વલ્લભભાઇ પટેલને “સરદાર” કહેવાયાને ૯૦ વર્ષ પૂર્ણ- અહી જાણો સરદાર કહેવાયાનો ઈતિહાસ

– ૧૯૨૮-૨૦૧૮ : આજે ૯૦મો ‘બારડોલી સત્યાગ્રહ વિજય દિન’ – ખેડૂતોને ડરાવવા અંગ્રેજોએ તેમની ૧૬ હજારથી વધુ ભેંસો જપ્ત કરી લીધી હતી સત્યાગ્રહમાં મહિલાઓએ મહત્ત્વનો…

– ૧૯૨૮-૨૦૧૮ : આજે ૯૦મો ‘બારડોલી સત્યાગ્રહ વિજય દિન’
– ખેડૂતોને ડરાવવા અંગ્રેજોએ તેમની ૧૬ હજારથી વધુ ભેંસો જપ્ત કરી લીધી હતી

સત્યાગ્રહમાં મહિલાઓએ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો

બરાબર ૯૦ વર્ષ પહેલા ૧૯૨૮માં વલ્લભભાઈ પટેલને અંગ્રેજો સામે સફળતા મળી હતી. એ સફળતા બારડોલી સત્યાગ્રહની હતી, જે પછીથી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા હતા. બારડોલી કોલેજના પૂર્વ પ્રાધ્યાપક મગનભાઈ આઈ.પટેલે પોતાના પીએચ.ડી. નિબંધમાં નોંધ્યા પ્રમાણે ભીખીબહેને સૌથી પહેલા વલ્લભભાઈને સરદાર કહ્યાં હતા. ભીખીબહેન બારડોલી પાસે આવેલા આકોટી ગામના વતની હતા. એ સત્યાગ્રહમાં મહિલાઓનો અત્યંત મહત્ત્વનો ફાળો હતો.

૨૯ લાખ ખર્ચ, ૩૨ લાખ આવક

બારડોલીના નવા આવેલા અને બિનઅનુભવી કલેક્ટરે સ્થિતિ તપાસ્યા વગર મહેસૂલ ૩૦ ટકા સુધી વધારી દીધું હતું. ખેતરમાં ધાન પેદા થાય કે ન થાય અંગ્રેજોએ નક્કી કરેલી રકમ સરકારને ચૂકવી આપવાની. તેની સામે બારડોલીના લોકોમાં રોષ ફેલાઈ રહ્યો હતો.

બે વર્ષ પહેલાં વળી બારડોલી પૂરનો ભોગ બન્યું હતું. ખેતી લગભગ નિષ્ફળ હતી, ભૂખમરાની સ્થિતિ હતી. જિલ્લાનો ખેત ઉત્પાદન ખર્ચ ૩૨ લાખ રૃપિયા જ્યારે ખેત પેદાશની આવક ૨૯ લાખ જેટલી હતી. એટલે કે જિલ્લાના ખેડૂતો ૩ લાખથી વધુ રૃપિયાની ખાદ્યમાં ચાલતા હતા. એ સંજોગોમાં પણ મહેસૂલ તો ચૂકવવાનું જ હતું.

બારડોલીની આ સમસ્યા સ્થાનિક નેતા નરહરિ પરીખ દ્વારા ગાંધીજી સુધી પહોંચી. વિવાદ થયો એટલે સરકારે પહેલા મહેસૂલ ઘટાડી ૨૯ ટકા કર્યું, પછી વળી ૨૨ ટકા કર્યું. પણ ખોટ ખાઈ રહેલા ખેડૂતો શું ચૂકવી શકે? માટે ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સત્યાગ્રહની આગેવાની લેવા જણાવ્યું. વલ્લભભાઈએ બારડોલીમાં ધામા નાખ્યા અને ખેડૂતો, અધિકારી, સ્થાનિક વેપારી વગેરેના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની શરૃઆત કરી. વલ્લભભાઈ સ્થાનિક લોકોની હિંમત તપાસ્યા વગર ક્યારેય લડત આગળ ધપાવતા ન હતા.

બે ગજથી વધુ જમીન નહીં જોઈએ

અંગ્રેજોની સિમ્પલ સિસ્ટમ હતી, ભાગલા પાડો. માટે એક બાજુ લડતની તૈયારી આરંભાઈ તો બીજી તરફ સરકારે અમુક ખેડૂતોને ‘મહેસૂલ ભરી આપો.. નહીંતર માલ-મત્તા-જમીન જપ્ત થશે..’ એ પ્રકારની નોટીસ મોકલવી શરૃ કરી દીધી. સરકારે કુલ ૬ હજારથી વધુ નોટીસ રવાના કરી હતી. નોટીસનો ઈરાદો દબાણ પેદા કરી ભંગાણ પાડવાનો હતો. કેમ કે એક-બે જણા પણ મહેસૂલ ભરી દે તો લડત ભાંગી પડે. બીજી બાજુ વેપારીઓને ત્યાં અંગ્રેજ સરકારે દરોડા પાડવાની શરૃઆત કરી અને દંડ ચાલુ કરી દીધો. જમીન જપ્તીના જવાબમાં વલ્લભભાઈએ કહ્યું હતુ કે માણસને બે ગજથી વધુ જમીન ન જોઈએ.

ધણીને ઘરમાં પગ નહીં મુકવા દઈએ!

વલ્લભભાઈએ ચતુરાઈ વાપરીને મહિલાઓને પહેલેથી પોતાના પક્ષે કરી લીધી હતી. મહિલાઓ જે પક્ષમાં હોય એ લડત ક્યારેય પાછી પડતી નથી. લડતની નોંધમાં કનૈયાલાલ મુનશીએ નોંધ્યુ છે કે જ્યાં જ્યાં વલ્લભભાઈ જાય ત્યાં મહિલાઓ મોટી સંખ્યામાં ઊમટી પડતી અને વલ્લભભાઈનું સ્વાગત કરતી હતી. ફરતાં ફરતાં વલ્લભભાઈ કોઈના ઘરે જઈને પૂછે કે ‘ડર તો નથી લાગતો ને..’ તો મહિલાઓ જવાબ આપતી કે ‘તમે બેઠા હોય પછી અમારે શી ફીકર?’ વલ્લભભાઈ મહિલાઓને પૂછતા કે ‘ડરીને તમારા ધણી મહેસૂલ ભરી દેશે તો તમે શું કરશો?’ મહિલાઓ જવાબ આપતી કે ‘તો પછી ધણીને ઘરમાં પગ નહીં મુકવા દઈએ.’

ભેંસોને જેલમાં પૂરી દીધી
ખેેડૂતોને નબળા પાડવા માટે સરકારે ભેંસો જપ્ત કરી લેવાના આદેશ કર્યા હતા. કુલ મળીને ૧૬ હજારથી વધુ ભેંસ જપ્ત કરવામાં આવી હતી. ભેંસોને થાણામાં પુરી દેેવાતી હતી. તેના માટે વલ્લભભાઈએ પત્રકારોને કહ્યું હતુ : ‘લખજો કે પોલીસથાણામાં ભેંસો પણ ભાષણ આપી રહી છે!’ લોકો સરદાર પટેલના પક્ષે જ હતા. એટલે સરકારની અનેક ધાક-ધમકી પછી પણ ડગ્યા નહીં. એક વખત તો કલેક્ટરે ગામ જવાનું હતુ, પણ કોઈએ તેને ટેક્સી ભાડે ન આપી. કલેક્ટરે બધા ટેક્સી ચાલકોના લાઈસન્સ તુરંત રદ કર્યા. એ પછી પણ કલેક્ટરે ચાલતાં જ જવું પડયું.

સફળતાનો યશ ગાંધીજીને

હકીકતે સાત ટકા જ મહેસૂલ વધારો લઈ શકાય એમ હતો એવુ પાછળથી સરકારે પણ સ્વીકાર્યું. લડત શરૃ થઈ ત્યારે ૧૨મી જુને તાલુકાના ૧૧૨ પટેલોમાંથી ૮૪ પટેલ તથા, ૪૫ પૈકી ૧૯ તલાટીઓએ સામૂહિક રાજીનામા આપ્યા. સત્યાગ્રહ સફળ થયો પછીથી ૧૨મી જૂન ‘બારડોલી દિવસ’ તરીકે ઉજવાય છે. વલ્લભભાઈની લડતનું અંતે ધાર્યું પરિણામ આવ્યું અને સરકારે મહેસૂલ ઘટાડવા તૈયારી દાખવી. માટે એ પછીથી લોકહૃદયમાં વલ્લભભાઈ સરદાર તરીકે સ્થાન પામ્યા હતા. તો પણ સરદાર પટેલે વિજય પછી કહ્યું હતું કે ‘હું તો માત્ર ઔષધ આપનારો સાધક છું, વાહવાહી તો ઔષધ આપનાર (ગાંધીજી)ની થવી જોઈએ.’

હિન્દુસ્તાનનું બારડોલી કરણ

બારડોલી પછી આખા હિન્દુસ્તાનમાં લડી લેવાનો ઉત્સાહ પ્રસરી ગયો હતો. માટે ‘હિન્દુસ્તાનનું બારડોલીકરણ’ એવા શબ્દ પણ વપરાતો હતો. ચાર મહિના ચાલેલી લડતમાં એક પણ જીવ ગયો ન હતો, માટે ચક્રવર્તી રાજગોપાલાચારી અને સુભાષબાબુ જેવા નેતાઓએ સરદાર પટેલની કામગીરીના સર્વત્ર વખાણ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *