ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકે(Dr. Sandeep Pathak) દેશભરમાં અગ્નિપથ યોજના(Agneepath Scheme)ના વિરોધ અંગે વાત કરતાં કહ્યું કે, જ્યારે પણ ભાજપ(BJP) સરકાર કોઈ નવી નીતિ જાહેર કરે છે ત્યારે તેનાથી સામાન્ય લોકોને જ નુકસાન થાય છે. ભૂતકાળમાં નોટબંધી હોય, જીએસટી હોય કે કિસાન બિલ હોય, દરેક વખતે ભાજપ સરકારે લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પાડી છે. આજે દેશનો યુવા વર્ગ રસ્તા પર ઉતરીને ભાજપ સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરી રહ્યો છે.
કેન્દ્રની ભાજપ સરકારે ત્રણેય સેવાઓમાં સૈનિકોની ભરતી માટે નવી અગ્નિપથ યોજના જાહેર કરી અને તેની સાથે દેશના યુવાનોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી.આવું એટલા માટે થાય છે કારણ કે, કેન્દ્રની ભાજપ સરકાર ક્યારેય જનતાના ભલાનો વિચાર કરીને કોઈ નિર્ણય લેતી નથી, તેઓ માત્ર તાનાશાહની જેમ પોતાનો નિર્ણય થોપે છે. પરંતુ તે ભૂલી જાય છે કે દેશ તેમના તાનાશાહી નિર્ણયો પર નહીં પરંતુ બંધારણથી ચાલે છે.
વધુમાં ઉમેરતા કહ્યું છે કે, દેશના યુવાનો આર્મીમાં જોડાવા માટે ઘણા વર્ષો સુધી મહેનત કરે છે અને આટલી મહેનત પછી જો તેમને માત્ર 4 વર્ષ માટે નોકરી મળે તો તે નોકરીનો શું અર્થ? આજે દેશના યુવાનો આખી જિંદગી સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માંગે છે, પરંતુ કેન્દ્ર સરકાર તેમની પાસેથી તે છીનવી રહી છે. અગ્નિપથ યોજના દ્વારા સરકારે નવા જોડાવનાર સૈનિકોની પેન્શન સેવા પણ બંધ કરવાની જાહેરાત કરી છે, આ દેશના યુવાનો અને સૈનિકો સાથે છેતરપિંડી છે. દેશના યુવાનો દુશ્મન સામે લડવા તૈયાર હોય, દુશ્મનની ગોળી છાતી પર ખાવા તૈયાર હોય પરંતુ કેન્દ્ર સરકાર આવા બહાદુર યુવાનોને પેન્શન આપવા પણ તૈયાર ન હોય તો આ કેવો ન્યાય?
વધારે જણાવતા સંદીપ પાઠકે કહ્યું છે કે, છેલ્લા 2 વર્ષથી સેનામાં ભરતી બંધ હતી, તો કેન્દ્ર સરકાર તેમની ઉંમર વટાવી ચૂકેલા યુવાનોને કઈ રીતે લાભ આપશે? પહેલા કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જોડાવા માટેની વય મર્યાદા 21 વર્ષ હશે અને જ્યારે યુવાનો રસ્તા પર આવી ગયા, ત્યારે સરકારે પોતાનો નિર્ણય ફેરવી નાખ્યો અને વય મર્યાદા બદલીને 23 વર્ષ કરી દીધી. આ સરકાર આ રીતે પોતાની મરજીથી નિર્ણયો લે છે અને પછી વિરોધ થાય ત્યારે પોતાના નિર્ણયને ઉલટાવી લે છે. પરંતુ દેશના યુવાનો આનાથી વધુ ખુશ નથી કારણ કે સમગ્ર યોજના દેશ માટે ખતરા સમાન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સેનામાં 1.25 લાખ પદો ખાલી છે. તો શા માટે સરકાર આ જગ્યાઓ પર સીધી ભરતી નથી કરતી? આ વર્ષે અગ્નિપથ યોજના હેઠળ માત્ર 46000 પદો પર ભરતી કરવાનો શું અર્થ છે જ્યારે આર્મીમાં 1.25 લાખ જગ્યાઓ ખાલી છે. વધુ એક જુમલો આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે, જે યુવાનો 4 વર્ષ પછી સેનામાંથી રિટાયર્ડ થયા હશે તેમને અન્ય સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ અમારો પ્રશ્ન એ છે કે કરોડો યુવાનો આજે પણ નોકરી વગર અહી ઠોકર ખાઈ રહ્યા છે, તો જો સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવી આટલી આસાન છે તો અત્યારે ખાલી પડેલી તમામ જગ્યાઓની ભરતી શા માટે નથી થતી?
અમને લાગે છે કે બીજેપી સરકારે ક્યાંકને ક્યાંક દેશમાંથી સરકારી નોકરીઓ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. તેથી જ આજે દેશમાં ઘણી બધી સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે અને હવે સરકાર સૈનિકોને માત્ર 4 વર્ષની નોકરી આપવાની વાત કરી રહી છે. દેશના યુવાનો હવે આ તમામ ષડયંત્રોને સારી રીતે સમજી ગયા છે, તેથી તેઓ પોતાના હક અને અધિકાર માટે રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે.
સંદીપ પાઠકે કહ્યું કે, હું સ્પષ્ટપણે માનું છું કે, આયોજન વગરની કોઈપણ નીતિ કે યોજના દેશ માટે યોગ્ય નથી. કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના દેશના હિતમાં નથી, ભાજપ સરકાર યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. યુવાનો માત્ર 4 વર્ષ જ નહીં પરંતુ જીવનભર દેશની સેવા કરવા માંગે છે. તેથી ભાજપ સરકારે આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો પડશે.
આ સાથે “આપ” યુથ વિંગે સુરત અને અમદાવાદમાં કલેક્ટરને આવેદન પત્ર આપી અગ્નિપથ યોજના રદ કરવાની માંગ કરી અને તેનો વિરોધ નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.