પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આદિવાસીઓએ કર્યો કાળા ઝંડા લગાવીને વિરોધ, જુઓ તસવીરો

Published on Trishul News at 8:53 AM, Fri, 21 December 2018

Last modified on December 21st, 2018 at 8:53 AM

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા એક દિવસીય પ્રવાસે આવેલ છે. કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા DG કોન્ફરન્સની 20મી ડિસેમ્બરે શરૂઆત થઈ છે. જે 21 અને 22મી ડિસેમ્બર એમ બે દિવસ સુધી આ કોન્ફરન્સ ચાલવાની છે. ગઈ કાલે 20મી એ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બપોરે 3 કલાકે ટેન્ટ સીટી-2 ખાતે ડિજી કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરાવ્યું હતું. આ દરમિયાન ગરૂડેશ્વર તાલુકાના આસપાસના ગામોમાં ઘરો ઉપર લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં કાળી ધજા ફરકવી હતી જે ધજાઓ આજે પણ આ વિસ્તારના ઘરો ઉપર ફરકી રહી છે.

બીજી તરફ કેવડિયામાં આગમન સમયે PM મોદીને પણ જમીન સંપાદન મુદ્દે આંદોલન કરી રહેલા આદિવાસીઓના વિરોધનો સામનો કરવો પડ્યો છે. નર્મદા નદીના ગોરા બ્રિજ પર આદિવાસી લોકોએ મોદીના પૂતળાને ફાંસી આપી હતી. અને પૂતળા પર લખ્યું હતું કે, ‘હું નરેન્દ્રભાઈ મોદી, મારાથી 6 ગામ અને 19 ગામોના પ્રશ્ન ન ઉકેલી શકતા હું આત્મહત્યા કરું છું.’

ગૃહ મંત્રી રાજનાથ સિંહના આવવાના સમયે જ કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડની આજુબાજુએ પણ કાળા વાવટા ફરકાવામાં આવ્યા હતા. પરંતુ આ સમયે ત્યાં હાજર પોલીસે આ કાળા વાવટા તોડી પાડ્યા હતા. આ કાળા વાવટા ફરકાવવાનું કારણ એક જ હોય શકે કે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે અને ભવિષ્યમાં રેલ્વે સ્ટેશન પણ બનવા જઈ રહ્યું છે.

કેવડીયામાં વિકાસ માટે સરકારે આદિવાસીઓની જમીનો સંપાદિત કરી છે. હવે આની સામે સ્થાનિક આદિવાસીઓ વિરોધ નોંધાવી વિકાસના નામે સરકાર આદિવાસીઓની જમીન લૂંટવાનું બંધ કરે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. બીજું કે જે જમીનો નર્મદા ડેમ અને નહેરો માટે લેવાઈ છે એની પર હાલ ટેન્ટ સીટી,વિવિધ ભવન,રેલ્વે સ્ટેશન બનશે એવું આદિવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

આ જમીનો ફરી મૂળ માલિકોને સોંપવામાં આવે અને આ પ્રોજેક્ટ્સ બંધ કરવામાં આવે એવી આદિવાસીઓ માંગ કરી રહ્યા છે. આ પ્રશ્નોને લઈને કેવડીયાથી રાજપીપળા કલેકટર કચેરી સુધી આદિવાસીઓ પદયાત્રા કાઢવાનું પણ નક્કી કર્યું હતું પણ પોલીસે એ યાત્રા રોકી હતી. જેથી આ તમામ મુદ્દે રોષ હોવાને લીધે પણ કાળા વાવટા અને ઘરો ઉપર કાળી ધજા ફરકાવી આદિવાસીઓ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

,

Be the first to comment on "પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આદિવાસીઓએ કર્યો કાળા ઝંડા લગાવીને વિરોધ, જુઓ તસવીરો"

Leave a comment

Your email address will not be published.


*