ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar)ના મૂળી તાલુકાના સરા ગામ(sara village)ના વતની અને હાલ ગાંધીનગર સીઆઇડી આઇબી(Gandhinagar CID IB)માં ફરજ બજારવી રહેલા પોલીસ જવાને સરા ખાતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મૃતકે લખેલી સુસાઇડ નોટ સામે આવતાં આત્મહત્યા કેસમાં ચોંકાવનારો વળાંક આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને સંબોધીને લખવામાં આવેલી આ સુસાઇડ નોટમાં પોતાના ઘરમાં સીસીટીવી ગોઠવીને પતિ અને પત્નીની અંગત પળોનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હોવાને કારણે પોતે આત્મહત્યા કરી હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પોલીસ બેડાની નોકરી કરવી એ દિવસે દિવસે ખુબ જ મુશ્કેલ બનતી જઇ રહી છે. ત્યારે સરા ગામમાં રહેતા અને ગાંધીનગર ખાતે આઇબીમાં ફરજ બજાવી રહેલા દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર નામના પોલીસ જવાને 9 જાન્યુઆરીના રોજ સરા ખાતેના નિવાસસ્થાને આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં અને પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. પોલીસ જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. ત્યારે તેમને પિતાએ જણાવતા કહ્યું હતું કે, દીકરાને નોકરીમાં મુશ્કેલી પડી રહી હોવાનો ફોન આવ્યો હતો, આથી તેઓ ગાંધીનગર ગયા હતા અને પુત્રને સરા ગામ લઇ આવ્યા હતા.
આ ઘટનામાં દીપકસિંહનું અકસ્માતે મોત થયા અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર પછી રવિવારના રોજ દીપકસિંહ પરમારે આત્મહત્યા કરી તે પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસની સમક્ષ આવી હતી, આ સુસાઈડ નોટમાં તેમણે કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ કરીને પોતે કરેલી આત્મહત્યાનું કારણ બતાવ્યું છે. એમાં ખાસ કરીને પોતાની અને પત્નીની અંગત પળોનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હોવાનું કહીને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. આ સાથે આઇબીમાં જ ફરજ બજાવતા ડી.કે.રાણા, ભારતીબેન અને એ.આઇ.ઓ. નિષાનાં નામનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના ત્રાસને કારણે આ પ્રકારનું અંતિમ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટમાં જણાવવામાં આવ્યું છે, જેના આધારે મૂળી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મુળી તાલુકાના પીએસઆઇ એસ.એસ.વરુએ જણાવતા કહ્યું છે કે, આ ઘટનામાં અગાઉ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ત્યાર પછી હાલ મૃતકની સુસાઇડ નોટ સામે અવી છે. સુસાઇડ નોટમાં લખેલી વિગતોને આધારે હાલ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. નિવેદન અને સુસાઇડ નોટમાં કેટલીક માહિતી છે છતાં આ સુસાઇડ નોટ મૃતકે જ લખી છે કે નહિ અને એમાં જે નામો લખ્યાં છે તેમની શું ભૂમિકા છે તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તપાસમાં સત્ય જણાશે તો આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.