સુરત(Surat): વકીલ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર થયેલા હુમલા અંગે આરોપી સાજન ભરવાડ(Sajan bharwad) તરફી જામીન અરજીની માંગ સુરત સેશન્સ કોર્ટ(Surat Sessions Court)માં કરવામાં આવી હતી. માંગ સેશન્સ કોર્ટ દ્વારા 9 સપ્ટેમ્બરના રોજ ના મંજૂર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં સાજન ભરવાડના વકીલ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં ગઈકાલના રોજ મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડને શરતી જામીન આપી દેવામાં આવ્યા છે.
હાઇકોર્ટે આ શરતે આપ્યા જામીન:
જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટ 10 હજારના શરતી જામીન પર સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જામીન અંગે શરત મુકવામાં આવી છે કે જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી તે સુરત શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં તે ઉપરાંત એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરત સેશન્સ કોર્ટે સાજન ભરવાડના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે મોડી ફરિયાદ લેનાર સરથાણાના PI એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવામાં આવી હતી. PI એમ કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકવામાં આવ્યા હતા. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકવામાં આવ્યા હતા અને સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી છે. તેમજ સુરત પોલીસ દ્વારા એક ઝાટકે 37 TRB જવાનોને પણ હટાવી દેવામાં આવ્યા હતા.
જાણો શું હતી સમગ્ર ઘટના?
એડવોકેટ મેહુલ બોઘરાને બાતમી મળી હતી કે, આ જગ્યા પર પોલીસના મળતિયાઓ દ્વારા વાહન ચાલકો પાસેથી કટકી, તોડ-પાણી કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મેહુલ બોઘરા સ્થળે પહોંચી ગયા હતા અને એક રીક્ષાની નજીક જઈ રહ્યા હતા ત્યારે તેના પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર આક્ષેપો કરતા એડવોકેટ મેહુલ બોઘરા કહ્યું છે કે, પોલીસના મળતિયાઓ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અનેક વાર મેહુલ બોઘરાને ધમકીઓ આપવામાં આવી હતી.
મેહુલ બોઘરા પર થયેલા હુમલા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, અને રાતના સમયે પોલીસ સ્ટેશનમાં સેકંડોની ભીડમાં આરોપી સાજન ભરવાડ સામે ફરિયાદ લેવાની ઉગ્ર માંગ કરી હતી. ઉગ્ર માંગ જોઈ પોલીસે પણ ફરિયાદ લઇ આરોપી વિરુદ્ધ કલમ આઇપીસી ૩૦૭ નોંધી ગુનો ફરિયાદ નોંધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.