AAP એ આજથી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે શરૂ કર્યું આંદોલન- પદયાત્રા કરી લોકો સુધી પહોંચીને કરાશે સવાલો 

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતમાં વીજળી આંદોલન મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી આવી તે પહેલા ભાજપ અને કોંગ્રેસે મળીને માત્ર લોકોને લૂંટવાનું જ કામ કર્યું હતું. પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જી નો રાજકીય ઉદય થયો છે ત્યારથી સમગ્ર દેશના રાજકારણમાં મુદ્દાઓએ સ્થાન બનાવ્યું છે. અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ભ્રષ્ટાચાર જેવા તમામ મુદ્દાઓ પર શાનદાર કામ કર્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ સારું કામ કરે તે માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ.

છેલ્લા કેટલાક સમયથી અમે ગુજરાતમાં ભાજપ સરકારને શિક્ષણના મુદ્દે મોટો પડકાર આપ્યો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જી ના નેતૃત્વમાં ગુજરાત સરકારના શિક્ષણ મોડલ નો પર્દાફાશ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. એટલે હવે વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સંપૂર્ણ આક્રમકતા સાથે આંદોલન કરવા જઈ રહી છે.

સરકારી પાવર પ્લાન્ટમાંથી વીજળીનું ઉત્પાદન વધારવાને બદલે ભાજપ સરકારે તેનું ઉત્પાદન ઓછું કરવાનું કામ કર્યું અને ખાનગી વીજ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્યારપછી સરકારે વીજ ઉત્પાદન બંધ કરીને ખાનગી વીજ કંપનીઓ પાસેથી સરકારી વીજ કંપનીઓ કરતા મોંઘા ભાવે વીજળી લઈને જનતાને મોંઘા ભાવે વીજળી આપવાનું શરૂ કર્યું. ભાજપે પ્રજાને લૂંટીને પોતાના ચૂંટણી ફંડની વ્યવસ્થા કરવાનું કામ કર્યું છે. ભાજપના આ છોડને ખુલ્લા પાડવા માટે આમ આદમી પાર્ટી આજથી સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ કરી રહી છે.

અમારી પહેલી માંગ છે કે ભાજપ સરકાર સસ્તી વીજળી આપવાનું શરૂ કરે કારણ કે મફત વીજળી આપવાનું કામ ભાજપ બિલકુલ કરી શકશે નહીં. કારણ કે ગુજરાતમાં લોકોને મફત વીજળી આપવાનું કામ ફક્ત આમ આદમી પાર્ટી જ કરી શકે છે અને અમે આવનારી ચૂંટણીમાં જીતીને અમે આ કામ કરવાના છીએ. આજે આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપી વીજળીના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે. આ પછી સમગ્ર ગુજરાતમાં રેલી, પદયાત્રા અને રાત્રીના સમયે મશાલ યાત્રાઓનું આયોજન કરવામાં આવશે. સાથોસાથ અમે કેટલાક અદ્ભુત કાર્યક્રમો પણ કરવા જઈ રહ્યા છીએ જેના વિશે અમે અત્યારે કોઈ માહિતી આપી શકશું નહી.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિત સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટરો કિશોરભાઈ દેસાઈ, મનોજ સોરઠીયા, રાકેશ હિરપરા, ધર્મેશ ભંડેરી, રામ ધડુક, અને મહેન્દ્ર નાવડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નેશનલ જનરલ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટ શહેરમાં આ જ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકાર ખૂબ જ મોંઘી વીજળી વેચી રહી છે, તેથી જ આમ આદમી પાર્ટીએ વીજળી આંદોલન શરૂ કર્યું છે. જેમાં અમે આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ગુજરાતની જનતાને 200-300 યુનિટ વીજળી વિનામૂલ્યે આપવા વિનંતી કરી છે જેથી મોંઘવારીના આ સમયમાં પ્રજાને થોડી રાહત મળી શકે. ભાજપના લોકો ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વીજળી લઈને જનતાને વેચી રહ્યા છે અને અમે માનીએ છીએ કે બીજેપી પણ વીજળીના મુદ્દે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી રહી છે.

ભાજપના લોકો ગુજરાતમાં આટલી મોંઘી વીજળી વેચી રહ્યા છે, બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે ભાજપે મફત વીજળીની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટી લોકોને જાગૃત કરવા માટે આ વીજળી આંદોલન શરૂ કરી રહી છે. જેથી કરીને લોકોને ખબર પડે કે ભાજપ સરકાર વીજ કંપનીઓ સાથે મળીને તેમને કઈ રીતે લૂંટી રહી છે. દિવસે રેલિયા, પદયાત્રા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવશે અને રાત્રે મશાલ યાત્રા કાઢીને વીજ બિલ ફાડવાનો કાર્યક્રમ કરવામાં આવશે.

સાથે-સાથે અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ જે.જે.મેવાડાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં વીજળી ખૂબ મોંઘી છે. સરકારે ગુજરાત માં જાણી જોઈને સરકારી વીજળી ઉત્ત્પન્ન કરવા વાળા ઉદ્યોગો ને ખતમ કરી દીધા જેના કારણે ગુજરાત ને ખાનગી વીજ કંપનીઓ ઉપર આશ્રિત રેહવું પડે. સરકારે ખાનગી વીજ કંપનીઓ સાથે મળીને આવું ષડયંત્ર રચ્યું હતું જેથી ગુજરાતની જનતાને ખાનગી વીજ કંપનીઓ પાસેથી જ વીજળી ખરીદવાની ફરજ પડે.

ગુજરાત સરકારે 25 વર્ષ માટે વીજળી ખરીદવા માટે 2007માં નક્કી કરેલા ભાવોને, ગુજરાત સરકારે ખાનગી પાવર પ્લાન્ટ્સના દબાણ હેઠળ રિવાઇઝ કરવામાં આવ્યા હતા. એપ્રિલ 2021માં યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જ રૂ. 1.80 હતો જે એપ્રિલ 2022 સુધી સમયાંતરે વધતો ગયો અને આજે પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ રૂ. 2.30 થયો છે. ખાનગી પાવર પ્લાન્ટોએ કોન્ટ્રાક્ટ હેઠળ વીજળી આપવાની હોય છે, પરંતુ 2020થી તેઓ કૃત્રિમ અછત સર્જે છે અને ત્યારે ગુજરાત સરકાર ખુલ્લા બજારોમાંથી ઊંચા ભાવે વીજળી ખરીદે છે.

વીજળી આંદોલન પર વાત કરતા જે.જે.મેવાડાએ કહ્યું કે, અમે ગુજરાતના દરેક ઘરે જઈને લોકોને જણાવીશું કે દિલ્હીમાં 200 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે અને પંજાબમાં 300 યુનિટ વીજળી મફતમાં મળશે. દિલ્હી એક એવું રાજ્ય છે જે પોતે વીજળી ઉત્પન્ન કરતું નથી, તેમ છતાં તેઓ અન્ય વીજ કંપનીઓ પાસેથી વીજળી ખરીદે છે અને જનતાને મફતમાં વીજળી આપે છે, પરંતુ ગુજરાતમાં વીજળીનું ઉત્પાદન થતું હોવા છતાં ગુજરાત સરકાર અહીંના લોકોને વીજળી આપી રહી નથી અને વીજ કંપનીઓ સાથે મળીને પ્રજાને લૂંટી રહી છે. દિલ્હીમાં 7 વર્ષથી ચાલી રહેલી સરકાર મફતમાં વીજળી આપે છે તો ગુજરાતમાં ભાજપની સરકાર 27 વર્ષથી મફત વીજળી કેમ નથી આપી રહી?

આ પછી સંગઠન મંત્રી હસમુખ ભાઈ પટેલે કહ્યું કે, વીજળીનું બિલ જોશો તો જણાશે કે ફ્યુઅલ સરચાર્જ 2.30 રૂપિયા છે જે બે વર્ષ પહેલા 1.80 રૂપિયા હતો. મતલબ કે પહેલા સો યુનિટ પર 180નું બિલ આવતું હતું જે હવે 230 પર આવી રહ્યું છે. સરકારે થોડા સમય પહેલા એક સ્કીમ શરૂ કરી હતી જેમાં સોલાર રૂફટોપ ધરાવતા લોકો પાસેથી ₹2.25 માં વીજળી ખરીદે છે અને તે વીજળી જનતાને ₹7.35 પૈસામાં વેચે છે. આ ઉપરાંત, 2.30 ફ્યુઅલ સરચાર્જ અને 20% ટેક્સ વસૂલવામાં આવે છે, 1 kW ના કનેક્શન પર ₹ 100 મીટર વસૂલવામાં આવે છે અને જો કોઈ પાસે 10 kW નું કનેક્શન હોય તો ₹ 1000 માત્ર મીટર ચાર્જ લાગે છે.

આ સાથે જ વડોદરા શહેર માં આમ આદમી પાર્ટી વડોદરા લોકસભા પ્રમુખ મયંક શર્મા એ વીજળી ના મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આખા દેશમાં અત્યારે સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં મળી રહી છે. ભાજપ સરકાર વીજળી ના નામે ગુજરાત ની જનતા ને લૂંટી રહી છે. જો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીની જનતાને 200 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવતી હોય અને પંજાબમાં પણ 300 યુનિટ સુધી વીજળી મફત આપવાની હોય તો ગુજરાતમાં કેમ નહીં? જો દિલ્હી અને પંજાબમાં જનતા ને મફત વીજળી આપવું શક્ય છે તો ગુજરાતમાં કેમ નહીં ? એટલે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ‘વીજળી આંદોલન’ 16 જૂનથી શરૂ કરવા જઈ રહ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી દરેક જીલ્લા માં વીજળી સસ્તી કરવા માટે કલેકટર ને માંગણી પત્ર આપશે.

આમ આદમી પાર્ટી હવે ગુજરાત માં ‘વીજળી આંદોલન’ શરૂ કરવા જઈ રહી છે. જે 16 જૂન થી 26 જૂન સુધી ચાલશે. આમ આદમી પાર્ટી ના દરેક નેતા અને કાર્યકર્તા વડોદરા માં લોકો ના ઘરે-ઘરે જશે અને ભાજપ સરકાર ની બેવડી નીતિઓ થી ગુજરાત ની જનતા ને જાગરૂક કરશે. તથા ગુજરાતમાં મોંઘવારી ને લઈને જે કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે તે અન્યાય વિશે જનતા ને જણાવીશું.

આમ આદમી પાર્ટી વડોદરા શહેર લોકસભા પ્રમુખ પ્રતિમા બેન પટેલ એ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ એ ના તો પહેલા ક્યારેય જનતા ના હિત માટે વિચાર્યું છે કે ના અત્યારે વિચારે છે. દિલ્હી એવું રાજ્ય છે જ્યાં વીજળી ખરીદવી પડે છે. છતાંય દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બહાર થી વીજળી ખરીદીને પણ 200 યુનિટ સુધી વીજળી મફત આપે છે. અને ગુજરાત પોતે વીજળી નું ઉત્પાદન કરે છે, વીજળી બીજા રાજ્યોમાં વહેચે છે. છતાંય ભાજપ ગુજરાતમાં વીજળી મફત તો દુરની વાત છે, સસ્તી પણ કરી શકતું નથી. તે કામ માત્ર આમ આદમી પાર્ટી જ કરી શકે છે. એટલે અમે ‘વીજળી આંદોલન’ ચાલવાના છીએ અને આના પછી પણ આગામી દિવસો માં જનતા ના દરેક મૂળભૂત અધિકારો માટે અમે આંદોલન કરશું અને જનતા માટે મૂળભૂત હકો ની લડાઈ લડતા રહીશું. ત્યાર બાદ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી કાઢીને ‘ભાજપ સરકાર ચોર હૈ’ ના નારા લગાવતા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *