કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના શહેરોની જેમ જિલ્લામાં કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ 2019 માં જામનગર જીલ્લાનો રાજ્યમાં સૌથી છેલ્લો ક્રમ આવ્યો છે. જો કે, જાહેર કરેલા દેશના 100 જિલ્લાના ક્રમાંકમાં જામનગર જિલ્લો 97 માં નંબરે રહ્યો છે. કેન્દ્રની એજન્સીની ટીમ દ્વારા સપ્તાહમાં જિલ્લાના 25 થી વધુ ગામડા માં સર્વે કરવામાં આવ્યો હતો. કુલ 100 માંથી જામનગર જિલ્લાને 80.14 ગુણ મળ્યા છે. જેમાં સેવા કક્ષાએ પ્રગતિમાં 35 માંથી સૌથી ઓછા 25 ગુણનો સમાવેશ થાય છે.
દેશભરમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2019 અંતર્ગત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા નિમવામાં આવેલી આઈપીએસઓએસ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડની 3 ટીમ દ્વારા ઓગસ્ટ મહિનામાં જામનગર જિલ્લાના 25 થી વધુ ગામડાઓમાં સપ્તાહ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોબાઈલ મારફતે લોકોના પ્રતિભાવ, જાહેર સ્થળો જેવા કે પંચાયત,શાળા,આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામહાટ બજાર ની મુલાકાત લઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ માં જામનગર જીલ્લાનો અગ્રતાક્રમ આવે તે માટે જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામ્ય કક્ષાએ શૌચાલયના બાકી કામો પૂર્ણ કરવા તથા ઉપયોગ અને સારસંભાળને અગ્રતા, ગ્રામ્ય કક્ષાએ નિગરાની સમિતિ મારફત ખુલ્લામાં થતી શોચક્રિયાની ચકાસણી, ગ્રામ્ય કક્ષાએ ગ્રુપ મીટીંગ, કડિયા બેઠક, સ્વચ્છતા રેલી, સામૂહિક સ્વચ્છતા અને દરેક ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત કમ્પોસ્ટ પીટ અને શોક પીટની કામગીરી કરવામાં આવી હતી.
સ્વચ્છતા સર્વેક્ષણ પૂર્ણ થતા એજન્સીના અહેવાલ ના અનુસંધાને જાહેર કરવામાં આવેલા દેશના 1 થી 100 જિલ્લાના ક્રમાંકમાં જામનગર જિલ્લો કુલ 100 માંથી 80.16 ગુણ સાથે 97 માં ક્રમે રહ્યો છે. જ્યારે 1 થી 100 ક્રમાંકમાં આવેલા ગુજરાતના 11 જિલ્લાઓમાંથી જામનગર જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે.
કયો જિલ્લો કેટલામાં ક્રમે :
પાટણ જિલ્લો 88.86 ગુણ મેળવીને 4 ક્રમે છે. મહીસાગર જીલ્લો 87.61 ગુણ મેળવીને 10 ક્રમે છે. પંચમહાલ જીલ્લો 86.83 ગુણ મેળવીને 15 ક્રમે છે. દ્વારકા જિલ્લો 84.04 ગુણ મેળવીને 47 માં ક્રમે છે. પોરબંદર જિલ્લો 83.16 ગુણ મેળવીને 61 માં ક્રમે છે. વડોદરા જિલ્લો 82.97 ગુણ મેળવીને 63 માં ક્રમે છે. સુરત જીલ્લો 81.91 ગુણ મેળવીને 71 માં ક્રમે છે. રાજકોટ જીલ્લો 81.64 ગુણ મેળવીને 76 માં ક્રમે છે. ડાંગ જિલ્લો 80.49 ગુણ મેળવીને 90 માં ક્રમે છે. જૂનાગઢ જીલ્લો 80.38 ગુણ મેળવીને 93 માં ક્રમે છે. જામનગર જિલ્લો 80.16 ગુણ મેળવીને 97 માં ક્રમે છે.
દેશભરના શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. આ સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન ચોથી જાન્યુઆરીથી 31 મી જાન્યુઆરી દરમિયાન દેશના 4237 જેટલા શહેરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ સેરેમની દરમિયાન સ્વચ્છતા સર્વેક્ષણના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ અને રાજકોટ શહેરનો ટોપ 10 સ્વચ્છ શહેરોમાં સમાવેશ થયો છે.જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે યાદીમાં અમદાવાદ છઠ્ઠા ક્રમે અને રાજકોટ નવમાં ક્રમે છે.
આ યાદીમાં રાજ્યના અમદાવાદ શહેરને ટોપ ટેનમાં છઠ્ઠા નંબરનું સ્થાન મળ્યું છે. 4137ના સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા નંબરે રહ્યું છે. નવી દિલ્હી 4190ના રેન્ક સાથે પાંચમાં નંબરે રહ્યું છે. અમદાવાદના મેયરે રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ સ્વીકાર્યો હતો. તો સર્વેક્ષણમાં રાજકોટ શહેરને નવમું સ્થાન મળ્યું છે. રાજકોટને 4000 સ્કોર મળ્યો છે. જાહેર કરાયેલા આંકડામાં સુરતનો 14મો નંબર આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.