મોહાલી બિલ્ડીંગના માલિક અરવિંદર સિંહ અને ગગનદીપ સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ધારા 105 અંતર્ગત હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
એવામાં મુખ્યમંત્રી ભગવંત માન એ દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે સાહેબજાદા અજીતસિંહ નગર ના સુહાના પાસે એક ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાહી થઈ ગઈ છે તેના દુઃખદ સમાચાર મળ્યા છે. સમગ્ર પ્રશાસન બચાવ કાર્ય માટે લાગી ગયું છે. હું વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છું. પ્રાર્થના કરીએ છીએ કે કોઈ જાન માલ નું નુકસાન ન થાય, અપરાધીઓ ઉપર પણ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. સ્થાનિક લોકોને અપીલ કરું છું કે વહીવટી તંત્રને સહકાર આપે.