સુરત(Surat): શહેરમાં AAPમાં મોટું ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના છ જેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટર અને હવે નવા છ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
મહત્વનું છે કે ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના સુપ્રિમો અરવિંદ કેજરીવાલને સીબીઆઇ નું તેડું આવ્યું હતું અને બીજી બાજુ સુરતમાં છ જેટલા કોર્પોરેટરે AAP સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.
એટલે કે હવે અત્યાર સુધીમાં કુલ 10 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.
AAP ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ભાજપમાં જોડાતા કોર્પોરેટર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, અમારા કોર્પોરેટરોને 50 થી 75 લાખ રૂપિયા આપીને ખરીદી લેવામાં આવ્યા છે.
અમારા ઘણા કોર્પોરેટરને ડરાવી ધમકાવીને લઈ ગયા છે.
સુરત વોર્ડ નંબર ચારના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયાને જનતાએ 21,180 વોટ આપ્યા હતા.
એક સમયે પીએમ મોદી અને ભાજપ વિશે એલફેલ શબ્દ બોલનાર આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા ભાજપના શરણે પડ્યા છે.
ધર્મેન્દ્ર વાવલીયા કેસરિયો ધારણ કરતા જ કહ્યું હતું કે, જે રીતે ગત વિધાનસભાની ચૂંટણી બાદ ઇગ્નોર કરવામાં આવતા હતા, જેને લઈને અમને સાવ કાઢી નખાયા હતા.
બીજા વોર્ડમાં કામ કરવા દેવામાં આવતું ન હતું એટલે અમે ભાજપમાં જોડાયા છીએ.
અગાઉ 4 સહિત કુલ 10 કોર્પોરેટર ભાજપમાં જોડાય ચુક્યા છે:
અશોક ધામી, વોર્ડ નંબર 5ના નગરસેવક, નિરાલી પટેલ, વોર્ડ નંબર 5ના મહિલા નગરસેવક, ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નંબર 4ના કોર્પોરેટર, સ્વાતિ ક્યાડા, વોર્ડ નંબર 17ના મહિલા નગરસેવક, કિરણ ખોખાણી, વોર્ડ નંબર 5ના નગરસેવક, ઘનશ્યામ મકવાણા, વોર્ડ નંબર 4ના નગરસેવક, ઋતા ખેની, વોર્ડ નંબર 3ના મહિલા નગરસેવક,
જ્યોતિ લાઠિયા, વોર્ડ નંબર 8ના મહિલા નગરસેવક,ભાવના સોલંકી, વોર્ડ નંબર 2ના મહિલા નગરસેવક અને વિપુલ મોવલિયા, વોર્ડ નંબર 16ના નગરસેવકે ભાજપનો ખેસ પહેરી લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.