ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે તમામ પ્રકારની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલથી જ ગુજરાતમાં વીજળી મોંઘી હોવાના મુદ્દાને લઇને આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા(Gopal Italia) તેમજ અન્ય પાર્ટીના હોદ્દેદારો સાથે સુરત(Surat) સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પગપાળા નીકળ્યા હતા. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રકારે વીજળીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે તેના કારણે ગુજરાતની જનતાને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આમ આદમી પાર્ટીએ ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, સરકારી પાવર પ્લાન્ટમાંથી વીજળીનું ઉત્પાદન વધારવાને બદલે ભારતીય જનતા પાર્ટીની સરકારે તેનું ઉત્પાદન ઓછું કરવાનું કામ કર્યું અને ખાનગી વીજ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ત્યારબાદ સરકારે વીજ ઉત્પાદન બંધ કરીને ખાનગી વીજ કંપનીઓ પાસેથી સરકારી વીજ કંપનીઓ કરતા મોંઘા ભાવે વીજળી લઈને જનતાને મોંઘા ભાવે વીજળી આપવાનું શરૂ કર્યું. ભાજપ દ્વારા પ્રજાને લૂંટીને પોતાના ચૂંટણી ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના આ કાર્યને ખુલ્લા પાડવા માટે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ કરી રહી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વધુમાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાનગી વીજ કંપનીઓને મોટો લાભ અપાવવા માટે ગુજરાતની જનતા સાથે અન્યાય કરવામાં આવ્યો છે પરિણામે આજે ગુજરાતની જનતા અન્ય રાજ્યોની સરખામણીએ પણ ખૂબ મોટું વીજળી બીલ ભરવું પડી રહ્યું છે. ભાજપની હેસિયત નથી કે તે મધ્યમ અને ગરીબ વર્ગને મફતમાં વીજળી આપી શકે. પરંતુ ઓછા દરે પણ વીજળી મળે તે પ્રકારની વ્યવસ્થા કરવી જરૂરી છે અને તેના માટે અમે આંદોલન શરૂ કરી રહ્યા છે.
ભાજપના લોકો ગુજરાતમાં આટલી મોંઘી વીજળી વેચી રહ્યા છે, બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા મફત વીજળીની જાહેરાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી લોકોને જાગૃત કરવા માટે આ વીજળી આંદોલન શરૂ કરવા જઈ રહી છે. જેથી કરીને લોકોને ખબર પડે કે ભાજપ સરકાર વીજ કંપનીઓ સાથે મળીને તેમને કઈ રીતે લૂંટી રહી છે. દિવસે રેલી, પદયાત્રા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવશે અને રાત્રે મશાલ યાત્રા કાઢીને વીજ બિલ ફાડવાનો કાર્યક્રમ પણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.