ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે આશાબેન પટેલ જૂથના વિકાસ પેનલના દિનેશ પટેલ જીત તરફ આગળ વધતા તેમના સમર્થકોમાં ખુશી છવાઈ હતી. તેમણે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, તો ખેડૂતો અને વેપારીઓએ તથા તેમના સમર્થકોએ તેમને ખભા પર ઉંચકીને જીતના વધામણા કર્યા હતા. મતગણતરી બહાર ફટાકડા ફૂટ્યા હતા, અને ગુલાલનો છોળો ઉડાવાઈ હતી.
ઊંઝા APMCની ચૂંટણીને લઇને વિકાસ પેનલના ઉમેદવાર દિનેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, મતદારોનો અમારા પર વિશ્વાસ છે અને અમારી આખી પેનલ જીતશે. મતદારો પરિવર્તન ઇચ્છે છે અને આ વખતે પરિવર્તન થશે. તો ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલે કહ્યું કે, લોકો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. જેને લઈને લોકો વિકાસ પેનલને સમર્થન આપશે તેવો મને વિશ્વાસ છે. ભાજપનું સમર્થન વિકાસ પેનલને છે અને પક્ષની ઈચ્છા પ્રમાણે જ ઉમેદવારો ઉભા રાખવમાં આવ્યાં છે.
આ સાથે જ કાકા તરીકે ઓળખતા નારણ પટેલના વર્ષો જૂના દબદબાનો અંત આવ્યો છે. ઊંઝા APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ છે. તો વેપારી વિભાગમાં વિકાસ પેનલના 2 ઉમેદવાર આગળ છે. વેપારી વિભાગમાં વિકાસ પેનલ તૂટવાના સંકેત છે. આશાબેન પટેલ જૂથને 200માંથી 145 મત મળ્યા, જ્યારે કે, ગૌરાંગ પટેલ જૂથને માત્ર 55 મત મળ્યાં.
33 વર્ષ બાદ ઊંઝા એપીએમસીના સત્તામાં પરિવર્તન આવ્યું છે. વર્ષોથી નારણ પટેલનું એકહત્થુ શાસન ચાલી રહ્યું હતું, જેનો આખરે મતગણતરીના પરિણામ સાથે જ અંત આવ્યો છે. આ જીતથી ઊંઝાના રાજકારણમાં મોટો ફેરબદલ આવશે. કારણ કે, ખેડૂતો અને વેપારીઓ વર્ષોથી પરિવર્તન ઈચ્છતા હતા. તેમનુ કહેવું હતું કે, વર્ષોથી અનેક પ્રશ્નો વણઉકેલાયેલા હતા. જેથી હવે તેઓ પુનરાવર્તન નહિ, પણ પરિવર્તન ઈચ્છતા હતા. ત્યારે વિકાસ પેનલના જીત થવાથી દિનેશ પટેલનું એપીએમસીનું ચેરમેન બનવુ નિશ્ચિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.